ખાસ રાજયના દરજ્જાના કારણે ઉભી થતી સમસ્યા દુર કરવા થઈ શકે છે મહત્વનો નિર્ણય

કટોકટી લાગી શકતી નથી

અનુચ્છેદ ૩૭૦ને કારણે કેન્દ્ર રાજય પર કલમ ૩૬૦ હેઠળ આર્થિક કટોકટી જેવો કોઈ પણ કાયદો થોપી ન શકે જેમાં રાષ્ટ્રપતિ રાજય સરકારને બરતરફ પણ નથી કરી શકતા. કેન્દ્ર રાજય પર યુદ્ધ અને બહારી આક્રમણ બાબતે જ કટોકટી લાદી શકે છે. કેન્દ્ર સરકાર રાજયની અંદરની ગડબડને કારણે ઈમરજન્સી નથી લગાવી શકતી. આવું કરતા પહેલા રાજય સરકારની મંજૂરી લેવાની હોય છે.

અગાઉ સુપ્રીમે કહ્યું હતું ‘માત્ર સંસદ જ કલમ ૩૭૦ હટાવી શકે’

જમ્મૂ-કાશ્મીર હાઈકોર્ટે થોડાક દિવસો પહેલા બંધારણની કલમ ૩૭૦ને કાયમી ગણાવી હતી અને કહ્યું હતું કે, તેમાં સુધારાને કોઈ અવકાશ નથી. આ ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટતા કરી છે કે કલમ ૩૭૦ માત્ર સંસદ જ રદ કરી શકે. મુખ્ય ન્યાયધીશ ન્યાયમૂર્તિ એચ.એલ.દત્તૂના વડપણ હેઠળની બેન્ચે બંધારણની કલમ ૩૭૦ને રદ કરવાની દાદ માગતી અરજીની સુનાવણી કરવાનો ઈનકાર કરતાં જણાવ્યું કે કોર્ટ આ પ્રકારના આદેશ જારી કરી શકે નહીં અને માત્ર સંસદ જ કલમ ૩૭૦ને હટાવવા કે રદ કરવામાં સક્ષમ છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સંસદને કલમ ૩૭૦ રદ કરવાનું કહેવાનું કામ સુપ્રીમ કોર્ટ નથી. આ બેન્ચમાં જસ્ટિસ અમિતાભ રોયનો પણ સમાવેશ થાય છે. આ અરજી આંધ્ર પ્રદેશના વકીલ બી.પી.યાદવે દાખલ કરી હતી. અરજદારની દલીલ હતી કે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે દરમિયાનગિરી કરવી જોઈએ. અરજદારે એવી પણ માગણી કરી હતી કે તમામ અધિનિયમોમાંથી જમ્મૂ અને કાશ્મીરને બાદ કરતાં એવો શબ્દ હટાવવામાં આવે અને આ રાજયમાં પણ દેશમાં તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનુ લાગુ પડતો કાયદો અમલી બનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દેતાજણાવ્યું હતું કે, અમે માત્ર ગેર બંધારણીય હોય એવી જોગવાઈઓ હટાવી શકીએ પરંતુ સંસદને કોઈ જોગવાઈ હટાવવા માટે કહી શકીએ નહીં. આ કામ તો માત્ર સંસદ જ કરી શકે.

નહેરૂએ ગણાવી હતી કામચલાઉ વ્યવસ્થા

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહે‚એ આર્ટિકલ ૩૭૦ને એક ‘કામચલાઉ વ્યવસ્થા’ તરીકે ગણાવી હતી. ૨૭ નવેમ્બર ૧૯૬૩ના રોજ તેમણે લોકસભામાં નિવેદન આપ્યું હતું કે કલમ ૩૭૦ને ખતમ કરવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. ટૂંક સમયમાં જ તેને ખતમ કરી દેવામાં આવશે.

ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૭૦ને રદ્દ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે સ્વીકારી છે અને આ બાબતે આજે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીર સરકાર પોતાનો પક્ષ રજૂ કરવાના છે. અગાઉ અનુચ્છેદ ૩૭૦, ૩૭૦ (૩) બાબતે અપીલ દાખલ કરવામાં આવતા કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને પોતાનો પક્ષ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. જેમાં હવે પ્રશ્ર્ન ઉભો થયો છે કે, શું ખરેખર કલમ ૩૭૦ રદ્દ થવાની છે ? રાજયને ખાસ રાજયનો દરજ્જો આપતો કલમ ૩૭૦ બાબતે છેલ્લા લાંબા સમયથી વિવાદ ઉઠી રહ્યો છે. વધુમાં આ કલમ મુદ્દે રાજકારણ પણ ભારે ગરમાઈ રહ્યું છે. આ અગાઉ જયારે સુપ્રીમ કોર્ટમાં કલમ ૩૭૦ રદ્દ કરવા માટે અરજી થઈ હતી ત્યારે જમ્મુ-કાશ્મીરના નેતાઓ અને કેન્દ્ર વચ્ચે નિવેદનબાજીઓ શ‚ થઈ હતી. ત્યારે હવે આજે કલમ ૩૭૦ બાબતે સુનાવણી બાદ મહત્વનો નિર્ણય લેવાય તેવી શકયતા છે. વધુમાં કલમ ૩૭૦માં સુધારાનો પણ અવકાશ દેખાઈ રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં બંધારણના અનુચ્છેદ-૩૭૦ને ખતમ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ-૩૭૦ રદ્દ કરવાની અરજી પર સુનાવણી કરશે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો છે. અરજીમાં અપીલ કરવામાં આવી છે કે અનુચ્છેદ-૩૭૦ સમાપ્ત કરવામાં આવે અને તેને કારણે જમ્મુ-કાશ્મીરમાં અમલી અલગ બંધારણને પણ ગેરકાયદેસર ગણાવવું જોઈએ.

આ અંગે થયેલી અરજી પ્રમાણે અનુચ્છેદ ૩૭૦ બંધારણીય સભાના અસ્તિત્વ સુધી જ કાયદેસર હતી. બંધારણીય સભાનો ૨૬ જાન્યુઆરી ૧૯૫૭માં ભંગ કરી દેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે.એસ.ખેહરની આગેવાનીવાળી ખંડપીઠે સરકારને પણ આ બાબતે સવાલ કર્યો છે. અરજદાર વિજયાલક્ષ્મી ઝાએ કહ્યું હતું કે, બંધારણીય અનુચ્છેદને ભારતના રાષ્ટ્રપતિ, સંસદ અથવા કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી નથી. સરકારે આ સંદર્ભે સ્પષ્ટીકરણ કરવું જોઈએ.

ભારતીય બંધારણની કલમ ૩૭૦ ચૂંટણીઓમાં પણ ચર્ચાનો વિષય રહી છે. બંધારણની આ કલમ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજયનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ નહોતો આવામાં રાજય પાસે બે વિકલ્પો હતો કે એક તો એ ભારતમાં જોડાઈ જાય કે પછી પાકિસ્તાનમાં જોડાય, જમ્મુ-કાશ્મીરના મોટાભાગના લોકો પાકિસ્તાનમાં જોડાવા માગતા હતા પણ તે શકય બન્યું નહોતું. તત્કાલીન શાસક હરીસિંહે ભારતમાં રાજયને વિલય કરવાનું વિચાર્યું હતું. અને વિલય કરતી વખતે તેમણે ‘ઈન્સટ્રેમેન્ટ ઓફ એકસેશન’ નામના દસ્તાવેજ સાઈન કર્યા હતા. જેનું માળખુ શેખ અબ્દુલાએ તૈયાર કર્યું હતું. આ પ્રક્રિયા બાદ ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજયનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.