તેલંગણા વિધાનસભાના વિસર્જનનો ઠરાવ પારીત: વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરવા વિપક્ષને સમય ન આપવાની વ્યૂહરચના
તેલંગણા વિધાનસભાનું વિસર્જન કરી ચૂંટણી વહેલી યોજવાની પેરવી કે ચંદ્રશેખર રાવ અને ભાજપે કરી છે. આ નિર્ણય પાછળ લોકસભા ચૂંટણીનો ફાયદો વિધાનસભામાં મળશે તેવી ગણતરી કરવામાં આવી છે. ઉપરાંત વિપક્ષને તૈયારીનો સમય પણ નહીં મળે. જેથી કેસીઆરને ફાયદો થો નિષ્ણાંતોનું માનવું છે.
ગઈકાલની બેઠકમાં તેલંગણાની વિધાનસભાનું વિસર્જન કરવાનો ઠરાવ સર્વ સંમતિથી પારીત કરવામાં આવ્યો હતો. હવે ચંદ્રશેખર રાવ ઈચ્છે છે કે, ડિસેમ્બર ૨૦૧૮માં યોજાનારી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિજોરમની સાથે જ તેલંગણાની વિધાનસભાની ચૂંટણી યોજાય જેથી કોંગ્રેસને ભીડવી શકાય.
બીજી તરફ ચંદ્રશેખર રાવે વિધાનસભાની ૧૧૯ બેઠકો માટે ૧૦૫ ઉમેદવારોની જાહેરાત પણ કરી છે. અત્યાર સુધી મોદી સામે ચંદ્રશેખર રાવની જંગ માનવામાં આવતી હતી. પરંતુ હવે ચંદ્રશેખર રાવે કોંગ્રેસને નંબર-૧ શત્રુ જાહેર કરી છે અને રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા મુર્ખ કહી વિવાદ પણ છેડયો છે.
તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે ગઈકાલે વિધાનસભાની વિસર્જન કરી રાજયમાં નવેસરથી જનમત માંગવાનો નિર્ણય લીધો હતો. તેલંગણામાં હાલની સરકારની મુદત એપ્રીલ ૨૦૧૯માં પૂર્ણ થવા જઈ રહી હતી. પરંતુ ચંદ્રશેખર રાવ વહેલી ચૂંટણી ઈચ્છી રહ્યાં છે. ગઈકાલે વિધાનસભા વિસર્જનનો એક જ લીટીનો ઠરાવ સર્વ સંમતિથી પારીત થઈ ગયો હતો. રાજયપાલ ઈએસએલ નરસિહનને મળી આ નિર્ણય લેવાયો હતો. રાજયપાલે ચંદ્રશેખર રાવ સરકારને કેરટેકર સરકાર તરીકે ફરજ બજાવવાનું કહ્યું છે.