કૃષિ વિના નહીં ઉદ્ધાર…. ભારત પેહલેથી જ કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. ભારતીય અર્થતંત્રના વિકાસ અને વૃદ્ધિમાં કૃષિક્ષેત્રનો ફાળો અનન્ય રહેલો છે. ઔદ્યોગિક એકમોના વિકાસ પાછળ પણ પ્રત્યક્ષ કે પરોક્ષપણે કૃષિ અને કૃષિ સંબંધિત પેદાશો જ આધારિત છે કારણ કે આખરે આ ઉદ્યોગોને કાચો માલ કૃષિ જ પૂરો પાડે છે. વર્ષ 1965-66 દરમ્યાન અણાયેલી હરિયાળી ક્રાંતિ હવે ભારતમાં ફરી અણાંય તો પણ નવાઈ નહીં. આ વખતે આ પાછળ મહત્વનો ભાગ સરકારી પગલાં અને એગ્રી ટેક સ્ટાર્ટપ ભજવશે.
સરકારી પગલા અને એગ્રીટેક સ્ટાર્ટઅપથી કૃષિ ક્ષેત્રે બીજી ‘હરિયાળી’ ક્રાંતિ અણાશે: ETILC
તાજેતરમાં ઇટીઆઇએલસીના સભ્યોએ વિશ્લેષણ કરતા જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્રમાં એક મહત્વનો ફાળો કૃષિનો છે. કૃષિનો જીડીપીમાં હાલ ફાળો 18 ટકા જેટલો છે અને 60 ટકા જેટલી રોજગારી પૂરી પાડે છે પરંતુ આ હજુ ક્ષમતા કરતા ઓછું જ છે. જો સરકાર દ્વારા હજુ બધું પગલાં લેવામાં આવે અને એગ્રીટેક સ્ટાર્ટઅપ ઝડપથી ઉભા કરવામાં આવે તો ભારતમાં બીજી હરીયાળી ક્રાંતિ પણ સર્જાઈ શકે છે. જો કે એ બાબતને પણ નકારી ન શકાય કે કૃષિ ક્ષેત્રે નાશવંત ચીજ વસ્તુઓની નુકસાની પણ એક મોટા અવરોધરૂપ છે. બિન ટકાઉ એટલે કે નાશવંત ચીજવસ્તુઓની કૃષિક્ષેત્રની હાલની નુકસાની અંદાજે 33 ટકા જેટલી છે જો તેને ઘટાડવામાં આવે તો મોટો ખર્ચ એમનમ જ નીકળી શકે તેમ છે. આથી સરકાર આ 33%ની નુકશાનીને એક આંકડામાં લાવવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય કૃષિ ઉદ્યોગ આગામી ખરીફ સીઝનમાં વિક્રમી ઉત્પાદન કરશે અને મોટી આવક સાથે અર્થતંત્રને વેગ આપવા માટે પણ કમર કસી રહ્યો છે. કોવિડ -19 મહામારી હોવા છતાં, 2020માં કૃષિ પેદાશોમાં કોઈ અવરોધ ઉભો થયો ન હતો અને આ વર્ષે પણ થયો નથી. કેન્દ્ર સરકાર ખેતી ક્ષેત્રની માંગમાં વધારાની અપેક્ષા રાખી રહી છે અને જરૂરી માત્રામાં બિયારણ, ખાતરો અને જંતુનાશકોની સપ્લાય કરવાની વ્યવસ્થા કરી રહી છે.