૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા ભાજપ વિરોધી પરિણામોની અસર લોકસભાની આ ચૂંટણીમાં ભાજપ બુરી શકશે કે કેમ? તેના પર રાજકીય પંડીતોની મીટ
રાજયમાં યોજાનારી લોકસભાની ચૂંટણી આડે ગણતરીનાં દિવસો જ બાકી છે ત્યારે સૌરાષ્ટ્રમાં મતદારો નિરૂત્સાહ હોય તેમ ચૂંટણી માહોલ જામતો જોવા મળતો નથી આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રવાસીઓ કયાં મુદાઓથી પ્રભાવિત થઈને મતદાન કરશે તેના પર બંને મુખ્ય પક્ષો ભાજપ કોંગ્રેસનું હાઈકમાન્ડ નજર રાખી બેઠું છે. સૌરાષ્ટ્રમાં ગત વર્ષે પડેલા ઓછા વરસાદના કારણે ઉભી થયેલી અંશત: દુષ્કાળની સ્થિતિના કારણે ખેડુતોને પાક વિમાની રકમ પર મોટી આશા હતી પરંતુ સૌરાષ્ટ્રના ખેડુતોને પૂરતો પાક વિમા ચૂકવવામાં આવ્યો ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આ ચૂંટણીમાં પાક વિમાનો મુદો ગ્રામ્ય વિસ્તારનાં મતદારો માટે મહત્વનો રહેશે તેની સીધી અસર મતદાન પર થશે તેવું મનાય રહ્યું છે.
વર્ષ ૨૦૧૭માં યોજાયેલી રાજય વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ૫૪ બેઠકોમાંથી કોંગ્રેસ ૩૦ બેઠકો મેળવી હતી ભાજપ શહેરી વિસ્તારોની બેઠકોમાંથી ૮૫ ટકા બેઠકો જયારે ગ્રામ્ય વિસ્તારોની બેઠકોમાંથી માત્ર ૩૭ ટકા બેઠકો જીતી શકયું હતુ આ ચૂંટણી વખતે ગ્રામ્ય વિસ્તારોનાં ખેડુતોને પાક વિમાનો પ્રશ્ન, સિંચાઈ માટે પાણીનો અભાવ, વધેલી મોંઘવારી, નોટબંધી સમયે ગ્રામ્યજનોને નોટો બદલવામાં પડેલી મુશ્કેલીઓ, પાટીદારોને અનામત આપવાની માંગ અને આંદોલન દરમ્યાન થયેલા પોલીસ અત્યાચાર ઉપરાંત વિવિધ મુદાઓ પર ભાજપ વિરોધી મતદાન કર્યુ હતુ. જેથી ભાજપના વિકલ્પ તરીકે કોંગ્રેસને સીદો ફાયદો થયો હતો. વિધાનસભા ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી કોંગ્રેસની તરફ આવેલા પરિણામો બાદ પણ ભાજપે આ મુદાઓ લક્ષ્ય આપીને ગ્રામ્યજનોની નારાજગી દૂર કરવા તરફ દુર્લક્ષ સેવ્યું હતુ.
ખેડુત આગેવાનોના દાવાઓ મુજબ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ગત વર્ષે ચોમાસુ દાયકાઓ બાદ અતિ ખરાબ ગયું હતુ જેથી રાજય સરકારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા. રાજય સરકારે અછતગ્રસ્ત જાહેર કરેલા વિસ્તારોના ખેડુતોને પણ ઈન્સ્યુરન્સ કંપની દ્વારા પાક વિમાપેટે સામાન્ય રકમ વળતર પેટે ચૂકવવામાં આવી છે. જેથી સૌરાષ્ટ્રનાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પાક વિમાના નામે તેમની સાથે સરકારે મશ્કરી કરી હોવાનો આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં પાટીદાર અનામતનો મુદો ભાજપે આર્થિક સર્વણોને ૧૦ ટકા અનામત આપીને નબળો પાડી દીધો છે.
ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં બીજા અનેક મુદાઓ પર ભાજપ વિરોધી વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ કોંગ્રેસ આ ભાજપ વિરોધી વાતાવરણનો લાભ ઉઠાવવામાં નબળુ સાબીત થઈ રહ્યું છે. જેથી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીના પરિણામોની અસર ભાજપ કેવી રીતે બુરી શકે છે તેના પર રાજકીય પંડીતોની નજર છે.
દેશભરનાં ખેડુતોમાં ભાજપ તરફે રહેલી નારાજગીને દૂર કરવા વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન કિશાન યોજનાને અપગ્રેડ કરીને બે હેકટરથી ઓછી ખેતી જમીન ધરાવતા ખેડુતોને દર વર્ષે ૬૦૦૦ રૂ આપવાની ઉપરાંત ૬૦ વર્ષથી ઉપરનાં ખેડુતોને પેન્શન આપવાની જાહેરાતો કરી હતી દર વર્ષે ૬૦૦૦ રૂ આપવાની યોજનાના રૂ.૨૦૦૦નો પહેલો હપ્તો સૌરાષ્ટ્રના ખેડુત લાભાર્થીઓને ચૂંટણી પહેલા તેમના ખાતામાં નાખી દેવામાં આવ્યો છે. ખેડુતોમા મોદીની આ યોજના પર વિશ્વાસ બેઠો હોય તેમના ભાજપ વિરોધી વલણમાં ફેરફાર જોવા મળ્યો છે. પરંતુ પાક વિમાનો પ્રશ્ન હજુ ઉભો હોય સૌરાષ્ટ્રની સાતેય બેઠકો પર ભાજપ તરફી મતદાન માટે મુંજવણનો મોટો પ્રશ્ર્ન બનીને સામે આવ્યો છે.સોમવારે સવારથી જ તમામ બસો કલેકટર તંત્રને સોંપી દેવાશે.
સૌરાષ્ટ્રની લોકસભાની ૭ બેઠકો પૈકી ૪ બેઠકો પર જીત હાંસલ કરવી ભાજપ માટે મોટો પડકાર છે. જોકે કોંગ્રેસ માટે પણ ધારે છે તેટલું સહેલું નથી. કોંગ્રેસને પણ અહીં કપરા ચઢાણ છે. અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર અને જુનાગઢ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટકકર હોવાનું મનાઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં અમરેલી અને જુનાગઢ જિલ્લામાં ભાજપને સમ ખાવા પુરતી એક પણ બેઠક મળી ન હતી. જયારે પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર એક-એક જ બેઠક મળી હતી.
આ તર્ક પર પણ જોવામાં આવે તો આ ચારેય બેઠકો જીતવી ભાજપ માટે લોઢાના ચણા સમાન સાબિત થશે. સૌથી વધુ ફાઈટ અમરેલી બેઠક પર હોવાનું મનાઈ રહ્યું છે. કારણકે અહીં ગુજરાત વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીને કોંગ્રેસે ભાજપનાં નારણ કાછડીયા સામે મેદાનમાં ઉતાર્યા છે તો પોરબંદર બેઠક પર વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્થાને રમેશભાઈ ધડુકને ટીકીટ આપવામાં આવી છે જેની સામે કોંગ્રેસના લડાયક નેતા લલિત વસોયા મેદાનમાં ઉતર્યા છે.
જુનાગઢ બેઠક પર ભાજપનાં રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના પુંજાભાઈ વંશ વચ્ચે તો સુરેન્દ્રનગર બેઠક પર ભાજપનાં નવા ચહેરા એવા ડો.મહેન્દ્ર મુંજપરા અને કોંગ્રેસના પૂર્વ સાંસદ તથા ધારાસભ્ય સોમા ગાંડા વચ્ચે ટકકર છે. આ ચારેય બેઠકો એક પડકાર હોવાનાં કારણે ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તમામ ચારેય બેઠકો પર ચુંટણીસભા સંબોધી ચુકયા છે.
વિધાનસભાની ચુંટણી બાદ પાટીદાર અનામત આંદોલનની અસર ખુબ જ ઓછી થઈ જવા પામી છે જોકે પાક વિમા પ્રશ્ર્ને ગ્રામ્ય પંથકોમાં ખેડુતો ભારોભાર નારાજ હોવાનાં કારણે ભાજપે ઉપરોકત ચારેય સહિત સૌરાષ્ટ્રની સાતેય બેઠકો પર થોડા ઘણા અંશે માઠા પરીણામો ભોગવવા પડે તેવી શકયતા પણ જણાઈ રહી છે જો ભાજપ સૌરાષ્ટ્રની સાતેય બેઠકો પર જીત હાંસલ કરશે તો પણ તેની લીડ વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીના પરીણામ જેટલી નહીં રહે તે વાત ફાઈનલ માનવામાં આવી રહી છે. પાક વિમા પ્રશ્ર્ને ભાજપની મતની ટકાવારીમાં અસર પડે તેવું પણ રાજકીય વિશ્ર્લેષકો માની રહ્યા છે.