પાર્ટીમાં વધારે સમયથી કાર્યરત નેતાઓને પ્રાધાન્ય આપવાની વિચારધારાથી કોંગ્રેસમાં ઉગતા સિતારાઓ ખરી રહ્યા છે?

રાજસ્થાન કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલતા અસંતોષની જવાળાઓ તાજેતરમાં બહાર આવવા પામી છે. આ જવાળાએ ગેહલોત સરકારની ખુરશી હચમચાવી નાખતા સફાળા જાગેલા કોંગ્રેસ હાઇકમાન્ડે ફાયર ફાયટરો મોકલીને આ અસંતોષને ઠારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ગેહલોતની નેતાગીરી સામે બળવો પોકારનારા સચિન પાયલોટ આ મનામણા બાદ પણ અડગ રહ્યા હતાં, ગઇકાલે મળેલી ધારાસભ્યોની બેઠકમાં ઉપમુખ્યમંત્રી પાયલોટ અને તેના સમર્થક ત્રણ મંત્રીઓને ગેહલોક સરકારમાંથી હટાવવાનો નિર્ણય કરાયો છે. જે સામે પાયલોટે  સત્ય  પરાજીત થઇ શકે છે પરાજીત નહીં એવી પ્રતિક્રિયા  આપતા રાજસ્થાનમાં ‘પાયલોટ’વગરની ગેહલોતે સરકારનું એકસીડન્ટ થશે કે કેમ? તે મુદ્દે રાજકીય પંડીતોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રાજસ્થાનમાં સત્તાની સાઠમારી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હતી. કોંગ્રેસનાં વિધાયક દળની બીજી બેઠકમાં પણ બળવો પોકારનાર સચિન પાયલટ અને તેનાં સમર્થકો હાજર રહ્યા ન હતાં અને તમામ પ્રયાસો પછી પણ પાયલટ સમાધાન માટે તૈયાર ન થતાં આખરે કોંગ્રેસે તેની સામે કોરડો વીંઝી નાખ્યો હતો. જેમાં પાયલટની રાજ્યનાં ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બન્ને પદેથી હકાલપટ્ટી કરી નાખવામાં આવતાં રાજકીય સ્થિતિ પ્રવાહી બની ગઈ હતી. પાયલટની સાથે તેનાં બે સમર્થક મંત્રીઓને પણ બરખાસ્ત કરી નાખવામાં આવ્યા છે. જેને પગલે હવે વિધાનસભામાં બળાબળનાં પારખાં લગભગ સુનિશ્ચિત બની ગયું છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ કોંગ્રેસે આ બીજો મજબૂત યુવા ચહેરો ગુમાવ્યો છે. કોંગ્રેસમાં આ મોટા ભંગાણ સાથે જ

ભાજપ સક્રિય બની ગયો હતો અને ભાજપે મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા કરવામાં આવેલા બહુમતનાં દાવાનો અસ્વીકાર કર્યો છે. ભાજપ સાંસદ ઓમ માથુર દિલ્હીથી જયપુર જવા રવાના થઈ ગયા હતાં અને ભાજપની ઉચ્ચસ્તરીય બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ તમામ ઉથલપાથલ વચ્ચે હવે તમામ નજર રાજસ્થાનનાં રાજ્યપાલ કલરાજ મિશ્રા ઉપર કેન્દ્રિત થઈ છે અને તેઓ હવે શું અને ક્યારે નિર્ણય કરે છે તે જોવાનું રહે છે. જો કે આજે પાયલટ અને અન્ય બે મંત્રીઓની હકાલપટ્ટી બાદ ગહેલોત રાજ્યપાલને મળ્યા હતાં અને ઘટનાક્રમોથી તેમને અવગત કર્યા હતાં.

પાયલટ અને તેનાં બે સમર્થક મંત્રીઓની હકાલપટ્ટી વિશે કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરેજેવાલાએ કહ્યું હતું કે, પાયલટ ઉપરાંત વિશ્વેન્દ્ર સિંહને પર્યટન મંત્રી અને રમેશ મીણાને ખાદ્ય આપૂર્તિ મંત્રી પદેથી તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પાયલટને પ્રદેશ પ્રમુખ પદેથી પણ દૂર કરાયા છે અને તેનાં સ્થાને રાજ્યનાં શિક્ષણ મંત્રી ગોવિંદસિંહ ડોટાસરા નવા પ્રદેશ પ્રમુખ રહેશે. તેમણે કહ્યું હતું કે, ભાજપનાં ષડયંત્રમાં આવીને પાયલટ અને તેનાં સાથીઓ સરકારને પછાડવાની સાજિશ કરે તે સ્વીકાર્ય નથી.

રાજસ્થાનમાં છેલ્લા કેટલાંક દિવસથી ઘેરા બનેલા રાજકીય સંકટ વચ્ચે આજે કોંગ્રેસનાં વિધાયક દળની બેઠકમાં ૧૦૮ ધારાસભ્યોએ પાયલટને બહારનો રસ્તો દેખાડવા સંમતિ આપ્યા બાદ જ આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

જો કે કોંગ્રેસે બળવાખોરો સામે કાર્યવાહીમાં પણ સાવધાની રાખી છે અને પાયલટ સહિત માત્ર ત્રણને જ તેમનાં પદેથી હટાવ્યા છે. જેથી તેમનાં અન્ય સમર્થક વિધાયકોને મનાવીને પાછા વાળવાનો રસ્તો ખુલ્લો રાખી શકાય. જો હવે કોંગ્રેસ દ્વારા તેમને પરત આવવા માટે અપાતી તકનો સ્વીકાર નહીં થાય તો વિધાનસભાની કુલ ક્ષમતા ઘટાડીને બહુમત પુરવાર કરવાં તમામની હકાલપટ્ટી કરશે.

પાયલટનાં વિદ્રોહ પહેલા કોંગ્રેસ પાસે ૧૦૭ વિધાયકો હતા અને ૧૩ અપક્ષો અને નાના પક્ષોની પાંચ બેઠકોનો તેને ટેકો હતો. જે હવે ઘટીને ૯૦, સાત અપક્ષો અને ત્રણ નાના પક્ષનાં વિધાયકો થઈ ગયા છે. કોંગ્રેસ પાસે હવે ૨૦૦ સદસ્યો ધરાવતી વિધાનસભામાં ૧૦૦નું સંખ્યાબળ છે. જો કે આમાંથી પણ કેટલાં પાયલટ સમર્થક નીકળી શકે છે તે કળી શકાય તેવું નથી. રાજસ્થાનમાં કોંગ્રેસનાં એકમાત્ર ગઠબંધન પક્ષ બીટીપી પાસે બે ધારાસભ્યો છે અને તેણે પણ ટેકો પાછો ખેંચી લીધો છે.

પાયલોટને ઉપમુખ્યમંત્રી પદેથી દુર કરાયા બાદ પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓએ આ મુદ્દે દુ:ખ વ્યકત કર્યુ હતું. પાર્ટીના યુવા નેતા જતીન પ્રસાદે પાયલોટની હાકલ પટ્ટી સામે દુ:ખ વ્યકત કરીને તેમને રાજસ્થાનમાં કરેલા કામોની પાર્ટીએ કદર કરવી જોઇતી હતી તેવી લાગણી વ્યકત કરી હતી. પાર્ટીના પ્રવકતા અભિષેક મનુ સિંધવીએ પણ પાયલોટને દુર કરવા મુદ્દે દુ:ખ વ્યકત કર્યુ હતું. જયારે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ ઘટનાને દુ:ખદાયક બતાવીને પાર્ટીના કાર્યકરોએ પાર્ટી પ્રત્યે ઋણુ રાખવું જોઇએ તેવી લાગણી વ્યકત કરી હતી. જયારે સલમાન ખુરશીદ, વિરપ્પા મોઇલી, પ્રિયા દત્તા સહિતના નેતાઓએ પણ પાયલોટની રૂ ખસદને દુ:ખદાયક ગણાવી હતી.

કોંગ્રેસમાં ચાલતા અસંતોષના નાટકને દુરથી જોઇને સમયાંતરે ધી નાખનારા ભાજપે પણ હવે સત્તાનો લાભ ખાટવા સક્રિય બનીને આજે પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. અત્યાર સુધી ભાજપ એવું ઇચ્છતુ હતું કે પાયલોટ ભાજપના શરણે જાય અને ભાજપ તેમની પાસે ધાર્યુ કરાવીને સત્તા મેળવીપરંતુ પાયલોટે સ્વમાનભેર ભાજપના શરણે જવાના બદલે ત્રીજો મોરચો રચવાની વાત કરતા ભાજપ પણ હવે કોંગ્રેસની સાંઠમારીમાં પોતાનો લાભ ખાટવા મેદાનમાં આવ્યું છે. જો કે પાયલોટે પોતાને ઉપમુખ્યમંત્રીપદેથી હટાવ્યા બાદ આજે કરેલી મીડિયા સમક્ષ સ્પષ્ટતા માં તેઓ ભાજપમાં જોડાશે નહીં સ્પષ્ટ કરતા ભાજપને હાલમાં વિશેષ રાજકીય લાભ મળશે કે કેમ? જે રાજકીય પંડીતોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

  • ગેહલોત સરકારમાં મારો અવાજ દબાવવામાં આવતો હતો : સચિન પાયલોટ

રાજસ્થાનના રાજકારણમાં આવેલા ભૂકંપ બાદ ઉપમુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટે પહેલી વખત પોતાની વાત રજૂ કરી જણાવ્યું હતુ કે હું મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજનથી મે ખાસ કોઈ વધારાની સત્તા પણ માગી નથી જોકે તેમણે જણાવ્યું કે મારો અવાજ દબાવવામાં આવ્યો છે અધિકારીઓને મારો આદેશ ન માનવા જણાવાયું હતુ. બીજી તરફ સચિન પાયલોટ ભાજપમાં પણ જોડાવાના નથી તેવો નિર્દેશ આપ્યો હતો હું કોઈ વ્યકિત વિશેષ કે ખાસ કોઈ સત્તા માગતો નથી હું એટલું જ માગુ છુ કે રાજસ્થાનમાં કોંગ્રેસે ચૂંટણીમાં જે વચનો આપ્યા હતા તે પૂરા કરવામાં આગળ વધે અને એ વચનો પૂરા કરે. વસુંધરા રાજે સરકારના ગેરકાયદે ખાણ ખનિજ પટ્ટા આપ્યા તેના વિરોધમાં સામે અભિયાન ચલાવ્યું હતુ પણ સત્તા મેળવ્યા પછી ગેહલોતે કંઈ કર્યું નહતુ પણ એજ રસ્તે ચાલ્યા હતા અધિકારીઓને મારા આદેશનું પાલન નહી કરવા જણાવ્યું હતુ. ફાઈલો પણ મારી પાસે મોકલવામાં આવતી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.