- બોગસ દસ્તાવેજકાંડનો માસ્ટર માઈન્ડ ગોંડલનો?
- અગાઉ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કામ કરતો શખ્સ બનાવટી દસ્તાવેજ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર
- હર્ષ સોનીના 7 દિવસનાં રિમાન્ડ મંજુર કરતી અદાલત: પૂછપરછમાં વટાણા વેરાશે?
શહેરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ બની રહ્યાનો ઘટસ્ફોટ થયાં બાદ પ્ર.નગર પોલીસે તપાસ કરતા 17 જેટલાં બનાવટી દસ્તાવેજો સામે આવ્યા હતા અને સબ રજીસ્ટ્રાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર જયદીપ ઝાલા, અગાઉ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કામ કરતો હર્ષ સોહેલીયા અને એડવોકેટ કિશન ચાવડાનાં નામ ખુલ્યા હતા. જે પૈકી હર્ષ સોહેલીયા ઉર્ફે હર્ષ સોની આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ હોવાનું સપાટી પર આવ્યું હતું. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી જયદીપ ઝાલાની ધરપકડ કરી હતી જયારે હર્ષ અને કિશન ફરાર થઇ ગયાં હતા. હર્ષ સોનીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા 7 દિવસના રિમાન્ડ મંજુર થયાં છે. ત્યારે હવે સૂત્રોનાં જણાવ્યા અનુસાર બોગસ દસ્તાવેજ કૌભાંડનો માસ્ટર માઈન્ડ હર્ષ સોની નહિ પણ ગોંડલનો એક શખ્સ હોવાનું સામે આવ્યું છે. જે અગાઉ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે કામ કરતો હતો અને હર્ષ આ શખ્સને ’સાહેબ’ તરીકે સંબોધતો હતો.
સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો રાજકોટ સબ રજીસ્ટર ઝોન-1 માં સબ રજીસ્ટર તરીકે ફરજ બજાવતાં અતુલભાઈ મધુભાઈ દેસાઈએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હર્ષ સોહેલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ડી ચાવડાનું નામ આપતાં પ્રદ્યુમનનગર પોલીસે આઈપીસી 420, 464, 467, 468 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અગાઉ જયદીપ ઝાલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ ફરિયાદ થયાના પખવાડિયા પછી ગઇકાલે પોલીસ દ્વારા મુખ્ય આરોપી હર્ષ સોનીની અમદાવાદનાં વેજલપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ફરિયાદ થયાથી આજદિન સુધી આરોપી રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અલગ-અલગ શહેરોમાં નાસતો ફરતો હોવાનું સામે આવ્યું છે. જયારે અન્ય એક આરોપી કિશન ચાવડા તેની સાથે હોવાની પોલીસને શંકા હતી પરંતુ, તે હજુ સુધી મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને હવે આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ અર્થે આરોપી હર્ષ સોનીને 10 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા 7 દિવસના રિમાન્ડ મંજુર થયાં છે.
સમગ્ર કૌભાંડથી વાકેફ સૂત્રનાં જણાવ્યા અનુસાર હર્ષ સોની જયારે સબ રજીસ્ટ્રાર કચેરીમાં કામ કરતો હતો ત્યારે રાજકોટ જિલ્લાના અન્ય એક તાલુકાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોકરી કરતા અને પોતાના નામમાં ’ગેસ’ જેવો શબ્દ ધરાવતા શખ્સનો સંપર્ક થયો હતો. જે શખ્સ અગાઉથી જ બોગસ દસ્તાવેજ બનાવતો હતો. હર્ષને પૈસાની જરૂર હોય તેણે પણ ગેસ જેવા શખ્સ પાસેથી બોગસ દસ્તાવેજ બનાવવાનું શીખ્યું હતું અને ત્યારબાદ બંનેએ સાથે મળીને કૌભાંડ શરૂ કર્યું હતું.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર ’ગેસ’ જેવા શખ્સને હર્ષ સોની ’સાહેબ’ તરીકે સંબોધતો હતો અને સાહેબનાં દોરી સંચાર હેઠળ જ આખું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. જો પોલીસ દ્વારા હર્ષની કોલ ડિટેઇલ્સ અને વોટ્સઅપ કોલિંગનાં ડેટા ચકાસવામાં આવે તો ગોંડલનાં શખ્સ સાથે હર્ષ દિવસભરમાં ડઝનેક વાર વાત કરતા હોવાની ચોકાવનારી વિગત સાંપડી શકે છે. જો કે, રિમાન્ડ દરમિયાન પોલીસ હર્ષ પાસેથી કૌભાંડનું મૂળ અને દસ્તાવેજ બનાવી લેનાર મોટા માથાઓનું નામ કઢાવી શકશે કે પછી માસ્ટર માઈન્ડ હાથમા આવી ગયાનો સંતોષ માની બેસી જશે તે પણ એક સવાલ છે.
બોગસ દસ્તાવેજ કૌભાંડ આચરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
ગેસ જેવો શખ્સ અગાઉ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે નોકરી કરતો હતો ત્યારે જમીનનાં અમુક કાગળો જયારે માલિકનાં ઘરે ટપાલથી મોકલવામાં આવતા હોય પણ ત્યાં કોઈ હાજર નહિ હોવાથી ટપાલ પરત આવી જતી હતી. જેથી ગેસ જેવા શખ્સની નિયત બગડી હતી અને ત્યારબાદ ટપાલ પરત આવી ગયેલી જમીનનાં માલિક સહીતની તપાસ કરતો હતો અને ત્યારબાદ કોઈ ધણી ધોરી ન હોય તેવી જમીનને ટાર્ગેટ કરતો હતો. બાદમાં હર્ષનો સંપર્ક કરતા સરકારી જમીનનાં પણ બોગસ દસ્તાવેજ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.
હર્ષનું ‘મોઢું’ બંધ રખાવવામાં કોને રસ?
ધરપકડ થયાં બાદ પ્રાથમિક પૂછપરછમાં જ હર્ષે અમુક મોટા માથાના નામ બકી દેતા મુન્નાભાઈ એમબીબીએસને પોલીસે તેડું મોકલ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે. હર્ષની મદદથી અનેક જમીનનાં ઓપરેશન કરી નાખનાર મુન્નાભાઈ એમબીબીએસએ હર્ષને કામ કરાવી પૈસા નહિ ચૂકવ્યાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે હવે તપાસનો રેલો આવતા મુન્નાભાઈ એમબીબીએસએ લાખેણો નૈવેદ્ય ધરવાની ઓફર કર્યાનું જાણકારોમાં ગણગણાટ છે. જો કે, આ ઓફર પોલીસે ઠુકરાવી કે અપનાવી તે અંગે કોઈ માહિતી નથી. બીજી બાજુ અગાઉથી જ હર્ષનું મોઢું બંધ રહે અથવા તો હર્ષ મોઢું ખોલે તે પૂર્વે જ ગોઠવણી કરવા રઘવાયા બનેલા મહાભારતનાં પાંડવો જેવું નામ ધરાવતા શખ્સ, એક સાડા ત્રણ અક્ષરનાં નામધારી અને બજારમાં બાપુ જેવા નામથી ઓળખાતા શખ્સ સહીતની પણ આ કૌભાંડમાં ભૂમિકા હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
હર્ષની ટીપ આપનાર બાપુનો ‘હાથ’ ઉપર રહ્યો?
હર્ષ રાજકોટથી ફરાર થયાં બાદ રાજસ્થાન, મુંબઈ જેવા સ્થળોએ નાસતો ફરતો હતો. જે બાદ હર્ષ નાટકીય ઢબે અમદાવાદ આવ્યો અને ત્યારબાદ પોલીસે તાત્કાલિક વેજલપુરથી ધરપકડ કર્યાનું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે એક સૂત્રનાં જણાવ્યા અનુસાર બાપુ નામના શખ્સે જ હર્ષને રજૂ થઇ જવા જણાવ્યું હોય અને ત્યારબાદ પોતે જ ટીપ આપતા હર્ષની ધરપકડ થઇ હતી.