લોકડાઉન બાદ માંદગીમાં સંપડાયેલા રોયલ એસ્ટેટને ફરી બેઠું કરવા જરૂરી પ્રોત્સાહન આપવા ક્રેડાઈની સરકારને ભલામણ
રાજકોટ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સમગ્ર દેશમાં એક મોડેલ તરીકે વિકસિત થઈ રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રાજકોટ બેનમૂન બની રહ્યું છે. બિલ્ડરો તો મહેનત કરી જ રહ્યા છે સાથોસાથ સરકાર પણ એક પછી એક આયોજન થકી રાજકોટને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ બેનમૂન બનાવવા પ્રયત્ન કરી રહી છે. સૌરાષ્ટ્રમાં લગભગ અશક્ય સમાન એઇમ્સ રાજકોટને મળતા સમગ્ર દેશમાં તેની ચર્ચાઓ શરૂ થઈ છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ, વિશાળ નવું રેસકોર્સ, એજ્યુકેશન હબ, ઇન્ડસ્ટ્રીયલ હબ, આરોગ્યની સુઘડ વ્યવસ્થાઓને કારણે સમગ્ર દેશમાં રાજકોટ અલગ સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. હાલ દેશભરમાં તો ખરું જ સાથોસાથ એવી વાતો પણ સામે આવે છે કે, અમેરિકા કે યુ.કે.માં બેઠેલો ભારતીય પણ એવું ઇચ્છતો થયો છે કે, તેનું એક ઘર રાજકોટમાં પણ હોય ત્યારે એફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ માટે પણ બિલ્ડરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. એફોર્ડેબલ હાઉસિંગના સ્વપ્નને સાકાર કરવા બિલ્ડરો ફક્ત સરકારનો સાથ ઝંખી રહ્યા છે.
છેવાડાના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ભાડાના મકાનમાંથી મુક્તિ મળે અને તેમને પણ ’સપનાનું ઘર નું ઘર’ મળે તેવું સ્વપ્ન કેન્દ્રની મોદી સરકારે જોયું હતું. આ સ્વપ્નને સાકાર કરવા કેન્દ્ર સરકારની પહેલ બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રે જાણે બીડું ઝડપ્યું હોય તે રીતે ઠેર ઠેર એફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ્સ બિલ્ડરોએ શરૂ કરી દીધા છે. હાલના તબક્કે અનેકવિધ પ્રોજેક્ટ્સ પૂર્ણ પણ થઈ ચુક્યા છે, ઘણા લોકોને તેમના સપનાનું ઘર મળી પણ ચૂક્યું છે અને ઘણા ખરા પ્રોજેક્ટ્સ હજુ પણ ચાલુ છે. એફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ્સ મોટાભાગે શહેરી વિસ્તારની બિલકુલ નજીક વિકાસશીલ વિસ્તારોમાં નિર્માણાધીન હોય છે જેથી વધી રહેલી જમીનની કિંમતના સમયમાં પણ લોકોને સસ્તા ભાવે ઘરનું ઘર આપી શકાય. સરકારે એક કરોડ મકાન એફોર્ડેબલ હાઉસિંગ મારફત બનાવવમાં આવે તેવું સ્વપ્ન જોયું હતું. ત્યારે બિલ્ડરો પણ આ સ્વપ્નને સાકાર કરવા માટે તત્પર છે. આ પ્રોજેકટ પુરપાટ ઝડપે ચાલી જ રહ્યો હતો ત્યારે કોરોનારૂપી રાક્ષસે બજારમાં આતંક મચાવ્યો. કોરોનાને નાથવા જે લોકડાઉનરૂપી તાળું લગાવવામાં આવ્યું તેના કારણે તમામ ઉદ્યોગ-ધંધાને ભારે માઠીનો સામનો કરવો પડ્યો. ધીમે ધીમે તબક્કાવાર અનલોક થતા ફરીવાર ઉદ્યોગોની ગાડી પાર્ટ ચડી રહી છે પરંતુ અનેક પડકારો હજુ પણ યથાવત છે જેનો સામનો રિયલ એસ્ટેટ ક્ષેત્ર કરી રહ્યું છે.
બિલ્ડરોની સર્વોચ્ચ સંસ્થા ક્રેડાઈએ સરકારને ટેક્સ એક્ઝેમ્પશનમાં વધારો કરવાની ભલામણ કરી છે. આગામી બજેટમાં આ બાબતનો સમાવેશ કરવામાં આવે તેવી ભલામણ ક્રેડાઈએ સરકારને કરી છે. ઉપરાંત ક્રેડાઈએ સરકારને ભલામણ કરી છે કે, હોમ લોન્સ પર સેક્શન ૮૦સી મુજબ લેવામાં આવતો કર પણ ઘટાડવાની માંગણી કરી છે. ક્રેડાઈએ ઉમેર્યું છે કે, લોનની ચુકવણી પર અલગ છૂટછાટ પણ મળવી જોઈએ જેથી બિલ્ડરોને રાહત મળી શકે. ઉલ્લેખનીય બાબત છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ આગામી ૧લી ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર છે.
ધ ક્ધફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા(ક્રેડાઈ)માં સમગ્ર દેશભરમાંથી આશરે ૨૦ હજાર સભ્યો નોંધાયેલા છે. આ તમામ સભ્યોએ રિયલ એસ્ટેટ ક્ષેત્રને ફરીવાર ધબકતું રાખવા કરમુક્તિ સહિતની યોજનાઓ અમલમાં હોવી જ જોઈએ તેવું જણાવ્યું છે. ક્રેડાઈએ જણાવ્યું છે કે, કોરોના મહામારી અને લોકડાઉનને કારણે છેલ્લા ૨ વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર માઠી અસરનો સામનો કરી રહ્યું છે. તેમાં પણ માટીરીયલ્સના વધતા જતા ભાવ અને સ્ટેમ્પ ડ્યુટી પણ ક્ષેત્રને વધુ અસરકર્તા છે. લોકડાઉન બાદ ધીમેધીમે રિયલ એસ્ટેટની ગાડી પાટે ચડી રહી છે ત્યારે આ ગાડીને પુરપાટ ઝડપે ચલાવવા વધુ પ્રોત્સાહનોની જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે રિયલ એસ્ટેટને કર મુક્તિ જેવી યોજનાનો લાભ મળે તો ક્ષેત્ર વધુ ઝડપથી બેઠું થઈ શકે તેમ છે.
એસોસિએશને કહ્યું છે કે, બજારમાં તરલતા લાવવા માટે રિયલ એસ્ટેટ મુખ્ય સંસાધનો પૈકી એક છે. લાંબી ચુકવણીની યોજનોને કારણે નાનો માણસ પણ ઘરનું ઘર ખરીદવા તત્પર બનશે જેથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી આવી શકશે. જેના માટે મુખ્યત્વે કરમુક્તિ અને લાંબા ગાળાની ચુકવણી સહિતની યોજનાઓ અમલી બનાવવી જરૂરી છે. જો આ યોજનાઓ અમલી બનશે તો ચોક્કસ બજારમાં માંગ ઉભી થશે અને તેજીનો માહોલ પણ આવશે તેવું રિયલ એસ્ટેટ ક્ષેત્રના બિલ્ડરોનું માનવું છે. ક્રેડાઈએ વધુમાં ઉમેર્યું છે કે, એફોર્ડેબલ હાઉસિંગનું સ્વપ્ન અને વિદેશી હૂંડિયામણની જરૂરિયાત બંનેને પૂર્ણ કરવા રિયલ એસ્ટેટ ક્ષેત્ર સક્ષમ છે પરંતુ એકલા હાથે કંઈ પણ શક્ય નથી. સરકારે આ સ્વપ્ન સાકાર કરવા પ્રોત્સાહનો થકી સાથ આપવો જ પડશે.
ક્રેડાઈએ સલાહ આપતા કહ્યું છે કે, સેક્શન ૮૦સી મુજબ હાઉસિંગ લોનમાં રિપેમેન્ટ કરવામાં આવે છે તેની મર્યાદા વધારવાની જરૂરિયાત છે. હાલના તબક્કે જે મર્યાદા છે તેને વધારીને દોઢ લાખ સુધી કરવી જોઈએ. આ નિર્ણય નાના માણસોને ઘરનું ઘર ખરીદવા આકર્ષે તેવી પ્રબળ શક્યતાઓ છે.
લોકડાઉન બાદ ક્ધસ્ટ્રક્શનમાં ઉપયોગમાં લેવાતા રો મટીરીયલની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. રો મટીરીયલની કિંમતમાં ૩૫% સુધીનો ભાવ વધારો આવ્યો છે. જેથી બિલ્ડરો કોસ્ટ કટિંગ કરી શકતા નથી. અધૂરામાં પૂરું અમુક રો મટીરીયલ પર બિલ્ડરોએ ૨૮% સુધીનો જીએસટી પણ ભરવો પડતો હોય છે જે પડકાર બિલ્ડરો માટે મોટા પડકારો પૈકી એક છે. ઉપરાંત લોકડાઉન બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માંદગીમાં સપડાયું હોય તે રીતે લોકો તેમના બુકિંગ રદ્દ કરી રહ્યા હતા જેથી બિલ્ડરોએ પ્રોજેકટ આગળ ધપાવવા કરતા ગ્રાહકોને રિફંડ આપવા મજબૂર બન્યા હતા. જેના પરિણામે રિયલ એસ્ટેટ ખૂબ માઠી અસરનો સામનો કરી રહ્યું હતું. તેવા સમયમાં દસ્તાવેજ નોંધણી માટે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પેટે ચૂકવવો પડતો ૬% નો દર પણ મુખ્ય પડકારો પૈકી એક છે. ત્યારે બિલ્ડરો સરકાર સમક્ષ સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કરવાની માંગ પણ રાજ્ય સરકાર પાસે કરી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે, લોકડાઉન બાદ માંદગીમાં સંપડાયેલા રિયલ એસ્ટેટને ફરીવાર બેઠું કરવા મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. ઉદ્ધવ સરકાર દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૦ના ચાર મહિના માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેમ્પ ડ્યુટીનો દર અનુક્રમે ૬% અને ૫%માંથી ઘટાડીને ૩% કરી દેવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર સરકારની આ રાહતનું પરિણામ હકારાત્મક આવ્યું અને આ ચાર મહિનાના ગાળામાં વર્ષ ૨૦૧૯ની સાપેક્ષે સરકારની આવકમાં રૂ. ૩૬૭ કરોડનો વધારો પણ નોંધાયો સાથોસાથ દસ્તાવેજ નોંધણીમાં ૪૮% લનો ધરખમ વધારો પણ નોંધાયો. મહારાષ્ટ્ર સરકારના નિર્ણય અને તેના પરિણામનો હવાલો આપતા રાજ્યના બિલ્ડરો પણ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાની માંગ કરી રહ્યા છે.