પ્રદેશ ભાજપના પ્રમુખ પદે વાઘાણીને રિપીટ કરાશે કે નવા પાટીદાર નેતાની નિમણુંક કરાશે? રાજકીય પંડિતોમાં ચર્ચાનો વિષય

ભાજપના કેન્દ્રીય હાઈકમાન્ડ દ્વારા ગઈકાલે દિલ્હી, છતીસગઢ અને મણિપૂર રાજયોના પ્રમુખોને ફેરવવાનો નિર્ણય કરાયો હતો. આ ત્રણે રાજયોમાં પ્રમુખોનો કાર્યકાળ પૂર્ણ થતા ભાજપ દ્વારા તેમને રીપીટ કરવાના સ્થાને નવા ચહેરાને સ્થાન આપ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે જે.પી. નડ્ડાની વરણી બાદ સૌ પ્રથમ વખત પાર્ટી હાઈકમાન્ડે આ મોટા ફેરફારો કર્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ ગયો હોય તેમનો હાઈકમાન્ડ દ્વારા રીપીટ કરાશે કે નવા ચહેરાને પ્રમુખ પદ સોંપાશે તે ભાજપના સુત્રોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમાંપણ પ્રમુખ પદ પાટીદારને જ સોંપા, એવી પ્રબળ સંભાવના વ્યકત થઈ રહી છે. વર્ષ ૨૦૧૬માં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પાર્ટી હાઈકમાન્ડે મુખ્યમંત્રી પદે રહેલા આનંદીબેનને ફેરવવાનો નિર્ણય કર્યો હતો. આનંદીબેનના સ્થાને પ્રદેશ ભાજપ પ્રમુખ વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પાટીદારોને અન્યાયની લાગણી ન થાય તે માટે ભાવનગરના યુવા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને પ્રદેશ ભાજપના પ્રમુખ પદે નિમણુંક કરવામાં આવી હતી. જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ બન્યા તે પહેલા પ્રદેશ ભાજપના યુવા મોરચાના પ્રમુખ અને મંત્રી તરીકે સંગઠ્ઠનમાં સફળતાપૂર્વક કાર્ય કરી ચૂકયા હતા. આ સમયગાળા દરમ્યાન પોતાની સંગઠ્ઠન પરની આગવી પકડ દ્વારા રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની ગુડબુકમાં સ્થાન મેળવ્યું હતુ.

વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર પશ્ર્ચિમની બેઠક પરથી ચૂંટણી લડીને જીતુભાઈ વાઘાણીએ ૫૩,૮૯૨ મતોની લીડથી જીત મેળવી હતી જે આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે રેકર્ડ મતની લીડ હતી. આ વિજય દ્વારા વાઘાણીએ તેઓ સંગઠ્ઠનની સાથે મતદારો પર પણ આગવી પકડ ધરાવતા હોવાનું સાબિત કર્યું હતુ. જેથી વર્ષ ૨૦૧૩માં પાર્ટી હાઈકમાન્ડે પાટીદાર અનામત આંદોલનથી પાટીદારોમાં ઉભી થયેલી ભાજપ વિરોધી સ્થિતિને થાળે પાડવા યુવા પાટીદાર ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. પ્રદેશ પ્રમુખ તરીકે જીતુભાઈ વાઘાણી સફળ નીવડશે કે કેમ? તે અંગે અનેક પ્રશ્ર્નાર્થો ઉભા થયા હતા પરંતુ, જીતુભાઈ વાઘાણીએ પ્રમુખ પદે પોતાની ક્ષમતાપૂર્વક યશસ્વી રીતે કામ કરી ચૂકયા છે.

વાઘાણીના નેતૃત્વમાં ગુજરાત ભાજપે વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી અને વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ફરીથી વિજય મેળવ્યો હતો. જેથી વાઘાણી પ્રમુખ પદે યશસ્વી કામગીરી બજાવવામાં સફળ રહ્યાનું પૂરવાર થયું હતુ. પ્રમુખ પદ દરમ્યાન વાઘાણીના એક બે વિવાદોને બાદ કરતા તેની કારકીર્દી બેદાગ રહેવા પામી છે. જેથી જ પ્રદેશ ભાજપ પ્રમુખ પદનો તેમનો કાર્યકાળ પૂર્ણ થયાબાદ પણ પાર્ટી દ્વારા તેમને હાલમાં ચાલુ રખાયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગઈકાલે ત્રણ રાજયોમાં નવા પાર્ટી પ્રમુખોની નિમણુંક કર્યા બાદ હવે ગુજરતા ભાજપના પ્રમુખ પદે નવી નિમણુંકનો મામલો હાથ પર લેવાય તેવી સંભાવના છે.

પ્રદેશ ભાજપના સુત્રોનાં જણાવ્યા મુજબ મોદી-શાહની બેલડી જ ગુજરાત ભાજપના નવા પ્રમુખ પદ માટેનો મૂરતીયો નકકી કરશે. જો જીતુભાઈ વાઘાણીના સ્થાને નવા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવાશે તો પાટીદાર ફેકટરને ધ્યાને લેતા કોઈ પાટીદારને આ સ્થાન અપાશે. પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નિવૃત થતા નેતાને બીજી મહત્વની કામગીરી સોંપવામાં આવતી હોય છે. જેથી વાઘાણીને રૂપાણી મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તેવી સંભાવના છે. જો, વાઘાણીને પ્રમુખ પદે રીપીટ કરવામાં આવે તો બીજા કોઈ ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. જોકે, વાઘાણી રીપીટ થશે કે બીજા પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવાશે? તે મુદો હાલમાં ભાજપના સુત્રોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.