વિવિધ મુદ્દે નિષ્ફળતાઓથી ઈમરાનની લોકપ્રિયતા તળિયે પહોંચી: સેનાએ પોતાના પૂર્વ અને વર્તમાન અધિકારીઓને સરકારના મહત્વપૂર્ણ સ્થાનો પર ગોઠવી દીધા
વિશ્ર્વમાં ધાર્મિક કટ્ટરવાદ પર રચાયેલા દેશોને તેનો કટ્ટરવાદ જ ભારે પડતો હોવાનો ઈતિહાસ છે. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયેલા ભારતમાંથી મુસ્લિમોના દેશ તરીકે અલગ પડેલો દેશ પાકિસ્તાન તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. પાકિસ્તાનની સ્થાપના કાળથી દેશ પર કટ્ટરવાદીઓ અને સૈન્યની મજબુત પકડ રહી છે. પાકિસ્તાનમાં સમયાંતરે ચૂંટાયેલી સરકારને ઉથલાવીને સૈન્યરાજ આવ્યું છે. નવા પાકિસ્તાનનું વચન આપીને વર્ષ ૨૦૧૮માં ચૂંટાઈ આવેલા ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન વડાપ્રધાન પદે કામગીરી બજાવવામાં નિષ્ફળ નિવડ્યાના આક્ષેપો થઈ રહ્યાં છે. દેશભરમાં ઈમરાન સરકાર સામે નારાજગીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પાકિસ્તાનની સેનાએ ફરીથી ઈમરાન સરકારને ઉથલાવીને બળવો કરવા તૈયારી આદરી દીધી છે.
પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારની અણઆવડત, કટ્ટરવાદીઓની અને સૈન્યની વધતી દખલગીરીના કારણે સ્થિતિ બગડી છે. જેને લઈને પાકિસ્તાન ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થતું હતું. એ દરમિયાન કોરોના ત્રાટક્યો હોવાથી સ્થિતિ વધારે ગંભીર બની ગઈ. તેના કારણે સરકાર પરથી ઈમરાનની પક્કડ સાવ ઢીલી થઈ ગઈ છે. આર્થિક કટોકટી, નબળી વિદેશ નીતિ, બેરોજગારી સહિતના મુદ્દે વડાપ્રધાન ઈમરાન ખાનની ખૂબ ટીકા થતી હતી. એ બધા વચ્ચે કોરોનાની મહામારી ત્રાટકી હતી. એના કારણે ઈમરાન માટે સ્થિતિ વધુ બદતર બની ગઈ હતી. ઈમરાનના હાથમાંથી સત્તાની પક્કડ સાવ ઢીલી થઈ ગઈ છે. છેલ્લાં મહિનામાં ડઝનબંધ મહત્વના પદો પર સૈન્યના અધિકારીઓની નિમણૂક થઈ છે. આ અધિકારીઓના હાથમાં ખરો પાવર છે. સૈન્ય વડા બાઝવા ઉદ્યોગપતિઓ સાથે બેઠકો કરીને મહત્વના નિર્ણયો લઈ રહ્યાં હોવાના અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા.
સૈન્ય અધિકારીઓ જ કોરોના સામેની લડાઈમાં પણ નિર્ણયો લે છે. વિદેશનીતિમાં પણ તેમનો હસ્તક્ષેપ વધ્યો છે. સંરક્ષણ બાબતે તો સૈન્યની પક્કડ પહેલેથી જ મજબૂત છે. આવી સ્થિતિમાં હવે ઈમરાનના હાથમાં હવે નામ માત્રની સત્તા રહી છે. સત્તાનું સુકાન સૈન્ય અધિકારીઓ પાસે છે. અથવા તો સૈન્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિમણૂક પામેલા અધિકારીઓના હાથમાં સત્તાની કમાન છે. ઈમરાનની લોકપ્રિયતા તળિયે ગઈ છે. સૈન્યની પક્કડ સતત મજબૂત બનતી જાય છે. સૈન્ય ધારે તો ગમે ત્યારે ઈમરાન સરકાર પદભ્રષ્ટ થઈ જશે. ઈમરાનના વિશ્વાસુ ગણાતા લોકો પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે અને એની તપાસ શરૂ થઈ છે. ઈમરાન ખાન લોકોની નજરમાંથી ઉતરી ગયા છે. ક્રિકેટર તરીકે બેહદ લોકપ્રિય નિવડેલા ઈમરાન ચૂંટાઈને પીએમ થયા ત્યારે પાકિસ્તાનમાં તેની ઘણી લોકપ્રિયતા હતી.
પાકિસ્તાનમાં પરિવર્તન કરવાની તેની નીતિ પર લોકોએ વિશ્વાસ દર્શાવ્યો હતો. સૈન્યએ પણ ઈમરાનને સમર્થન આપ્યું હતું, પરંતુ હવે ઈમરાન પાસે લોકસમર્થન રહ્યું નથી. પાક.લશ્કર પણ હવે ઈમરાન પર લાંબો વખત ભરોસો બતાવે એવી શક્યતા ઓછી છે.
પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાનની પાર્ટી પાસે ૪૬ ટકા બેઠકો છે. તેમની પાર્ટીએ નાના પક્ષો સાથે ગઠબંધન કરીને સત્તા મેળવી છે. ઈમરાન સરકાર દેશને યોગ્ય રીતે ચલાવવામાં તમામ મોરચે નિષ્ફળ ગઈ હોય સૈન્યએ સરકારના મહત્વપૂર્ણ વિભાગો પર કાબુ મેળવી લીધો છે. સેનાના ૧૨ જેટલા પૂર્વ કે વર્તમાન અધિકારીઓ પાકિસ્તાન સરકારના મહત્વપૂર્ણ સ્થાન પર ગોઠવાઈ ગયા છે. નિવૃત લેફટનન્ટ જનરલ અસીમ બાજવા હવે ઈમરાનના સંદેશા વ્યવહાર સલાહકાર બની ગયા છે અને ચીને બેલ્ટ અને માર્ગ પહેલ ક્ષેત્રમાં કરેલા ૫૦ અબજ ડોલરના રોકાણના અમલીકરણની તેઓ દેખરેખ રાખી રહ્યાં છે.
પહેલેથી માંદગીના બિછાને પડેલું પાકિસ્તાનનું અર્થતંત્ર હાલ અમેરિકા અને ચીનની આર્થિક સહાય પર ડચકા મારી રહ્યું છે. તેમાં કોરોનાના કહેરે સરકારને પણ વેન્ટીલેટર પર મુકી દીધી હતી. આવી સ્થિતિમાં ઈમરાન ખાનની લોકપ્રિયતા તળિયે ગઈ હોય સૈન્યએ આર્તિક અંધાધૂંધીના અને ભારત સામે ઉંબાડીયા શ કરી દીધા છે. સામાન્ય રીતે પાકિસ્તાનમાં બે મુદ્દા પર સૈન્ય સરકારને ઉથલાવી શકતી હોય છે જેમાં એક છે આર્થિક અંધાધૂંધી અને બીજુ છે. ભારત વિરોધી હવા. હાલમાં પાકિસ્તાનમાં આર્થિક અંધાધૂંધીનું વાતાવરણ તો છે જ ઉપરાંત સેનાએ ભારત વિરોધી વાતાવરણ ઉભુ કરવા એલઓસી પર એર ડ્રીલ યોજીને ઉંબાડીયા શ કર્યા છે. જેથી આગામી સમયમાં ઈમરાન સરકાર સામે સેના બળવો પોકારીને ઉથલાવશે તે નિશ્ર્ચિત બન્યું છે તેમ વિદેશ નીતિના રાજકીય સમીક્ષકોનું માનવું છે.
‘શરીફ’ને ‘બદનામ’ કરવાના કેસમાં ઈમરાન સામે મુશ્કેલી વધી
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન પર ચોતરફથી સકંજો કસાઈ રહ્યો છે. તેમની સામે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના વડા શાહબાજ શરીફે કરેલા બદનક્ષી કેસની આગામી ૧૭મીએ સુનાવણી હાથ ધરવાનો કોર્ટે નિર્ણય કર્યો છે. વર્ષ ૨૦૧૭માં ઈમરાને તેવો દાવો કર્યો હતો કે, પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામે પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલા પનામાં પેપર કેસ પાછો ખેંચવા માટે શાહબાઝે તેમના મિત્ર મારફતે ૬૧ મિલીયન અમેરિકન ડોલરની લાંચની ઓફર થઈ હતી જે બાદ શાહબાજ શરીફે ઈમરાન સામે બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો.
આ બદનક્ષી કેસમાં શાહબાજે ઈમરાને ખોટા આક્ષેપો કરીને તેમની સામાજિક, રાજકીય કારકિર્દીને નુકશાન થયાનું જણાવીને ૬૧ મિલિયન અમેરિકન ડોલરનું વળતરની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાને તેમને લાંચ ઓફર કરનારા મિત્રનું નામ જાહેર કર્યું ન હતું. આ કેસ છેલ્લા ત્રણ વર્ષથી પેન્ડીંગ હતો જે તાજેતરમાં સુનાવણી પર આવ્યો હતો. જેમાં કોર્ટ આગામી ૧૦મીએ સુનાવણી યોજવાનો હુકમ કર્યો છે.
એલઓસી પર ઉંબાડીયા કરવા પાકિસ્તાની વાયુ સેનાએ ‘એરડ્રીલ’ હાથ ધરી
પાકિસ્તાનની જનતામાં સરકાર વિરોધી વાતાવરણ ઉભુ કરવામાં ભારત વિરોધી હવ મહત્વપૂર્ણ છે. જેથી, પાકિસ્તાની સેનાએ ભારત સામે ઉંબાડીયા કરવા એલઓસી પર વાયુસેનાની એરડ્રીલનું આયોજન કર્યું છે. હાઈમાર્કના નામે યોજાયેલીઆ એરડ્રીલમાં પાકિસ્તાની વાયુસેના રાત્રીના સમયે એફ.૧૬ જે.એફ. ૧૩, અને મિરાજ-૩ સહિતના ફાઈટર પ્લેનો પણ ઉડાડના છે. જે માટે લાહોર અને આસપાસના શહેરોમાં મોટર માર્ગે ફાઈટર પ્લેનો લાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં ભારતે પીઓકેમાં આવેલા બાલાકોટમાં એરસ્ટ્રાઈક હાથ ધરી ને અનેક આતંકવાદી કેમ્પોનો સફાયો કર્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાની સેનાએ ખાંડા ખખડશવ્યા હતા પરંતુ અમેરિકાએ ડારો આપતા પાકિસ્તાને સેના ચુપ બેસી રહી હતી. હાલની એરડ્રીલ દ્વારા પાકિસ્તાની સેના ભારત સાથે ઉંબાડીયા કરીને પાકિસ્તાનમાં ભારત વિરોધી વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનમાં સમયાંતરે સૈન્યએ બળવો કર્યાનો વરવો ઈતિહાસ
ઈસ્લામિક કટ્ટરવાદ પર રચાયેલા દેશ પાકિસ્તાનમાં લોકશાહીના પાયો નબળો છે. જેથી સમયાંતરે સૈન્ય દ્વારા બળવા થતા રહ્યા છે અને સૈન્ય વડાએ સરમુખત્યાર શાહ તરીકે સત્તા ભોગવતા આવ્યા છે. ૧૯૫૮માં જનરલ અયુબખાને તત્કાલીન વડાપ્રધાન ફિરોઝ ખાન નૂનની સરકારને ઉથલાવીને સત્તા મેળવી હતી. ૧૯૭૭માં જનરલ ઝીયા ઉલ હકકે તત્કાલીન વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની સરકારને ઉથલાવીને લાંબા સમય સુધી સરમુખત્યાર શાહ તરીકે સત્તા ભોગવી હતી.૧૯૯૯માં સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફે તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફની સરકારને ઉથલાવીને સત્તા ગ્રહણ કરી હતી મુશર્રફે પણ લાંબા સમય સુધી પાકિસ્તાન પર શાસન કર્યુ હતુ. થોડા સમય પહેલા સેના પ્રમુખ જાવેદ બાજવાએ પણ સરકારને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને અન્ય સૈન્ય અધિકારીઓનો સાથ ન મળતા આ બળવો નિષ્ફળ ગયો હતો. આમ, પાકિસ્તાનમાં લશ્કરી બળવા સમયાંતરે થતા રહેતા હોય આગામી સમયમાં નબળી પડેલી ઈમરાન સરકારને ઉથલાવીને સૈના ફરીથી બળવો કરીને સત્તા મેળવે તો નવાઈ પામવા જેવું નહી રહે.