મધ્યપ્રદેશની રાજગાદી પર ફરીવાર બિરાજમાન થવા કોંગ્રેસને ૨૮ બેઠકોની જરૂરીયાત જ્યારે બહુમતિ માટે ભાજપને ફકત ૧૧ ધારાસભ્યોના સમર્થનની જરૂરીયાત
ગુજરાત, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ટૂંક સમયમાં પેટા ચૂંટણીઓ યોજાનાર છે. તેવા સમયે કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીઓમાં મોટાભાગની બેઠકો કબજે કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. મધ્યપ્રદેશ ખાતે કમલનાથ સિંધીયાની આગેવાનીવાળી સરકાર ધારાસભ્યોના પક્ષપલ્ટાને કારણે ૧૫ મહિનામાં પડી ગઈ હતી. જ્યોતિરાદિત્ય સિંધીયા સહિતના ૨૫ ધારાસભ્યોએ પક્ષપલ્ટો કરી ભાજપમાં પ્રવેશ કરતા મધ્યપ્રદેશના ‘નાથ’નું પદ કમલનાથ પાસેથી છીનવાયું હતું. પક્ષપલ્ટો કરનારા તમામ ધારાસભ્યોની ૨૭ બેઠક પર પેટા ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે ફરીવાર કોંગ્રેસે મહેનત શરૂ કરી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ પક્ષપલ્ટો કરી ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. જેના કારણે તમામ આઠેય બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે.
મધ્યપ્રદેશમાં એકવાર સત્તા ગુમાવ્યા બાદ કમલનાથે ફરીવાર ૨૭ બેઠકોની પેટા ચૂંટણીઓમાં જીત મેળવી સત્તામાં આવવાનો નિર્ણય તો કર્યો છે પરંતુ જે રીતે ૨૬ ધારાસભ્યોએ રાજીનામુ ધરી પક્ષપલ્ટો કરતા કોંગ્રેસને ફટકો લાગ્યો હતો તે મુજબ હાલ કોંગ્રેસ તમામ બેઠકો જીતે તેવું હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે. કમલનાથ સરકારમાં મુખ્ય ભૂમિકામાં રહેલા જ્યોતિરાદિત્ય સિંધીયા સહિતના ૨૫ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જ્યોતિરાદિત્યની મધ્યપ્રદેામાં બહોળી લોકપ્રસિધ્ધી હોવાથી અડધી બેઠકો જીતવી પણ કોંગ્રેસ માટે મુશ્કેલ ભર્યું સાબીત થાય તો નવાઈ નહીં.
પેટા ચૂંટણીમાં અપક્ષ અને બીએસપી તેમજ એસપીના ધારાસભ્યોનું સમર્થન કોંગ્રેસને મળે તો વત્તા-ઓછા અંશે કોંગ્રેસ માટે સત્તામાં આવવું સરળ બનશે પરંતુ અગાઉ રાજ્યસભાની ચૂંટણી સમયે આ તમામ ધારાસભ્યોએ ભાજપ તરફી મતદાન કર્યું હતું. જેથી હાલના સમયમાં આ તમામ ધારાસભ્યો કોંગ્રેસના સમર્થનમાં આવશે તેવું પણ કહી શકાય નહીં.
કમલનાથે પેટા ચૂંટણી અંગે કહ્યું હતું કે, સમગ્ર દેશમાં કૃષિ વિરોધી વિધેયકને કારણે ખેડૂતોમાં ભાજપ પ્રત્યે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃષિપ્રધાન દેશમાં કૃષિઓ ક્યારેય ભાજપની વિચારધારા સાથે સહમત ન થઈ શકે જેથી આ પેટા ચૂંટણીમાં પણ મોટાભાગનો વર્ગ કોંગ્રેસને મત આપી જીત અપાવશે અને ફરીવાર કોંગ્રેસને મધ્યપ્રદેશની ગાદી પર બિરાજમાન કરાવશે. જ્યારે ભાજપે નિવેદન આપતા કહ્યું છે કે, પેટા ચૂંટણીમાં ૨૭ બેઠકો પૈકી ૧ બેઠક પણ કોંગ્રેસ માટે જીતવું અસંભવ જેવું છે.
મધ્યપ્રદેશના રાજકીય સમીકરણોની વાત કરવામાં આવે તો કુલ ૨૩૦ વિધાનસભાની બેઠકોમાંથી બહુમતિ માટે ૧૧૬ બેઠક પર બહુમતિ સાબીત કરવી આવશ્યક છે. હાલ ભાજપ પાસે ૧૦૫ ધારાસભ્યોનું સમર્થન બળ છે જ્યારે કોંગ્રેસ પાસે ૮૮ ધારાસભ્યોનું સંખ્યાબળ છે. અપક્ષના ૪ ધારાસભ્યો, સમાજવાદી પાર્ટીનો ૧ ધારાસભ્ય અને બહુજન સમાજવાદી પાર્ટીના ૨ ધારાસભ્યો હાલ ચૂંટાયા છે જ્યારે ૨૮ બેઠકો ખાલી પડેલી છે. ભાજપને બહુમતિ માટે ફકત ૯ બેઠકોની જરૂરીયાત છે જ્યારે કોંગ્રેસને બહુમત માટે ૨૮ વધુ ધારાસભ્યોની જરૂરીયાત છે. કોંગ્રેસે જે રીતે દાવો કર્યો છે તે મુજબ અન્ય ૭ ધારાસભ્યોનું સમર્થન કોંગ્રેસને છે તેથી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ૨૧ બેઠક જીતવી અનિવાર્ય છે.
મધ્યપ્રદેશમાં શાસક વિપક્ષે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસનો નારો છે કે, જે કામ શિવરાજસિંહ ચૌહાણની આગેવાની સરકારે ૧૫ વર્ષમાં નથી ર્ક્યા તે કામ કમલનાથે ૧૫ મહિનાના શાસનમાં કર્યું છે. મધ્યપ્રદેશમાં લોકોનો ભાજપ પ્રત્યે રોષ છે તેવું પણ કોંગ્રેસનું કહેવું છે. જ્યારે ભાજપે નિવેદન આપતા કહ્યું છે કે, કમલનાથે જે રીતે ખેડૂતોને વાયદાઓ કર્યા હતા તે પૈકી એકપણ વાયદો પુરો કર્યો નથી તેથી ખેડૂતો કોંગ્રેસને જાકારો આપશે અને ભાજપને જંગી બહુમતથી વિજયી બનાવશે. મધ્યપ્રદેશ તેમજ અન્ય રાજ્યોની પેટા ચૂંટણીમાં જો કોંગ્રેસ અડધો અડધ બેઠક કબજે કરી શકશે તો જ સક્રિય રાજકારણમાં કોંગ્રેસનું અસ્તિત્વ જળવાઈ રહે તે પ્રકારની પરિસ્થિતિ હાલ નિર્માણાધીન છે. પરંતુ કોંગ્રેસની સ્થિતિ જોતા હાલના તબક્કે કોંગ્રેસ કમબેક કરી શકે તેવી પરિસ્થિતિ દેખાતી નથી.