ભારત દેશનો જીડીપી દર-૨૩.૯એ પહોંચ્યો: એક માત્ર કૃષિ ક્ષેત્રમાં જોવા મળી વૃદ્ધિ
વૈશ્ર્વિક મહામારી કોરોનાને લઈ અનેકવિધ દેશોની અર્થવ્યવસ્થાના માઠી અસરનો સામનો કરવો પડયો છે જેમાં ભારત દેશ પણ બાકાત રહ્યો નથી. કોરોનાના પગલે દેશના વિકાસ દરનો આંકડો જે સામે આવ્યો છે તેનાથી દેશને ખુબ જ મોટો ઝટકો અને ફટકો પણ પડયો છે ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવિત થાય કે, શું લોકડાઉને થંભાવી દીધેલી આર્થિક ગતિ ફરી પુરપાટ દોડશે કે કેમ ? આંકડાકિય માહિતી અનુસાર પ્રથમ ત્રિમાસકગાળામાં એટલે કે ચાલુ નાણાકિય વર્ષના એપ્રિલથી જુનની અવધિ દરમિયાન જીડીપી -૨૩.૯ ટકાએ રહ્યો છે. આ આંકડો ભારતના અર્થતંત્રમાં ૪૦ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ જોવા મળ્યો છે. લોકડાઉનના પગલે દેશમાં ઠપ્પ થઈ ગયેલી આર્થિક પરિસ્થિતિની અસર હવે અર્થતંત્ર ઉપર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જી-૨૦ જેવા દેશોમાં સૌથી ઓછો જીડીપી ધરાવતો જે કોઈ દેશ હોય તો તે ભારત છે.
દેશના વિકાસદરમાં જે નકારાત્મક અસર જોવા મળી છે ત્યારે તેની સામે એકમાત્ર ખેતી ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી છે જેનો દર ૩.૪ ટકાનો રહેવા પામ્યો છે. આંકડાકિય માહિતી અનુસાર પ્રથમ ત્રિમાસિક ગાળામાં માઈનીંગ સેકટરનો વૃદ્ધિ દર ૨૩.૩ ટકા ઘટયો છે. એક વર્ષ અગાઉ આજ સમયગાળા દરમિયાન ૪.૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ રીતે મેન્યુફેકચરીંગમાં ૩ ટકાની તુલનામાં ૩૯.૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કૃષિ વૃદ્ધિ દર ૩.૪ ટકા રહ્યો છે. બાંધકામ ક્ષેત્રમાં વૃદ્ધિ દરમાં ૫૦.૨ ટકાનો ઘટાડો થયો છે. સરકારે લોકડાઉન સમયગાળા એટલે કે એપ્રિલ-જુન ૨૦૨૦ના જીડીપીના આંકડાઓ જાહેર કર્યા છે જેમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીએસટીનો દર માઈન્સમાં જોવા મળયો છે. નાણાકિય વર્ષ ૧૯-૨૦ના ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વિકાસ દર ૩.૧ ટકા રહેવા પામ્યો હતો જયારે બીજા ત્રિમાસિક ગાળામાં ૪.૫ ટકા, ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૪.૭ ટકા અને એક વર્ષ અગાઉ પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫ ટકાનો વિકાસ દર રહ્યો હતો. વિકાસ દર અંગે જો વાત કરવામાં આવે તો કૃષિ, રિયલ એસ્ટેટ, ઉત્પાદન, વિજળી, ગેસ સપ્લાય, માઈનીંગ, બાંધકામ, વેપાર અને કોમ્યુનિકેશન, ફાઈનાન્સ તથા ઈન્સ્યોરન્સ, બિઝનેસ સર્વિસીસ સહિત અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે. બીજી તરફ કોરોનામાં ટ્રેડ, હોટલ અને ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રના વૃદ્ધિ દરમાં પણ ૪૭ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાંતોનું માનવું છે કે, આરબીઆઈ વ્યાજદરોમાં ઘટાડો જો ડિસેમ્બર સુધી મોકુફ રાખે તો દેશના અર્થતંત્રને ઘણોખરો ફાયદો પણ પહોંચશે ત્યારે હાલ સરકાર પણ દેશના અર્થતંત્રને વિકસિત કરવા માટે અનેકવિધ વિકાસલક્ષી નિર્ણયો લઈ રહ્યું છે અને જે ઉધોગો કોરોનાને લઈ મંદ પડયા હતા તે માટે સરકારે ૨૦ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ પણ જાહેર કર્યું છે.