જીએસટીમાં લોકોને વધારે રાહત આપવા ટૂંક સમયમાં પગલા લેવાના એંધાણ
વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ પોતાનો ૧૫૦ પ્લસનો ટાર્ગેટ પુરો કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપે મહત્તમ બેઠકો પ્રાપ્ત કરવા જીએસટીને છોડીને તમામ કોઠા પાર કરી લીધા છે. હવે એક માત્ર જીએસટીનું આવરણ હટાવવાની જ‚ર છે. ત્યારબાદ ભાજપ માટે ૧૫૦ પ્લસનો ટાર્ગેટ પુરો કરવો સરળ થઈ જશે.
ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં જ્વલંત સફળતા મેળવવા તમામ સમીકરણો ગોઠવી કાઢયા છે. જ્ઞાતિ-જાતિનું રાજકારણ પણ હવે પાર કર્યું છે. માત્ર જીએસટીનું આવરણ જ ભાજપને ૧૫૦ પ્લસ બેઠકો પ્રાપ્ત કરવા માટે મુશ્કેલ બની શકે છે. જો કે ટૂંક સમયમાં આ મુદ્દે પણ લોકોને રાહત અપાતા લોકો ભાજપ તરફ મતદાન કરે તેવી શકયતા છે. તાજેતરમાં સરકારે આપેલી રાહતોના કારણે લોકોનો જીએસટી પ્રત્યેનો રોષ મહત્તમ પ્રમાણમાં ઓછો થઈ ગયો છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં ભાજપ વિધાનસભા ચૂંટણીને સ્વર્ણીમ રીતે જીતશે તેવો આત્મવિશ્ર્વાસ વ્યકત થઈ રહ્યો છે. ભાજપે આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના પ્રમુખ સ્થાને મળેલી સેન્ટ્રલ ઈલેકશન કમીટીની બેઠકમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ પણ અપાઈ ગયો છે. એક થી બે દિવસમાં આ મામલે સત્તાવાર જાહેરાત થવાની છે.
ભાજપ તેના પ્રથમ ચરણના ૮૯ ઉમેદવારો પૈકીના કેટલાક નામની યાદી શુક્રવારે રાત્રે અથવા શનિવારે જાહેર કરે તેવી શકયતા છે. ભાજપને ચાર થી પાંચ પ્રધાનો સહિત ૩૫ ધારાસભ્યોને જુદા જુદા કારણોસર વિરામ આપી અન્ય નવા ચહેરા તેમજ મહિલાઓને સ્થાન આપે તેવી સંભાવના છે. ત્રણ સામાજિક આંદોલનકારી યુવા નેતાઓના કોંગ્રેસ તરફના સ્પષ્ટ જુકાવ બાદ કોંગ્રેસમાં ઉમેદવારોને લઈ અસમંજસતા વધી ગઈ છે. આવા સંજોગોમાં ભાજપ વ્યૂહાત્મક ફેરફારો કરી ૧૫૦ પ્લસના ટાર્ગેટને પૂર્ણ કરવા માટે તમામ તાકાત લગાવી દેશે તેવી સંપૂર્ણ શકયતા છે.
ગઈકાલે સેન્ટ્રલ ઈલેકશન કમીટીની બેઠકમાં વડાપ્રધાન મોદીએ પોતાના રિપોર્ટના આધારે ઉમેદવારોની પસંદગીમાં કેટલાક સુધારા સુચવ્યા હતા. આ બેઠકમાં અમિતભાઈ શાહે અને ગુજરાતની પાર્લામેન્ટરી બોર્ડે તૈયાર કરેલા પ્રત્યેક બેઠક માટેની મોટાભાગની પેનલો પરના ઉમેદવારોના પ્લસ-માઈન્સ પોઈન્ટ પર ચર્ચા થઈ હતી. અમુક કલીયર બેઠકો પર સીધા નામો સ્વીકારાયા હતા.
નોંધનીય છે કે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની સળંગ છ દિવસ યોજાયેલી બેઠકમાં નિરીક્ષકોની સુનાવણી વેળા અમીતભાઈ અને પ્રદેશ પ્રભારીએ ઉપસ્થિત રહી સૌને સાંભળ્યા હતા. ત્યારબાદ રાજયભરનો પ્રવાસ ખેડી પ્રત્યેક બેઠકની સામાજીક અને રાજકીય સ્થિતિ, વિરોધીઓની વ્યૂહરચનાને આધારે પેનલો તૈયાર કરવામાં આવી હતી. આ પેનલમાં સંભવિત ફેરફાર થઈ શકે છે. અલબત હવે માત્ર ભાજપને ૧૫૦ પ્લસનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે જીએસટીનું આવરણ જ નડી રહ્યું છે. જેનો ઉકેલ પણ ટૂંક સમયમાં લેવાશે તેવી ધારણા છે.