જય વિરાણી, કેશોદ: કેશોદ નગર પાલિકા દ્વારા 10% સફાઈ અને દીવાબત્તી વેરો વધારો નાખવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. એટલું જ નહીં આ વેરા વધારા સામે શહેર કોંગ્રેસ કાર્યકાર્તાઓ દ્વારા ઉપવાસ આંદોલન છેડાયું હતું. પરંતુ હાલ આ ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે. પાલીકા ચીફ ઓફીસર, પ્રમુખ સહિતના સભ્યોએ ઉપવાસી છાવણીની મુલાકાત લઇ કોંગ્રેસ કાર્યકાર્તાઓના પારણાં કરાવ્યાં છે. આમ, 12 દિવસથી ચાલતા કોંગ્રેસનાં ઉપવાસ આંદોલનનો અંતે અંત આવ્યો છે.

આગામી જનરલ બોર્ડની મિટિંગમાં પાલીકા વેરા ઘટાડાનો ઠરાવ પસાર કરવામાં આવશે. વેરામાં ઘટાડો કરવાના આ પ્રસ્તાવને બેઠકમાં મૂકી પ્રાદેશીક કચેરીએ મોકલવામાં આવશે તેવી લેખિત બાંહેધરી આપતાં પાલીકા ચીફ ઓફીસર, પ્રમુખ સહિતના સભ્યોએ આપતા અંતે આ આંદોલનનો અંત આવ્યો છે. જો કે કેશોદવાસીઓ પર ઝીંકાયેલો આ વેરો વધારો પાછો ખેંચાશે કે કેમ ? તે આગામી સમયમાં જોવાનું રહ્યું.

જણાવી દઈએ કે કેશોદમાં ચારચોક ખાતે કોંગ્રેસ શહેર કાર્યકર્તાઓ તંત્ર સામે અનિશ્ચિછત સમય સુધી ઉપવાસ પર ઉતર્યા હતા. વેરો વધારો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ પર રહેવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. કોંગી સભ્યોની માંગ છે કે નગર પાલિકા દ્વારા વેરામાં જે 10% નો વધારો કરવામાં આવ્યો છે, તેને પાછો ખેંચવામાં આવે. કોંગ્રેસ સમિતીએ આ અગાઉ પણ પાલીકાને નિવેદન આપ્યું હતું. કોંગી કાર્યકર્તાઓ દ્વારા આપેલ આવેદનમાં કહ્યું હતું કે, જો સફાઈ અને દીવાબત્તીમાં વઘારેલો વેરો પાછો ખેંચવામાં નહીં આવે તો તેઓ ઉપવાસ પર ઉતરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.