કેપ્ટન નવી પાર્ટી બનાવી ચૂંટણીનો માહોલ જામતા જ ખેડૂત આંદોલન સમેટાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે, કેપ્ટનની પાર્ટી ભાજપને પંજાબનો ગઢ સર કરાવી દેશે

રાજકીય પક્ષોના ચોખંડા ભાજપ વીંખી નાખશે : કોંગ્રેસ, આપ, અકાલી દળના ગણિત ઊંધા પાડવા અમરીંદર અને શાહ સજ્જ

અબતક, નવી દિલ્હી : કેપ્ટનની સાથે રહી ભાજપ પંજાબમાં પગદંડો જમાવી દયે તેવા અણસાર મળી રહ્યા છે. કેપ્ટન નવી પાર્ટી બનાવી ચૂંટણીનો માહોલ જામતા જ ખેડૂત આંદોલન સમેટાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે બાદમાં કેપ્ટનની પાર્ટી ભાજપને પંજાબનો ગઢ સર કરાવી દેશે તે પ્રમાણે હાલ ચોગઠા ગોઠવાઈ ગયા છે. બીજી તરફ રાજકીય પક્ષોના ચોખંડા ભાજપ વીંખી નાખે તેવી દહેશત ફેલાઈ છે. ઉપરાંત કોંગ્રેસ, આપ, અકાલી દળના ગણિત ઊંધા પાડવા અમરીંદર અને શાહ સજ્જ થયા છે.

પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર કેપ્ટન અમરિંદર સિંહે આગામી ચૂંટણી માટેનું આયોજન ઘડી લીધું છે. તેઓએ પોતાની પાર્ટી બનાવવાનો નિર્ણય લીધો છે. અમરિંદરે સંકેત આપ્યો છે કે, ત્રણ કૃષિ કાયદાઓ સામે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો ટૂંક સમયમાં ઉકેલ આવી શકે છે. અમરિંદરના મતે ભાજપ સાથે જોડાણ કરવાનો તેમનો નિર્ણય કૃષિ કાયદાના મુદ્દાના સંતોષકારક નિરાકરણ પર નિર્ભર રહેશે.

અમરિંદરે કહ્યું કે, ભાજપ સિવાય તેઓ અલગ અલગ નાના પક્ષ સાથે ગઠબંધન કરવા પર વિચાર કરી રહ્યા છે, જે આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી ચૂંટણીઓ માટે છે. તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને ભાજપ સાથે હાથ મિલાવવામાં કોઈ વૈચારિક સમસ્યા છે, તેમનો અમરિંદરે જવાબ આપ્યો કે, હું પંજાબ માટે ઉભો છું અને રાજ્યનું હિત સૌથી ઉપર છે.

અમરિંદરે કહ્યું કે, તેમનું ધ્યાન 2022 ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પંજાબમાં સરકાર બનાવવા પર રહેશે. ભાજપ સાથે કોઈ વૈચારિક સમસ્યા હોય તો અમરિંદર સિંહે કહ્યું કે, તેઓ પંજાબ સાથે ઉભા છે. તેમના માટે પંજાબના હિતો સૌથી ઉપર છે. બીજી તરફ પંજાબની રાજકીય પાર્ટી ઉપર નજર કરીએ તો કોંગ્રેસ એકલું છે. સાથે આમ આદમી પાર્ટી પણ એકલી છે. અકાલી દળ તરફથી કેપ્ટનને મદદ મળે તેવી આશા છે. આ સાથે ભાજપ પણ કેપ્ટનને મદદ કરવાની છે. હાલ ભાજપ માટે પોતાની રીતે પંજાબના રાજકારણમાં સફળતા મેળવવી અશક્ય જેવું છે. માટે કેપ્ટન ખરા અર્થમાં ભાજપ માટે કેપ્ટનની ભૂમિકા ભજવશે તે નક્કી છે.

શુ પાયલોટ પણ કેપ્ટનવાળી કરશે ?

રાજસ્થાનમાં એક પણ દલિત કેબીનેટ મંત્રી ન હોવા મુદ્દે કોંગ્રેસ સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરતા સચિન પાયલોટ

રાજસ્થાનમાં કોંગ્રેસના સચિન પાયલોટ પણ કેપ્ટનવાળી કરવાના હોય તેવો ઘાટ સર્જાયો છે. સચિન પાયલોટે રાજસ્થાનમાં એક પણ દલિત કેબિનેટ મંત્રી ન હોવા મુદ્દે કોંગ્રેસ સામે જાહેરમાં નારાજગી વ્યકત કરી છે.

ઉત્તરપ્રદેશમાં જ્યારે પ્રિયંકા સફાઈ કર્મચારીઓના પરિવારને મળવામાં હતી. ત્યારે જ પૂર્વ મુખ્યમંત્રી સચિન પાયલોટ દલિતોના મુદ્દે તેમની જ સરકારને ઘેરતા નજરે પડ્યા હતા. જયપુરના ચાકસુમાં આંબેડકરની મૂર્તિના લોકાર્પણ સમારોહમાં પાયલોટે કહ્યું કે દિવંગત માસ્ટર ભંવરલાલ મેઘવાલના નિધન બાદ રાજ્યમાં કોઈ દલિત કેબિનેટ મંત્રી બન્યું નથી.

અમારી પાર્ટી જો પંજાબમાં દલિત મુખ્યમંત્રી બનાવી શકતી હોય તો રાજસ્થાનમાં દલિત કેબિનેટ મંત્રી કેમ બનાવી શકતી નથી. રાહુલ ગાંધી હોય કે પ્રિયંકા દલિતો માટે તેઓ 24 કલાક કામ કરે છે. મને આશા છે કે સરકાર ટૂંક સમયમાં દલિત સમાજના વ્યક્તિને કેબિનેટ મંત્રીનો હોદ્દો આપશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા આવ્યા ન હતા. આ અંગે પાયલોટ બોલ્યા કે તેમને આમંત્રણ તો આપવામાં આવ્યું હતું. તેઓએ ટોણો મારતા કહ્યું કે તેઓ કોઈ કારણસર નથી આવી શકયા. કદાચ તેઓ દલિતની ભલાઈના કામમાં લાગ્યા હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.