કર્ણાટકના ૮૬૫ ગામોને મહારાષ્ટ્રમાં જોડવા શિંદે સરકારે ઠરાવ પસાર કર્યો !!
મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો સીમા વિવાદ હવે સુપ્રીમ કોર્ટના દ્વાર સુધી પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક બંને રાજ્ય સરકારો ૮૬૫ ગામો તેમના પ્રદેશમાં સમાવિષ્ટ કરવા દાવો કરી રહ્યા છે. આ પ્રદેશોને પોતાના રાજ્યમાં સમાવિષ્ટ કરવા માટે અગાઉ કર્ણાટક સરકારે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને હવે ૮૬૫ ગામડાઓને મહારાષ્ટ્રમાં સમાવિષ્ટ કરવા મહારાષ્ટ્ર સરકારે પણ વિધાનસભા ગૃહમાં ઠરાવ પસાર કરી દીધો છે.
બંને રાજ્યોની રાજકીય સમીકરણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં ભાજપના સમર્થનવાળી એકનાથ શિંદેની સરકાર છે. જ્યારે બીજી બાજુ કર્ણાટકમાં પણ બસવરાજ બોમ્મઇની આગેવાનીવાળી ભાજપની જ સરકાર છે. ત્યારે બંને રાજ્યના મુખ્યમંત્રીઓ સીમા વિવાદને લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા પરંતુ બંને રાજ્યોમાં ભાજપની સરકાર હોવાથી કેન્દ્ર સરકારે કોઈ એક રાજ્યનું સમર્થન કર્યું ન હતું ત્યારે હવે સીમા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ જ નિર્ણય લે તેમાં જ સૌને રસ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે વિધાનસભામાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ રજૂ કરતા તેમણે કહ્યું કે, કોઈપણ સંજોગોમાં, કર્ણાટકના બેલગામ, કારવાર, નિપાની, ભાલકી, બિદર શહેરોના ૮૬૫ મરાઠી ભાષી ગામોને સમાવવા માટે સુપ્રીમ કોર્ટમાં તમામ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
શિંદેએ કહ્યું કે, કેન્દ્ર સરકારે કર્ણાટક સરકારને કેન્દ્રીય ગૃહ પ્રધાન સાથેની બેઠકમાં લેવાયેલા નિર્ણયને લાગુ કરવા અને સરહદી વિસ્તારોમાં મરાઠી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરવી જોઈએ.
આ પહેલા ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આશા વ્યક્ત કરી હતી કે, આ પ્રસ્તાવ બહુમતીથી પસાર થઈ જશે. આ સાથે તેમણે શિવસેનાના નેતા અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે પર વળતો પ્રહાર કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના તેમના પર વળતો પ્રહાર કરતાં ફડણવીસે કહ્યું, મને નવાઈ લાગે છે કે ગઈકાલે જે લોકો બોલી રહ્યા હતા. તેમણે ૨.૫ વર્ષ સુધી સીએમ રહીને કશું કેમ કર્યું નહીં. અમારી સરકાર બન્યા પછી સરહદ વિવાદ ઊભો થયો નથી.
ફડણવીસે કહ્યું કે આ વિવાદ મહારાષ્ટ્રની રચના અને ભાષાકીય આધાર પર રાજ્યોની રચના સમયે શરૂ થયો હતો. વર્ષોથી આ વિવાદ ચાલી રહ્યો છે. અમે આ મામલે ક્યારેય રાજનીતિ નથી કરતા અને આશા રાખીએ છીએ કે કોઈ આ મામલે રાજનીતિ ન કરે. ફડણવીસે કહ્યું કે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને એવું લાગવું જોઈએ કે સમગ્ર મહારાષ્ટ્ર તેમની સાથે છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના બાલાસાહેબ ઠાકરે જૂથના નેતા ઉદ્ધવ ઠાકરેએ સરહદ વિવાદને લઈને શિંદેના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે તેમણે કેન્દ્ર સરકારને આ વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરવાની માંગ કરી હતી. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી કર્ણાટકના વિવાદિત વિસ્તારોને ‘કર્ણાટક અધિકૃત મહારાષ્ટ્ર’ (કોમ) તરીકે ઓળખાવે છે. તેમણે માંગ કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલી દરખાસ્તમાં આ માંગનો સમાવેશ થવો જોઈએ.
આ દરમિયાન એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના વિપક્ષી નેતા અજિત પવારે કહ્યું કે સરહદ વિવાદ અંગે લાવવામાં આવેલા ઠરાવ પર વિચાર કરવો જોઈએ. અમે અમારો અભિપ્રાય રાખીશું. અમે સરહદી મહારાષ્ટ્રીયન લોકો સાથે છીએ. જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે કેન્દ્ર સરકાર વિવાદિત વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી શકે છે કે કેમ તે જોવાનું પણ મહત્વનું રહેશે.
દરમિયાન, વિપક્ષના ધારાસભ્યોએ નાગપુર વિધાનસભા ભવનના પગથિયાં પર અનોખો વિરોધ કર્યો હતો. પરંપરાગત મરાઠી લોકગીતો ગાયને તેમણે રાજ્ય સરકારની નીતિઓ, કથિત હેરાફેરી અને શિંદે સરકારમાં મંત્રીઓના કથિત ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યો હતો.
નાગપુરમાં સ્થિત મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોમાં આજે વિપક્ષે સીએમ એકનાથ શિંદે અને મંત્રી અબ્દુલ સત્તારના રાજીનામાની માંગ સાથે હંગામો મચાવ્યો હતો. મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના સભ્યોએ હાથમાં કરતાલ સાથે પ્રદર્શન કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે, એકનાથ શિંદે સરકાર ભ્રષ્ટાચારમાં સામેલ છે. કૃષિ મંત્રી સત્તાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે જ્યારે તેઓ અગાઉની મહા વિકાસ આઘાડી(એમવીએ) સરકારમાં મંત્રી હતા ત્યારે તેમણે ચારનોઈની જમીન ખાનગી લોકોને ટ્રાન્સફર કરી હતી. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે ગયા અઠવાડિયે સત્તારને આ મામલે નોટિસ આપી છે.
વિવાદિત વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવો જોઈએઃ ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે આજના ઠરાવને સમર્થન આપ્યું છે. મહારાષ્ટ્રના પક્ષમાં જે પણ થશે અમે તેને સમર્થન આપીશું. પરંતુ હજુ ઘણા પ્રશ્નો છે. બે વર્ષથી વધુ સમયથી લોકો (સીમાવર્તી વિસ્તારોમાં રહેતા) તેમને મહારાષ્ટ્રમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે, અમે તેના વિશે શું કરી રહ્યા છીએ. જેના જવાબમાં સરકારે કહ્યું છે કે, વિવાદિત વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી શકાય નહીં. જો કે હવે સ્થિતિ પહેલા જેવી રહી નથી. કર્ણાટક સરકાર તેનું પાલન કરી રહી નથી. તેઓ ત્યાં વિધાનસભા સત્ર યોજી રહ્યા છે, જેને બેલાગવી નામ આપવામાં આવ્યું છે. તેથી આપણે સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરવા માટે કહેવું જોઈએ.
કર્ણાટક-મહારાષ્ટ્ર સીમા વિવાદ પ્રકાશમાં આવતા વિદર્ભનો મુદ્દો ભુલાયો !!
મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદને કારણે અલગ વિદર્ભ રાજ્યની લગભગ સો વર્ષ જૂની માંગ હવે ભુલાઈ ગયો છે. કોરોના મહામારીને કારણે બે વર્ષ બાદ નાગપુરમાં યોજાઈ રહેલા શિયાળુ સત્રમાં અલગ વિદર્ભનો મુદ્દો લગભગ ગાયબ થઈ ગયો છે. સંયુક્ત મહારાષ્ટ્રનો ભાગ બન્યા પછી નાગપુર મહારાષ્ટ્રની નાયબ રાજધાની બની ગઈ છે. ૨૮ સપ્ટેમ્બર ૧૯૫૩ ના રોજ હસ્તાક્ષર કરાયેલ નાગપુર કરાર હેઠળ મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર દર વર્ષે નાગપુરમાં યોજાય છે. અલગ વિદર્ભ રાજ્યના મુદ્દે અગાઉ પણ સતત માર્ચ અને દેખાવો થયા છે.
આ વખતે પણ સત્રના બીજા દિવસે પૂર્વ ધારાસભ્ય બમનરાવ ચટપના નેતૃત્વમાં એક નાનકડી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તેનો પડઘો ગૃહમાં સંભળાયો નહોતો. શરૂઆતમાં વિદર્ભના આઠ જિલ્લાઓ સંયુક્ત મહારાષ્ટ્રનો ભાગ બન્યા હતા જે હવે ૧૧ જિલ્લામાં પરિવર્તિત થયા છે. શાસક ભાજપ વિદર્ભ રાજ્યનો પ્રબળ સમર્થક રહ્યો છે, પરંતુ હવે પક્ષના નેતાઓ વિદર્ભ રાજ્ય વિશે ચર્ચા માત્ર પણ કરતા નથી.