વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે જુનાગઢમાં જંગી જાહેરસભા યોજી તો ગુજરાતમાં તેમના ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. પરંતુ, જુનાગઢના રાજકીય ઇતિહાસની તવારીખોને જોતા જુનાગઢમાં જે વડાપ્રધાન ઉમેદવારના પ્રચાર માટે જાહેર સભા યોજી છે તે ઉમેદવારની હાર થઇ છે.
જેથી, વડાપ્રધાન મોદીની આ જાહેરસભા ઇતિહાસનું પુનરાવર્તન કરશે કે સંતોની ભૂમિ ગણાતી જુનાગઢના સંતો, મહંતોના આશીર્વાદ મોદીને ફળશે તેના પર રાજકીય પંડીતોની મીટ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ ગઇકાલે સંતોની ભૂમિ ગણાતા જુનાગઢથી કરીને દેશના રાજકારણને એક આગવો સંદેશો આપ્યો છે. જુનાગઢને પ્રાચીનકાળથી ગુજરાતના સાંસ્કૃતિક, આઘ્યાત્મિક અને ધાર્મિક કેન્દ્ર તરીકે લેખવામાં આવે છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સંતોની ભૂમિના પરિતાપ અને સંકલ્પ સિઘ્ધ કરવાની આ ભૂમિમાં રાજકીય પડકારો ઉપાડી તેનો સામનો કરવાની શકિત છે. જુનાગઢની જનતામાં સ્વંગભૂ રતિવાદના સંસ્કારો છે. પાકિસ્તાનમાંથી સ્વયંભૂ મુકિત મેળવનારી જુનાગઢની પ્રજા મજબુત રાષ્ટ્ર નિર્માણના સંસ્કારોનો વારસો ધરાવે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જુનાગઢથી જ ગુજરાતનો ચુંટણી પ્રચારનો શ્રીગણેશ કરીને મતદારોને વિકાસની આ યાત્રાને વધુ સુદઢ બનાવવાની સાથે સાથે રાષ્ટ્ર વિરોધી તત્વો અને ખાસ કરીને પાકિસ્તાન જેવા દુશ્મન દેશને માર્મિક સંદેશો આપી દીધો છે કે નરેન્દ્ર મોદી અને ભાજપ હંમેશા દેશનું અહિત કરનારાઓને પડકાર ફેંકીને તેને પરાશત કરવામાં કયારે પાછી નહિ પડે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુનાગઢની સભામાં ભાજપના પાંચ વરસના શાસનકાળ દરમિયાન પાતાળથી લઇ ઉંચા આભ સુધી સરકારે કેવી રીતે મજબુત રાષ્ટ્ર નિર્માણ માટે કામ કર્યુ છે. તેની જાણકારી આપી હતી. જળસંચયની કામગીરી ગ્રામીણ નાગરીકો ખેતીકામ વર્ગ શ્રમજીવીઓ અને પ્રવાસન ઉઘોગની સાથે સાથે ગીરનારની રોપવે યોજનાના પ્રોજેકટને દાયકાઓથી ઉકેલના વાંકે અઘ્ઘ્રતાલ રાખવાના રાજકીય પ્રયચને અવરોધીને રોપ વે યોજના ને મૂર્તિમંત કરી વિકાસ કેવી રીતે સાધી શકાય અને રાજકારણમાં નકારાત્મકાને બાજુ પર રાખી લોકકલ્યાણના કામ કેવી રીતે થાય તેનો દાખલો દેશમાં બેસાડવા સરકારે જુનાગઢના વિકાસને રોલ મોડલ બનાવ્યો હોવાનું જણાવી વડાપ્રધાને જે રીતે ભારતના વિકાસ માટે પોતાનો હાથ મજબુત કરવા યુવા મતદારોને આહવાન કર્યુ છે તે દેશના ભવિષ્ય વિકાસ અને રાષ્ટ નિર્માણના વડાપ્રધાન મોદીના સ્વયં સંકલ્પને સાકાર કરવાની પ્રતિબઘ્ધતા દર્શાવે છે. જુનાગઢને વડાપ્રધાન મોદીએ ગત લોકસભાની ચુંટણી વખતે દેશના સૌથી યુવાન સાંસદ તરીકે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને આપ્યા હતાં તે યુવા અને દેશના ભવિષ્યનું પ્રતિક માનીએ તો આ વખતે પણ જુનાગઢના લોકપ્રતિનિધિ તરીકે રાજેશ ચુડાસમાના વિકલ્પને મોદીએ શ્રેષ્ઠ ગણાવ્યું હતું. જુનાગઢના સ્થાનીક રાજકારણમાં વિકાસને રોલ મોડલ બનાવીને ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન મોદીએ જુનાગઢના તાર વાયા ગાંધીનગર થઇને દિલ્હી સુધી જોડાયેલા રહે તે માટે જે લાંબા ગાળાનું આયોજન કર્યુ હતું. તે હવે પરિણામ દીપી બન્યું છે. જન સંગ્રકાળમા જયારે વર્તમાન ભાજપ સત્તાથી જોજનો દુર કયાંય રાજકીય હરીફાઇમાં ચિત્રમાં જ ન હતું. ત્યારથી જુનાગઢમાં સંધના જુના જોગીઓ સુર્યકાંતભાઇ આચાર્ય અને તેમના અનુગામીઓ રાષ્ટ્રવાદ વિચારધારાના સશકિતકરણ માટે એક જહેમત ઉઠાવતા હતા. સ્થાનીક સ્વરાજય સંસ્થાઓનું નેતૃત્વમાં આ વિચારધારાના અંકુરણ માટે દાયકાઓનો સમય વિત્યો હતો.
નરેન્દ્ર મોદીએ જુનાગઢની નેતાગીરીનું પાયાથી અપગ્રેડેશન મુકીને સમગ્ર વિસ્તારમાં ભાજપનો વિકાસવાદ વધુને વધુ ફેલાય તે માટે પરિણામદાયી કામ કર્યુ છે. યોગ્ય નેતાઓને લોકતંત્રમાં યોગ્ય પદ મળવું જોઇએ તે મુદ્દાનું ખુબ જ સારી રીતે અમલ કરીને કોંગ્રેસ મૂળના ગીરીશભાઇ કોટેચા અને તેમના સાથીદારોને ભાજપ પ્રવેશ કરાવ્યા બાદ માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા અને તેમની ટીમને ભાજપના વિકાસવાદમાં સામેલ કરીને નરેન્દ્ર મોદીના નેતૃત્વને ધર્મક્ષેત્ર જુનાગઢ અને આસપાસના વિસ્તારને વિકાસના એક સુત્રીય રીતે જોડવા ખુબ જ મહેનત માંગતી કવાયત કરી છે પાટીદાર નેતા વિઠ્ઠલભાઇ રાદડીયા, તેમના પુત્ર જયેશ રાદડીયાને પણ વિકાસના મંત્ર સાથે ભાજપે અપનાવી સમગ્ર પ્રદેશમાં મજબુત લોકતાંત્રિક વ્યવસ્થા માટે સોરઠને રાજકીય સંકલનનું કેન્દ્ર બનાવ્યું છે. આજે જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ જીલ્લા અને સોરઠ સંલગ્ન તમામ વિસ્તારોને રાજય અને દેશના વિકાસના રોલ મોડલ ના કેન્દ્ર બનાવવા માટે નરેન્દ્ર મોદીની જહેમત લેખે લાગી હોય તેમ દેખાય રહ્યું છે.
જુનાગઢની ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુંટણી સભા અને ભાજપના ચૂંટણી પ્રચારનો પ્રારંભ જુનાગઢથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વિકાસ માટેની પોતાની પ્રતિબંઘ્ધતા અને દેશના શત્રુઓ સામે આક્રમકતાથી લડત આપવાનું વડાપ્રધાને બેવડો સંદેશો આપ્યો છે. તેવી ગણતરી કરવી એ જરાપણ અતિસ્યોકિત નહિ ગણાય.