- રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં
- કલ્પકભાઇ મણીયાર, મિહીરભાઇ મણીયાર દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશન અંગે આજે ગમે તે ઘડીએ ગુજરાત હાઇકોર્ટ આપશે ચૂકાદો
રાજકોટ નાગરીક સહકારી બેંકના 1પ ડિરેકટરો માટે આગામી રવિવારે યોજનારી ચૂંટણી પૂર્વ આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહેશે. ડયુઅલ મેમ્બરશીપના કારણે જીલ્લા કલેકટર દ્વારા સંસ્કાર પેનલના ચાર ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. જેની સામે દાખલ કરવામાં આવેલી પિટીશન અંગે આજે ગુજરાત હાઇકોર્ટના જસ્ટીશ દેવેન્દ્ર દેસાઇ દ્વારા સુનાવણી હાથ ધરી ચૂકાદો આપવામાં આવશે.
સંસ્કાર પેનલના ચાર ઉમેદવારોના રદ કરવામાં આવેલા ઉમેદવારી ફોર્મ માન્ય રાખવામાં આવશે કે પછી ડયુઅલ મેમ્બર શીપ ધરાવતા સહકાર પેનલના 10 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવશે તેના પર તમામની મીટ મંડાયેલી છે.
રાજકોટ નાગરીક સહકારી બેંક લીમીટેડના ર1 ડિરેકટરોની ચૂંટણીમાં સહકાર પેનલ દ્વારા ર1 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેની સામે સંસ્કાર પેનલ દ્વારા 1પ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ગત શનિવારે ઉમેદવારી ફોર્મ ની ચકાસણીમાં બેંકના પૂર્વ ચેરમેન અને સંસ્કાર પેનલના પ્રણેતા કલ્પકભાઇ મણીયાર, મિહીરભાઇ મણીયાર, હિમાંશુભાઇ ચિનોઇ અને નિમેશભાઇ કેશરિયાના ફોર્મ બેવડા સભ્ય ડયુઅલ મેમ્બર શીપના કારણે રદ કરવામાં આવ્યા હતા. જેની સામે સંસ્કાર પેનલ દ્વારા ગત સોમવારે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા.
સંસ્કાર પેનલની પિટીશન અંગે ગુજરાત હાઇકોર્ટમાં 14 નવેમ્બર અર્થાત આજે ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. હાઇકોર્ટના જસ્ટીસ દેવેન્દ્ર દેસાઇ દ્વારા આજે જે ચૂકાદો આપવામાં આવશે તેના પર તમામની મીટ રહેશે. કારણ કે સંસ્કાર પેનલે પણ એવો દાવો કર્યો છે કે સહકાર પેનલના 10 થી વધુ ઉમેદવારો ડયુઅલ મેમ્બર શીપ ધરાવે છે. આટલું જ નહી ઉમેદવાર બનવાની લાયકાત ધરાવતા બેંકના 80 થી વધુ ડેલીગેટસ એવા છે. જે ડયુઅલ મેમ્બરશીપ ધરાવે છે. આજનો હાઇકોર્ટનો ચૂકાદો રાજકોટ નાગરીક સહકારી બેંકની ચૂંટણીમાં ટર્નીગ પોઇન્ટ સમાન સાબિત થશે.
કારણ કે હાઇકોર્ટ સંસ્કાર પેનલના ચાર ઉમેદવારોના ફોર્મ જે ડયુઅલ મેમ્બર શીપના કારણે રદ થયા છે. તે જીલ્લા કલેકટરના નિર્ણયને યથાવત રાખે તો સહકાર પેનલના પણ 10 ઉમેદવારો જે ડયુઅલ મેમ્બર શીપ ધરાવે છે. તેના ફોર્મ પણ રદ કરવા પડે, અને જો તેનાથી વિપરીત બેવડા સભ્યપદ ધરાવતા સહકાર પેનલના 10 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવે તો સંસ્કાર પેનલના પણ ચાર ઉમેદવારો કે જેના ફોર્મ ડયુઅલ મેમ્બર શીપના કારણે રદ કરવામાં આવ્યા છે. તેને પણ માન્ય રાખવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે સહકાર પેનલના છ ઉમેદવારો બીન હરીફ જાહેર થયા છે. આગામી રવિવારે 1પ ડિરેકટરોની વરણી માટે મતદાન થશે. જેમાં સહકારી પેનલના 1પ ઉમેદવારો અને સંસ્કાર પેનલના 11 ઉમેદવારો સહિત કુલ 26 ઉમેદવારો વચ્ચે ટકકર છે. 33ર ડેલીગેટસ મતદાન કરશે.