૧૯ જુલાઈથી ૧૬ ઓગસ્ટ સુધી ચાલનારા સત્રમાં કોરોના, રસીકરણ સાથે અન્ય અનેક બિલો પર થશે ચર્ચા
આગામી 19 જૂલાઇથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન સરકાર દ્વારા સંસદમાં ડીએનએ ટેકનોલોજી બિલ, માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખભાળ અને કલ્યાણ બિલ, ટ્રિબ્યુનલ રિફોર્મ બિલ અને ફેક્ટરિંગ રેગ્યુલેશન સુધારા બિલ સહિત અન્ય 15 બિલને ચર્ચા માટે સંસદમાં લાવવામાં આવી શકે છે.
કોરોનાની બીજી લહેરના કારણે સંસદનું આ સત્ર હંગામેદાર રહેવાની આશા સેવાઇ રહી છે. અગાઉ રસીની અછત અને હવે રસીના ભાવમાં વધારો આ બંને બાબતો સંસદના ચોમાસુ સત્રમાં સૌથી વધુ ચર્ચાય તેવી શકયતા છે પરંતુ કેન્દ્ર સરકારે અનેક બાબતોમાં પાણી પૂર્વે પાળ બાંધી રસીના ૯૬ કરોડ ડોઝનો ઓર્ડર બુક કરાવી એક કાંકરે અનેક પક્ષી ઉડાડવા ચક્રો ગતિમાન કરી દીધા છે.
આ અગાઉ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 19 જૂલાઇથી સંસદના મોનસૂન સત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે સંસદનું ચોમાસુ સત્ર 19 જૂલાઇથી 13 ઓગસ્ટ સુધી રહેશે. જેમાં 19 દિવસ કાર્યદિવસ હશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, તમામ સભ્યો અને મીડિયાને કોરોનાના નિયમો અનુસાર મંજૂરી આપવામાં આવશે. આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત રહેશે. પરંતુ અમે એ લોકોને ટેસ્ટ કરવાની અપીલ કરીશું જેમણે હજુ સુધી રસી લીધી નથી.
જ્યારે રાજ્યસભા સચિવાલયે કહ્યું હતું કે, રાજ્યસભાના 254મું સત્ર 19 જૂલાઇથી શરૂ થવા જઇ રહ્યું છે. આ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલશે. બંન્ને ગૃહોમાં 19 બેઠકો થશે. કોરોનાની બીજી લહેર વચ્ચે સત્રનું આયોજન કોરોનાના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. છેલ્લા સત્રની જેમ સાંસદોને સોશિયલ ડિસ્ટન્સિંગના આધાર પર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મોન્સૂન સત્રમાં આ વખતે વિપક્ષ સરકારને અનેક મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કરશે.
ધીમા રસીકરણ કે પછી ત્રીજી લહેરને લઈને તૈયારીઓ હોય, આ તમામ મુદ્દા પર વિપક્ષ સરકાર પર નિશાન સાધવાનો પ્રયત્ન કરશે. કૃષિ કાયદા રદ્દ કરવાની માગ પણ ફરી એક વખત સંસદમાં ઉઠી શકે છે. જ્યારે બીજી બાજુ સરકારનો પ્રયત્ન હશે કે કોઈપણ વિઘ્ન વગર વધુમાં વધુ સંસદનું કામકાજ થાય. સાથે જ સરકારનો ટાર્ગેટ હશે તે વધુમાં વધુ બિલ સંસદમાંથી પાસ કરાવે. નોંધનીય છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે