આજે ભગાભાઇ કેસના ચૂકાદા પર ગીર પંથકની મીટ
આગામી લોકસભાની ચૂંટણીમાં અસર કરનારા આહિર સમાજના મતદારો પર આ ચૂકાદાની થનારી હોય ચૂકાદા અંગે ભારે રાજકીય ઉત્તેજના
તાલાળાના કોંગ્રેસી ધારાસભ્ય ભગાભાઈ બારડને ખનીજ ચોરી કેસમાં સજા મળ્યા બાદ તેમના ધારાસભ્ય પદને બરતરફ કરવાનાં સ્પીકરનાં નિર્ણય તથા આ બેઠક પર પેટા ચૂંટણી યોજવાના ચૂંટણી પંચના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ કેસની તાત્કાલીક સુનાવણી યોજવાની ભગભાઈની રજૂઆત મુજબ ગુજરાત હાઈકોર્ટે આ કેસના પક્ષકારોની દલીલો સાંભળીને સુનાવણી પૂર્ણ કરી હતી. હાઈકોર્ટ આ કેસનો હુકમ આજે સંભળાવે તેવી સંભાવનાઓ છે. જેથી, હાઈકોર્ટના આ હુકમ પર ગીર પંથક આતુરતાપૂર્વક મીટ માંડીને બેઠું છે.
સુત્રાપાડામાં ખનીજ ચોરી કરવાનાં દાયકાઓ જૂના કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે તાલાળાના કોંગ્રેસી ધારાસભ્ય ભગાભાઈ બારડને દોષિત ઠેરવીને બે વર્ષ નવ માસની કેદની સજા ફરમાવી હતી. જેથી સુપ્રીમ કોર્ટનાં બે વર્ષથી વધારે સમયથી સજા પામેલા લોકપ્રતિનિધિઓને તેના પદ પરથી દૂર કરવાનાં હુકમ મુજબ ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી ભગાભાઈને તુરંત ધારાસભ્ય પદેથી દૂર કર્યા હતા. જે બાદ ચૂંટણી પંચે ગત રવિવારે લોકસભાના જાહેર કરેલા ચૂંટણી કાર્યક્રમ સાથે તાલાળા વિધાનસભાની પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.
જેથી, વિધાનસભાના સ્પીકર ધારાસભ્યપદે બરતરફ કરવાનાં અને ચૂંટણી પંચના પેટા ચૂંટણી યોજવાના નિર્ણય સામે ભગાભાઈ બારડે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવીને તાત્કાલીક સુનાવણી યોજવાની માંગ કરી હતી. હાઈકોર્ટે આ કેસનાં તમામ પક્ષકારોની દલીલો સાંભળીને ગઈકાલે આ કેસની સુનાવણી પૂર્ણ જાહેર કરી ને ચૂકાદો શુક્રવાર સુધી અનામત રાખવાનો નિર્ણય કર્યો હતો.
જેની આજે આ કેસનો ચૂકાદો આવે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે. આહિર સમાજનું પ્રતિનિધિ કરતા ભગાભાઈ બારડે આ મુદાને આહિર સમાજને અન્યાયના મુદા સામે જોડી રાજકીય લડત આપવા તજવીજ હાથ ધરી છે. એક તરફ લોકસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે. ત્યારે ચૂંટણી માટે ભારે અસરકારક મનાતા આહિર મતદારો પર હાઈકોર્ટમાં ચૂકાદાની કેટલી અસર થશે તે સમય જ કહી શકે તેમ છે. જેથી આજે આ કેસનાં થનારા હૂકમ પર ગીરપંથકના મતદારો આતુરતા પૂર્વક મીટ માંડીને બેઠા છે.