- એલસીબીના કિશન આસોદરિયા, વરજાંગ મુળાસિયા અને હીના મેવાડાને પાણીચું આપતાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાત
અમરેલી લેટરકકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પાયલ ગોટીનું સરઘસ કાઢવા મામલે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની મોટી કાર્યવાહી સામે આવી છે. એલસીબીમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં નિષ્કાળજી બદલ એસપીએ આ કાર્યવાહી કરી છે. કિશન આસોદરિયા, વરજાંગ મુળાસિયા અને મહિલા પોલીસકર્મી હીના મેવાડા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ મોટો સવાલ એ છે કે, શું ત્રણ કોન્સ્ટેબલને પાણીચું આપી દેવાથી લેટરકાંડ વિવાદ ઠરી જશે? અમરેલીમાં બંધનું એલાન આપ્યા બાદ આજે પરેશ ધાનાણીએ સુરત ખાતે પણ આંદોલનના ભાગરૂપે બંધનું એલાન આપ્યું છે.
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું. જેમાં રાજ્યના નેતાઓથી લઈને
પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી જિલ્લા લેટરકાંડમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારી કિશનભાઈ આસોદરિયા, વરજાંગભાઈ મુળાસિયા અને મહિલા પોલીસકર્મી હીના મેવાડાને સસ્પેન્ડ કરાયા છે. તેમની સામે જિલ્લા પોલીસવડા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમની ફરજ દરમિયાન બેદરકારી અને નિષ્કાળજી બદલ જિલ્લા પોલીસવડા દ્વારા કડક કાર્યવાહી કરી છે.
પાયલ ગોટી મામલે એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી. જેમાં સિનિયર અધિકારીઓનો તેમાં સમાવેશ થયો હતો. બે મહિલા અધિકારીનો પણ સમાવેશ
થયો હતો. જે પ્રકારે પાયલ ગોટીને માર મારવાના કેટલાક આક્ષેપો થયા હતા સાથે સાથે તેનુ સરઘસ કાઢવામાં આવ્યાનો પણ એક આક્ષેપ હતો. તે મામલે પોલીસ કર્મચારીઓની ફરજ દરમિયાન બેદરકારી હોવાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ત્રણેય પોલીસ કર્મી લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા.
હવે જયારે ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે આ મામલો થાળે પડી જશે તેવો સવાલ ઉઠ્યો છે. અમરેલી જિલ્લો ગુજરાતના રાજકારણમાં સૌથી અલગ પડતું આવ્યું છે. રાજકીય નિષ્ણાંતોના મત અનુસાર યાદવાસ્થળી સમાન અમરેલીના રાજકારણમાં વર્ષોથી જૂથવાદ ચાલી રહ્યો છે. ભાજપના જ બે અલગ અલગ જૂથો એકબીજા સામે મેદાનમાં હોય ત્યારે લેટરકાંડમાં કોંગ્રેસ પણ આક્રમક થઈને બહાર આવી છે. પરેશ ધાનાણીએ શનિવારે અમરેલી બંધનું એલાન આપ્યું હતું જેને મિશ્ર પ્રતિસાદ મળ્યા બાદ આજે સુરત બંધનું એલાન આપ્યું છે. ત્યારે લેટરકાંડમાં સસ્પેનશન બાદ પણ ’પિક્ચર અભી બાકી હૈં મેરે દોસ્ત’ જેવો ઘાટ ઘડાયો છે.
શું છે ઘટનાક્રમ ?
કૌશિક વેકરીયા સામે આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો. જેમાં કૌશિક વેકરીયા પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો પત્રમાં આરોપ હતો. કોંગ્રેસના નેતાઓને મહત્વ આપતા હોવાનો પણ ઉલ્લેખ હતો. ત્યારે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે પત્ર વાયરલ થયો હતો. પત્ર પોતે ન લખ્યો હોવાનો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે ખુલાસો કર્યા બાદ કિશોર કાનપરીયાના ખુલાસા પછી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી અને ભાજપ નેતા સહિત પોલીસે 4ની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ નેતા મયુર વઘાસીયા મુખ્ય આરોપી હતો. ત્યારે યુવતીની અડધી રાત્રે ધરપકડ કરાઈ હતી. ટાઈપિંગનું કામ કરતી યુવતીએ માત્ર પત્ર ટાઈપ કર્યો હતો. કામના ભાગરૂપે ટાયપિંગ કરનાર યુવતીને પોલીસે આરોપી બનાવીને રિક્ધસ્ટ્રક્શનના નામે યુવતી સહિત ચારેય આરોપીનું સરઘસ કાઢ્યું હતું. આ ઘટનામાં યુવતીનું સરઘસ નીકળતા કોંગ્રેસ નેતાઓએ વિરોધ ઉઠાવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં રિક્ધસ્ટ્રકશનના નામે દીકરીના સરઘસને અયોગ્ય ગણાવ્યું છે.