રાજસ્થાનનું રાજકારણ ગોટે ચડ્યું, કોંગ્રેસે ગહેલોત અને પાયલોટ આ બન્નેમાંથી એક હાથ ગુમાવવો પડે તેવી સ્થિતિ
પાયલોટે અત્યાર સુધી બોલબોલ કર્યું છે. પણ હવે ભેદી મૌન ધારણ કર્યું છે. આ મૌન કોંગ્રેસના ઉભા ફાડીયા કરી નાખે તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ કોંગ્રેસને મોટું નુકસાન થવાની શકયતા છે. કારણકે કોંગ્રેસે પાયલોટ અથવા ગાહેલોત આ બેમાંથી કોઈ એક હાથ ગુમાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
2020માં પાયલોટે 200 ધારાસભ્યોની રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસના 125માંથી 30 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને ગેહિલોતની આગેવાની હેઠળની સરકાર સામે બળવાનું બ્યુન્ગલ ફુક્યું હતું. આ પ્રયાસને મુખ્ય પ્રધાન દ્વારા ઝડપથી દબાવી દેવામાં આવ્યો હતો. આ વખતે પાયલોટે પોતાનો એજન્ડા છુપાવી રાખ્યો છે. હવે જ્યારે પાયલોટ એ મૌન ધારણ કર્યું છે ત્યારે કોંગ્રેસના ઉભા બે ફાડીયા થાય તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે.
રાજસ્થાનમાં હાલ પંજાબવાળી થવાના પુરા એંધાણ દેખાઈ રહ્યા છે. હાલ કોંગ્રેસ પણ રાજસ્થાનના રાજકારણથી ચિંતિત દેખાઈ રહ્યું છે. બીજી તરફ પાયલોટ જો ખુલ્લેઆમ બળવો પોકારે તો કોંગ્રેસે ગહેલોત કે પાયલોટ આ બેમાંથી પોતાના કોઈ એક હાથનો ત્યાગ કરવો પડે તેમ છે. બીજી તરફ ગહેલોત જૂથ પણ પાયલોટના આ વલણથી ચિંતામાં ગરક થઈ ગયું છે. સામે ભાજપ આ ખેંચતાણનો પૂરો ફાયદો ઉઠાવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.
પાયલોટ કાલે ધડાકો કરશે ?
રાજસ્થાનના રાજકારણમાં 11 જૂનને ઉત્સુકતાપૂર્વક જોવામાં આવી રહી છે કારણ કે આ દિવસે સચિન પાયલોટ તેમની ભાવિ યોજનાઓ જાહેર કરે તેવી અપેક્ષા છે. શું તેઓ કોંગ્રેસથી અલગ થશે અને તેમની પાર્ટીની સ્થાપના કરશે કે નહીં તે અંગે કાલે ફોડ પડે તેવી શકયતા છે. આ દિવસ પાયલોટ માટે ખાસ છે. કારણકે કાલે તેમના પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિ છે. જે એક લોકપ્રિય નેતા હતા.