- અધિકારીઓ પાસેથી નિયમ મુજબ કામ લેવામાં નિષ્ફળ શાસકો પર હવે ગાજ ઉતરશે
- શાસક પાંખ જ મુખ્ય “વહીવટકર્તા” અધિકારીઓ માત્ર પદાધિકારીઓના ઈશારે કરે છે કામ
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નીકાંડની ઘટનામાં 30 લોકોએ જીવ ગુમાવ્યાની ઘટના બાદ રાજય સરકાર ધડાધડ શિક્ષાત્મક પગલા લેવામાં આવી રહ્યા છે. રાજકોટના પોલીસ કમિશનર અને મ્યુનીસિપલ કમિશનરની તત્કાલ બદલી કરી દેવામાં આવી છે. ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા પાસેથી ટીપીઓનો ચાર્જ છીનવી લેવામાં આવ્યો છે. દરમિયાન હવે કોર્પોરેશનના મેયર સહિતના પદાધિકારીઓને ગમે ત્યારે રાજીનામા લઈ લેવામાં આવે તેવી ચર્ચાએ વેગ પકડયો છે. આગામી દિવસોમાં મોટા કડાકા-ભડાકા થવાના એંધાણ વર્તાય રહ્યા છે.
ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ માટે રાજકોટ મહાપાલિકાનું તંત્ર મુખ્ય જવાબદાર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ટેમ્પરરી સ્ટ્રેકચરને કોઈ મંજુરી ન હતી. ફાયર એનઓસી પણ લેવામાં આવી નહતી. છતા ચાર વર્ષેથી ગેમ ઝોન ધમધમતું હતુ. છતા કોર્પોરેશનના નિભંર તંત્રએ કોઈ કામગીરી હાથ ધરી નહતી.
તંત્રની જીવલેણ બેદરકારીના પાપે શનિવારે સર્જાયેલા અગ્નીકાંડમાં 30 થી વધુ નિદોષ લોકોના મોત નિપજયા હતા. આ ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટ રાજય સરકારની ઝાટકણી કરી હતી. રાજય સરકાર દ્વારા સોમવારે સવારે રાજકોટ મહાપાલિકાના ત્રણ કર્મચારીઓ માર્ગ અને મકાન વિભાગના બે તથા પોલીસ વિભાગના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા દરમિયાન કાલે સાંજે રાજકોટના પોલીસ કમિશનર સહિતના ત્રણ પોલીસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી કરી દેવામાં આવી હતી. રાજકોટના સીપી તરીકે બ્રિજેશ ઝા અને મ્યુનીસિપલ કમિશનર તરીકે ડી.પી. દેસાઈની નિયુકતી કરવામાં આવી છે. ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી. સાગઠીયા પાસેથી ચાર્જ આંચકી લેવામાં આવ્યો છે. તેઓનાં સ્થાને રૂડાના નગર નિયોજક એસ.એમ. પંડયાને ટીપીઓ તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
રાજય સરકારે આકરી કાર્યવાહી કર્યા બાદ હવે ભાજપ સંગઠન હાઈકમાન્ડ પણ આકરી કાર્યવાહી કરે તેવી સંભાવના જણાય રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના દંડક લીલુબેન જાદવ, દંડક મનિષ રાડીયા ઉપરાંત ખાસ સમિતિઓનાં ચેરમેનને પણ ઘર ભેગા કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
“કમલમ” આદેશ છૂટતાની સાથે જ પદાધિકારીઓ સામેથી ધડાધડ રાજીનામા આપી દે તેવું લાગી રહ્યું છે. હાલ રાજકોટ મહાનગરપાલિકામાં સ્મશાનવત શાંતી જોવા મળી રહી છે. કોઈ કશુ બોલવા તૈયાર નથી હવે કોનો વારો ચડશે? તે વિષય પર જ ચર્ચા ચાલી રહી છેે. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપ કોર્પોરેશન અને શહેર ભાજપના સંગઠન માળખામાં મોટા ફેરફાર કરે તેવું માનવામાં આવતું હતુ.
હવે આ પગલા થોડા વહેલા લેવામાં આવે તેવું માનવામાં આવી રહ્યુ છે. ગમે ત્યારે નવા જૂનીના એંધાણ વર્તાય રહ્યા છે. સંગઠન પર પણ ગાજ ઉતરે તેવી સંભાવના નકારી શકાતી નથી.
શાસક પાંખ પાસે જ કોર્પોરેશનનો મોટા ભાગનો “વહીવટ”
સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા લોકો પાસે જ તમામ પ્રકારનો વહીવટ રહેતો હોય છે ભલે તેઓને ચૂંટાયેલી પાંખ કે શાસક પાંખ કહેવામાં આવતી હોય પરંતુ અધિકારીઓએ તેઓને પૂછીને જ તમામ પ્રકારનો વહીવટ કરવો પડતો હોય છે. રાજકોટમાં અગ્નિકાંડની જે ઘટના સર્જાય તેના પાછળ ભલે અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવતા હોય પરંતુ પદાધિકારીઓ પણ ભારોભાર જવાબદાર છે. કારણ કે અધિકારીઓએ શાસકોના દબાણ હેઠળ કામ કરવું પડે છે અગ્નિકાંડમાં હાલ ભલે મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી દેવામાં આવી હોય, ટીપીઓ પાસેથી ચાર્જ આંચકી લેવામાં આવ્યો અને અન્ય ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા પરંતુ આ ઘટના પાછળ માત્ર અધિકારીઓ કે કર્મચારીઓ જ જવાબદાર છે તેવું નથી કોર્પોરેશનના મુખ્ય પદાધિકારીઓની પણ એટલી જ જવાબદારી છે.શહેરમાં નિયમ વિરુદ્ધ જે પણ કામ થાય છે તેમાં અધિકારીઓની મીલીભગત તો હોય જ છે. સાથે સાથ શાસકપાંખનું પણ દબાણ હોવાની ચર્ચા થઈ રહી છે.