અમેરિકામાં લોકો બન્યા બેકાબુ: ઠેર-ઠેર થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન
વૈશ્વિક સ્તર પર કોરોનાનો કહેર જે રીતે સાર્વત્રિક વ્યાપી ઉઠયો છે તેનાથી સૌથી વધુ અસર અમેરિકાને પહોંચી છે. હાલ આર્થિક રીતે અસર થયા બાદ અમેરિકામાં નાણાની અછત પણ જોવા મળી રહી છે. કયાંકને કયાંક અમેરિકામાં અંધાધુંધી ફેલાઈ હોવાનું પણ જાણવામાં આવી રહ્યું છે ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવિત થાય છે કે હાલ જે અંધાધૂંધી અમેરિકામાં જોવા મળી છે તે શું અમેરિકાને અંધકારમાં ધકેલી દેશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ર્ન ઉદભવિત થયો છે. અમેરિકામાં કોરોનાની મહામારી બાદ લોકો રસ્તા ઉપર આવી ગયા છે અને અનેકવિધ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
અમેરિકામાં અશ્વેત જોર્જ ફ્લોયડના મોતનો ભારે વિરોધ થઈ રહ્યો છે. રાજધાની વોશિંગ્ટન ડીસી સહિત ૪૦ શહેરમાં કર્ફ્યુ લગાવાયો છે. રવિવાર રાતે પણ પ્રદર્શનકારીઓએ વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શન કર્યું હતું. સુરક્ષાદળોએ ટીયરગેસ છોડવો પડ્યો હતો. શુક્રવારે વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને થોડીવાર માટે અંડર ગ્રાઉન્ડ બંકરમાં લઈ જવા પડ્યા હતા.વોશિંગ્ટન સહિત ૧૫ શહેરમાં લગભગ ૫ હજાર નેશનલ ગાર્ડ્સ તહેનાત કરાયા છે. જરૂર મુજબ બે હજાર ગાર્ડ્સને સ્ટેન્ડ ટૂ રહેવા કરહેવાયું છે. શુક્રવારે વ્હાઈટ હાઉસ સામે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ભેગા થયા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પને એક કલાકથી ઓછા સમય માટે અંડર ગ્રાઉન્ડ બંકરમાં લઈ જવાયા હતા.
પ્રદર્શનકારીઓને હટાવવા માટે સીક્રેટ સર્વિસ અને યુનાઈટેડ સ્ટેટ્સ પાર્ક પોલીસે ભારે જહેમત કરવી પડી હતી. ટ્રમ્પની ટીમ વ્હાઈટ હાઉસ બહાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ભેગા થતા હેરાન હતા. જોકે એ સ્પષ્ટ થયું નથી કે મેલાનિયા અને બૈરન ટ્રમ્પને બંકરમાં લઈ જવાયા હતા કે નહીં. મિનેપોલિસમાં ૨૬ મેના રોજ ફ્લોયડની પોલીસે છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી હતી. આ પહેલા એક પોલીસ અધિકારીએ ફ્લોયડને પકડ્યો હતો. તેના વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયોમાં ૪૬ વર્ષનો ફ્લોયડ સતત પોલીસને ઘૂટણ હટાવવાનું કહી રહ્યો છે. તેણે કહ્યું કે તમારો ઘૂટણ મારા ગળા ઉપર છે. હું શ્વાસ લઈ શકતો નથી. ધીમે ધીમે તેનું હલનચલન બંધ થઈ જાય છે. ત્યાર પછી અધિકારી કહે છે કે ઉઠ અને કારમાં બેસ. તેની કોઈ પ્રતિક્રિયા આવતી નથી. આ દરમિયાન આસપાસ ભારે ભીડ ભેગી થઈ જાય છે. તેને હોસ્પિટલ લઈ જવાયો જ્યા તેનું મોત થયું હતું.
આગામી સમયમાં આ તમામ ઘટનાઓ બાદ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે કોરોનાને લઈ લોકોમાં જે અંધાધૂંધી જોવા મળી રહી છે તેનાથી આવનારા સમયમાં અમેરિકા માટે કપરા દિવસો સમાન બની રહેશે. આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નિકળવું તે જાણવું પણ એટલું જ જરૂરી છે. હાલ જે રીતે અંધાધૂંધીનો માહોલ જોવા મળી રહ્યો છે તે સાર્વત્રિક રીતે અનેકવિધ લોકોને અસરકર્તા પણ છે.