મહાપાલિકાવાળી ગ્રામ્ય વિસ્તારોમાં થશે?
ગત ચૂંટણીના પ્રમાણમાં આ ચૂંટણીમાં ભાજપનો દેખાવ ઘણો સારો: સૌરાષ્ટ્રની નગરપાલિકાઓમાં ૬૦.૫૩ ટકા મતદાન અને પંચાયતોમાં ૬૩.૪૩ ટકા મતદાન
સ્થાનિક સ્વરાજયની બીજા તબક્કાની ચૂંટણીમાં ગઈકાલે મતદાન પૂર્ણ થયું છે. જેમાં સૌરાષ્ટ્રની નગરપાલિકાઓમાં ૬૦. ૫૩ ટકા મતદાન અને પંચાયતોમાં ૬૩.૪૪ ટકા મતદાન નોંધાયું છે. હાલ તો કમળને ખીલવવા પઆપથનું ઝાડુ પંજા ઉપર ફરી વળશે કે કેમ તે પ્રશ્ન સૌ કોઈના મનમાં ઉદ્દભવીત થયો છે. ગત ચૂંટણીના પ્રમાણમાં આ ચૂંટણીમાં ભાજપનો દેખાવ ઘણો સારો દેખાવ રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું છે. સવારે ૭ વાગ્યાથી જ મતદાન મથકોએ ધીમીગતિએ મતદારો મતદાન કરવા પહોંચી ગયા હતા.રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મનપા ચૂંટણી કરતા ભારે મતદાન થયેલું જોવા મળ્યું. ત્યારે જોવાનું એ રહેશે કે આ વખતે થયેલું આ ભારે મતદાન કોને ફાયદો કરાવશે. આ વખતે ગુજરાતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીને પણ મનપા ચૂંટણીમાં બેઠકો મળી છે. ત્યારે હવે આમ આદમી ફરી વખત ભાજપને ફાયદો કરાવશે કે કેમ તેના પર સૌની નજર છે.
રાજ્યમાં તાલુકા પંચાયતો માટે સરેરાશ ૬૬.૬૦ ટકા મતદાન થયું હતું. જિલ્લા પંચાયતોની વાત કરીએ તો સરેરાશ ૬૫.૮૦ ટકા મતદાન જ્યારે નગરપાલિકાઓમાં ૫૮.૮૨ ટકા મતદાન થયું હતું. વર્ષ ૨૦૧૫ની ચૂંટણીઓ કરતા મતદાનમાં સરેરાશ ૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે નગરપાલિકાઓની પેટાચૂંટણીમાં ૪૭.૬૩ ટકા અને તાલુકા પંચાયતોની પેટાચૂંટણીમાં ૬૮.૬૫ ટકા મતદાન થયું છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ ૬૩.૩૪ ટકા મતદાન થયું છે.
રાજ્યમાં કેટલાક સ્થળોએ વિવાદ પણ નોંધાયો હતો. જેમાં ઝાલોદના ઘોડિયા પ્રાથમિક શાળામાં ઈવીએમ તોડવાનો મામલો સામે આવ્યો છે. અહીં બે ઈવીએમ તોડવામાં આવ્યા હતા. જેથી આજે આ બુથ પર ફરીથી મતદાન યોજાશે. આ ઉપરાંત ભાભરમાં મતદાન મથક પાસેથી ભાજપના સિમ્બોલવાળુ નકલી ઈવીએમ મળ્યું હતું.વિરમગામમાં મારામારીનો બનાવ પણ સામે આવ્યો છે. વિરમગામ નગરપાલિકા ચૂંટણીના બુથ બહાર બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. વોર્ડ-૮ના એમ.જે હાઈસ્કૂલ બહાર ભાજપ અને અપક્ષ ઉમેદાવારોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી જેના કારણે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત ટંકારામાં પણ મતદાન બાબતે કોંગ્રેસના ઉમેદવારના ભાઈ ઉપર હુમલો થયો હતો. આ ઘટનાને સાંસદ કુંડારીયાએ પણ વખોડી કાઢી હતી અને જણાવ્યું હતું કે કસૂરવાર સામે કડક પગલાં લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મતદાનના માહોલ ઉપરથી સ્પષ્ટપણે તારણ કાઢી શકાય કે રાજકોટ જી. પં.માં ભાજપનું પ્રદર્શન ખૂબ સારું રહેશે. જૂનાગઢમાં ભાજપને ફાયદો થશે. પોરબંદરમાં બેલેન્સ થશે. અમરેલીમાં ઓછું મતદાન ભાજપને ફાયદો કરશે. સુરેન્દ્રનગર ભાજપને આંચકો આપે તેવી સ્થિતિ સર્જાઈ તો નવાઈ નહિ.
સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રસપ્રદ માહોલ છવાયો હતો. કચ્છ જિલ્લા અને તા.પંચાયતમાં ૬૩ ટકા જેટલું મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન લખપત તાલુકામાં ૭૮ ટકા જ્યારે બીજા નંબરે મુન્દ્રા તાલુકામાં ૭૨ ટકા મતદાન થયું હતું. જ્યારે અંજાર તાલુકામાં ૬૫, અબડાસા ભુજ અને માંડવી તાલુકામાં ૬૪ ટકા મતદાન થયું હતું. આ સિવાય રાપર તાલુકામાં ૬૦ ટકા, ભચાઉ અને નખત્રાણા તાલુકામાં ૫૮ ટકા મતદાન થયું હતું. કુલ ૬ લાખ ૬૭ હજાર ૩૦૧ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૩ લાખ ૫૬ હજાર ૩૨૬ પુરુષ મતદારોએ જ્યારે ૩ લાખ ૧૦ હજાર ૯૨૫ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. કચ્છમાં નગરપાલિકાઓની ચુંટણીમાં મતદાનનો માહોલ પ્રારંભિક નિરસ રહ્યા બાદ છેલ્લે છેલ્લે મતદારોમાં ઉત્સાહ આવ્યો હતો. કચ્છમાં નવી નગરપાલિકા મુન્દ્રા બારોઈ ઉપરાંત ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવી એમ કુલ ૫ પાલિકાઓની ચૂંટણી હતી. જે પૈકી સૌથી વધુ મતદાન નવી પાલિકા મુન્દ્રા બારોઈ માટે ૭૦.૦૮ ટકા, બીજા નંબરે માંડવી પાલિકા માટે ૬૩.૩૮ ટકા, ત્રીજા નંબરે અંજાર પાલિકા માટે ૫૪.૬૦ ટકા, ચોથા નંબરે ભુજ પાલિકા માટે ૪૯.૪૧ ટકા અને પાંચમા નંબરે ગાંધીધામ પાલિકા માટે ૪૪.૬૧ ટકા મતદાન થયું હતું. કુલ ૨ લાખ ૧૮ હજાર ૨૫૯ મતદારોએ પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો. કચ્છમાં નગરપાલિકાઓમાં ૧ લાખ ૧૭ હજાર ૪૯૬ પુરુષ મતદારોએ જ્યારે ૧ લાખ ૭૬૩ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. એકંદરે પુરુષ મતદારોનું મતદાન વધુ રહ્યું હતું. જ્યારે કચ્છના બે મુખ્ય શહેરો ગાંધીધામ અને ભુજમાં ઓછું મતદાન થયું હતું.
સમગ્ર રાજ્યમાં સાંજે પ થી ૬ વાગ્યા સુધીનો સમય કોરોનાગ્રસ્ત મતદારો માટે રાખવામાં આવ્યો હતો પરંતુ આખા રાજ્યમાં વેઢે ગણાય તેટલી સંખ્યામાં જ કોરોનાગ્રસ્ત દર્દીઓએ મતદાન કર્યું હતું. દર્દીએ પીપીઇ કીટ તેમજ સ્ટાફે પણ પીપીઇ કીટ પહેરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની ચૂંટણીઓ કરતા પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આખો દિવસ મતદાન કેન્દ્રો પર લાંબી લાંબી કતારો જોવા મળી રહી હતી. પંચાયતોમાં સરેરાશ ૬૫ ટકા જેટલું મતદાન જ્યારે નગરપાલિકાઓમાં અંદાજિત સરેરાશ મુજબ ૫૫ ટકા આસપાસ મતદાન નોંધાયું હતું. મતદારોએ કુલ ૫૪૮૧ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ૨૨૧૭૬ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ કર્યું છે. ગઈકાલે યોજાયેલા મતદાનમાં મહિલાઓએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મહિલાઓએ જાગૃત્તિ દાખવીને વધારે મતદાન કર્યું હતું. સ્થાનિક સ્વરાજની અંતિમ તબક્કાની ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. હવે આવતીકાલે ૨ માર્ચે મતગણતરી હાથ ધરાશે.
૧૮ પાલિકાનાં ઉતરોત્તર મતદાનની ટકાવારી
નગરપાલિકા | કુલ |
અમરેલી | ૫૦.૩૧ |
બગસરા | ૬૦.૭૬ |
સાવરકુંડલા | ૫૫.૮૫ |
દામનગર | ૬૪.૫૩ |
બાબરા | ૬૮.૨૫ |
ખંભાળિયા | ૬૦.૦૪ |
જામરાવલ | ૭૩.૭૮ |
કેશોદ | ૫૫.૧૧ |
પોરબંદર | ૪૯.૫૮ |
નગરપાલિકા | કુલ |
ગોંડલ | ૫૩.૧૮ |
વેરાવળ | ૭૨.૮૪ |
ઉના | ૬૩.૫૭ |
સુત્રાપાડા | ૬૯.૪૬ |
તાલાલા | ૬૩.૩૨ |
મોરબી | ૫૫.૨૨ |
વાંકાનેર | ૬૨.૬૯ |
મા.મિંયાણા | ૫૫.૮૦ |
સિક્કા | ૬૬.૧૮ |
જિલ્લા પંચાયતોનું મતદાન
જીલ્લા પંચાયત | બેઠક | ૨૦૧૫ | ૨૦૨૧ |
રાજકોટ | ૩૬ | ૬૬.૫૯ | ૬૩.૪૭ |
મોરબી | ૨૪ | ૭૪.૮૪ | ૭૦.૧૪ |
જામનગર | ૨૪ | ૬૬.૮૪ | ૬૪.૮૬ |
દ્વારકા | ૨૧ | ૭૧.૨૭ | ૬૬.૨૬ |
જૂનાગઢ | ૨૯ | ૬૫.૩૭ | ૬૨.૬૭ |
ગીર સોમનાથ | ૨૮ | ૭૦.૬૫ | ૬૫.૮૨ |
પોરબંદર | ૧૮ | ૬૧.૫૬ | ૬૦.૨૯ |
અમરેલી | ૩૪ | ૬૦.૪૪ | ૫૫.૦૭ |
હાર્દિક પટેલ ભોઠો પડ્યો, જ્યાં મતદાન કર્યું ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ ન હતા!!
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના મતદાનમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને ભોંઠા પડવાનો વારો આવ્યો હતો. હાર્દિક પટેલ મતદાન કરવા માટે વિરમગામ આઈટીઆઈ પહોંચ્યા હતા. જોકે, હાર્દિક પટેલે જ્યાં મતદાન કર્યું હતું ત્યાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર-૨મા ભાજપ-અપક્ષની પેનલ જ ચૂંટણી લડી હતી. ત્યાં કોંગ્રેસના ઉમેદવાર ન હોય હાર્દિક પટેલે આ મામલે એવું પણ કહ્યું હતું કે એક અપક્ષ ઉમેદવાર કોંગ્રેસના સમર્થનમાં છે.
રાજકોટ જિ. પં.ની કસ્તુરબાધામ બેઠકમાં ૭૦ ટકા મતદાન ભુપત બોદરને પ્રમુખ તરીકે પ્રસ્થાપિત કરશે?
રાજકોટ જિલ્લા પંચાયતની કસ્તુરબાધામ બેઠકમાં ભારે મતદાન થયું છે.અહીં અંદાજે ૭૦ ટકા જેટલું જંગી મતદાન થતા કોંગ્રેસના સમીકરણો ગોટે ચડી ગયા છે. હવે આ જંગી મતદાન ભાજપના ઉમેદવાર ભુપત બોદરની લીડમાં વધારો કરાવશે તે નક્કી છે. ભુપત બોદરને મળેલી જંગી લીડ તેને પ્રમુખ પદે પ્રસ્થાપિત કરે તેવા પણ ઉજળા સંજોગો જણાઈ રહ્યા છે.
આવતીકાલે મતગણતરી: જનાદેશ થશે જાહેર
રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા ગઈકાલે પૂર્ણ થઈ હતી. સાંજે ૬ વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંકેલો કરવામાં ચૂંટણી વિભાગ દ્વારા મોડી રાત સુધી જહેમત ઉઠાવવામાં આવી હતી. તમામ ઉમેદવારોના ભાવિ જેમાં સિલ છે તે ઇવીએમ મશીનોને સુરક્ષિત રીતે મુકવામાં આવ્યા હતા. હવે આવતીકાલે આ ઇવીએમ મશીનોને મતગણતરી સ્થળે લઈ જઈને તેના સિલ તોડી મતગણતરી કરવામાં આવશે. સવારે ૯ વાગ્યે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ફરજમાં રોકાયેલ સ્ટાફ માટે બીજા દિવસની રજા જાહેર કરવામાં આવી હોય, આજે તમામ સરકારી કચેરીઓમાં રજા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
નગરપાલિકાઓમાં ઓછું મતદાન કોંગ્રેસ પ્રત્યેની ઉદાસીનતા?
સૌરાષ્ટ્રની ૧૮ નગરપાલિકાઓમાં ઓછું મતદાન નોંધાયું છે. આ મતદાન કોંગ્રેસ પ્રત્યે મતદારોમાં રહેલી ઉદાસીનતા પ્રગટ કરતું હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. જે વોટ કોંગ્રેસના હતા તે વોટરને પણ કોંગ્રેસ પ્રત્યે ઉદાસીનતા જન્મતા તેઓએ વોટ કરવાનું જ માંડી વાળ્યું હોવાના હાલ દાવાઓ થઈ રહ્યા છે. હાલ ચર્ચાતી વિગત મુજબ ઓછું મતદાન ભાજપને જીત અપાવશે તે નક્કી છે.
મહિલા મતદારોનું સવારે ૯થી ૧૧ દરમિયાન સૌથી વધુ મતદાન
ચૂંટણીમાં સવારે ૯થી ૧૧ની બે કલાક દરમિયાન મતદાન મથકોમાં મહિલા મતદારોની કતારો લાગી હતી.આ સમયમાં મહિલાઓ ફ્રી હોય મતદાન કરવામાં ભારે ધસારો નોંધાયો હતો. જો કે સવારની પ્રથમ બે કલાકમાં પુરુષોની સાપેક્ષે મહિલાઓની હાજરી અડધા જેવી હતી. પણ ત્યાર પછીની બે કલાકમાં મતદાન મથકો ઉપર મહિલાઓની જ કતારો જોવા મળી હતી.
૭૦ ટકા વિસ્તાર ધરાવતા જિ.પં., તા.પં. અને પાલિકાનું પરિણામ વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને અસર કરશે
જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ રાજ્યના કુલ વિસ્તારના ૭૦ ટકા વિસ્તારને કવર કરે છે. આ ચૂંટણીમાં જે પરિણામ આવશે તે આગામી વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચુટણીને અસર કરવાના છે. મહાપાલિકાના પરિણામમાં કોંગ્રેસના મતદારો આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.જો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના પરિણામમાં પણ મતદારોનો આ ઝુકાવ જોવા મળશે તો વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે આકરી બનશે તે નક્કી છે.