ઓથોરીટીએ એલ એન્ડ ટી, સોમા એન્ટરપ્રાઈઝ, એસેલ ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતની ડઝનથી વધુ કંપનીઓને શો-કોઝ નોટિસ ફટકારી

નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ એલ એન્ડ ટી, સોમા એન્ટરપ્રાઈઝ, એસેલ ઈન્ફ્રાસ્ટ્રકચર, ગેમઓન ઈન્ડિયા, એમબીએલ ઈન્ફ્રાસ્ટ્રકચર, અશોકા બિલ્ડકોન, એચસીસી અને સુપ્રીમ ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતની ડઝનેક કંપનીઓને શો-કોઝ નોટિસ ફટકારી આગામી ૨ થી ૩ વર્ષ સુધી તેમના પર કેમ પ્રતિબંધ મુકવામાં ન આવે તેવો જવાબ માંગ્યો છે.

નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ આવી કંપનીઓને આપેલા પ્રોજેકટમાંથી ૨૦ હાઈ-વે પ્રોજેકટમાં ખામી નીકળતા આ પગલુ લેવામાં આવ્યું છે. બીજી તરફ હાઈ-વે ડેવલોપર્સે એનએચએઆઈનું આ પગલું વખોડયું છે. વર્ષ ૨૦૧૪ બાદ આવી કંપનીઓએ મેળવેલા પ્રોજેકટમાં અનેક ખામીઓ નેશનલ હાઈ-વે ઓથોરીટીને મળી આવી છે. પરિણામે દંડાત્મક પગલું લેવાનો ઈરાદો ઓથોરીટીએ કર્યો છે.

હાલ હાઈ-વે ઓથોરીટીએ ડઝનથી વધુ કંપનીઓને નોટિસ ફટકારી સોમવાર સુધીમાં જવાબ આપવાની તાકીદ કરી છે. જે કંપનીઓ ઓથોરીટીને યોગ્ય પ્રત્યુત્તર નહીં આપે તેમના નામ જાહેર કરવાની ચેતવણી પણ ઓથોરીટીએ આપી દીધી છે.

નેશનલ હાઈ-વે બનાવતા કંપનીઓના ઓર્ગેનાઈઝેશન એનએચબીએ દ્વારા નેશનલ હાઈ-વે ઓથોરીટીની આ પગલે નિંદા કરવામાં આવી છે અને વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખી આ મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.