છેલ્લા એક દાયકાથી યથાવત્ રહેલા જંત્રીનો દર સુધારવા સુપ્રીમ કોર્ટમાં અરજી: રાજ્યમાં વર્ષ ૨૦૧૧માં જમીનની જંત્રીની કિંમતમાં વધારો કરાયો હતો
ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજી ફગાવવામાં આવતા સુપ્રીમ કોર્ટમાં અરજી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રાજ્ય સરકાર અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પને નોટિસ પાઠવી
ગુજરાત રાજ્યમાં છેલ્લા એક દાયકાથી જંત્રી દરમાં કોઈ ફેરફાર કરાયો ન હોય આ મામલે હાઇકોર્ટમાં અરજી થઈ હતી. આ અરજી હાઇકોર્ટે ફગાવી દેતા સુપ્રીમમાં ઘા નાખવામાં આવ્યો હતો. હવે આ મામલે સુપ્રીમ મહત્વપૂર્ણ ફેંસલો સંભળાવે તો નવાઈ નહિ. ટૂંકમાં સુપ્રીમનો ઝાસો સરકારને જંત્રી દરમાં ફેરફાર કરવા મજબૂર કરશે કે કેમ તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
ગુજરાતમાં જમીન-મકાનની જંત્રીના દરમાં પરિવર્તનની માગ સાથે થયેલી અરજીમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી છ સપ્તાહ બાદ હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, જંત્રીનો ઉપયોગ માત્ર સ્ટેમ્પ ડયુટી માટે નહીં, પરંતુ જુદા જુદા વીસ કાયદાઓમાં થાય છે. વિવિધ કાયદા હેઠળ કર, ફરજો, પ્રિમિયમ એકત્રિત કરવા માટે થાય છે. આ ઉપરાંત, જાહેર હરાજી અથવા દેવાની પુન:પ્રાપ્તિ જેવી જુદીજુદી કાર્યવાહીમાં જમીનના ભાવને ઠીક કરવા માટે જંત્રીનો ઉપયોગ થાય છે. ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજી ફગાવવામાં આવી હોવાથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
રાજ્યમાં વર્ષ ૨૦૧૧માં જમીનની જંત્રીની કિંમતમાં વધારો કરાયો હતો. આ પછી, તેમાં કોઈ વધારો થયો નથી. હાલ બજારભાવ ૧૪૦૦ ગણા થયા છે, જ્યારે જંત્રીના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. જેના લીધે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને રાજ્ય સરકારને નાણાકીય નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દા પર કરાયેલી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
ગુજરાત સ્ટેમ્પ્સ એક્ટ-૧૯૫૮ની જોગવાઈઓ હેઠળ સ્ટેમ્પ ડયુટીની ગણતરી અને વસુલવામાં આવે છે. કૃષિ જમીનોની ટ્રાન્સફર સામે સ્ટેમ્પ ડયુટીની ગણતરી અને વસુલવા થાય છે. ગુજરાતમાં જમીનના કુલ ૯.૯ ટકા જંત્રી મુલ્યને સ્ટેમ્પ ડયુટી તરીકે ગણવામાં આવે છે અને જમીનના સ્થાનાંતરણ સામે તે વસુલવામાં આવે છે. શહેરી વિસ્તારમાં બિનખેતી ઉપયોગ માટે જમીન સ્થાનાંતરિત કરવા માટે , જમીનના જંત્રી મૂલ્યના ૪૦ ટકા દરે ગણાય છે, જ્યારે કૃષિ ઉપયોગ માટે જમીનના સ્થાનાંતરણ માટે શહેરી વિસ્તારોમાં ૨૫ ટકા જંત્રી મુલ્ય છે.
રાજ્યમાં વર્ષ ૨૦૧૧માં જમીનની જંત્રીની કિંમતમાં વધારો કરાયો હતો. આ પછી, તેમાં કોઈ વધારો થયો નથી. હાલ બજારભાવ ૧૪૦૦ ગણા થયા છે, જ્યારે જંત્રીના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. જેના લીધે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને રાજ્ય સરકારને નાણાકીય નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દા પર કરાયેલી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે જંત્રી દરમાં છેલ્લા એક દાયકાથી વધારો ન થવાથી ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઇ રહ્યા છે. આ આક્ષેપો સાથે અરજદારે હાઇકોર્ટમાં ઘા નાંખ્યો હતો પરંતુ તેને સફળતા ન મળતા તેને ફરી સુપ્રીમ કોર્ટમાં ઘા નાખ્યો છે. હવે જો આવનાર દિવસોમાં સુપ્રીમ કોર્ટ જંત્રી દર મુદ્દે કોઇ મહત્વપૂર્ણ ફેંસલો જાહેર કરે તો નવાઇ નહીં. સુપ્રીમ કોર્ટે ગઇકાલના રોજ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સુપ્રીટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પને નોટિસ પાઠવતા સોંપો પડી ગયો છે. જો કે વિવિધ મથકો ખાતેથી જંત્રીદરમાં ફેરફારની માંગ ઉઠી રહી છે તે હવે પ્રબળ બનવાની છે તે નક્કી છે.