હૈદરાબાદનું મુખ્ય પાસુ તેના ઈન્ફોર્મ બોલરો
આઈપીએલની ૧૩મી સીઝનનો એલમીનેટર મેચ આરસીબી એટલે કે બેંગલોર અને હૈદરાબાદ વચ્ચે રમાયો હતો જેમાં હૈદરાબાદે બેંગલોરને ૬ વિકેટે માત આપી હતી. કોહલીની આરસીબી સતત પાંચમી હાર સાથે આઈપીએલમાંથી બહાર થઈ ગઈ છે ત્યારે હવે ફાઈનલમાં મુંબઈ સામે ટકરાવવા માટે બીજો કવોલીફાયર મેચ દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે રમાશે. હૈદરાબાદની ટીમમાં મહત્વપૂર્ણ યોગદાન દેનારા તેમના બોલરો મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે સામે હૈદરાબાદના બેટસમેન મનિષ પાંડેનું પણ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. વાત કરવામાં આવે હૈદરાબાદની તો હૈદરાબાદ તરફથી એકમાત્ર કેન વિલિયમ્સને અર્ધ સદી ફટકારી નાબાદ રહ્યો હતો. ટીમના નામાંકિત ખેલાડીઓ ડેવીડ વોર્નર, મનિષ પાંડે નિષ્ફળ નિવડયા હતા. જેસન હોલ્ડરે પણ ૨૪ રનની ઈનીંગ રમી ટીમને વિજય અપાવ્યો હતો. બેંગલોર તરફથી સર્વાધિક ૨ વિકેટ મોહમંદ સીરાજ દ્વારા લેવામાં આવી હતી જયારે એનીમેટર મેચમાં એડમ જેમ્પા અને યજુવેન્દ્ર ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.
ટોસ જીતી હૈદરાબાદે પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લેતા આરસીબીને ૧૩૧ રને સીમીત રાખ્યું હતું. ઓપનીંગ કરવા આવેલ ટીમના સુકાની વિરાટ કોહલી માત્ર ૬ રન જ બનાવી શકયા હતા. સાથો સાથ દેવદૂત પડીકર પણ નિરાશાજનક પ્રદર્શન કરી ૧ રનનું જ યોગદાન આપ્યું હતું. એરોન ફિન્ચ અંગે જો વાત કરવામાં આવે તો તેને માત્ર ૩૨ રન જ નોંધાવ્યા હતા. ટીમ માટે અર્ધ સદી ફટકારનાર એબી ડીવીલીયર્સ ૫૬ રનનું યોગદાન આપી નટરાજનની બોલીંગમાં કલીન બોર્ડ થયો હતો. સનરાઈઝર્સ તરફથી બોલીંગ કરવા આવેલા જેસન હોલ્ડરે ૩ જયારે નટરાજને ૨ વિકેટ ઝડપી હતી. સાથો સાથ સાબાશ નદીમે પણ એક વિકેટ લઈ બેંગલોરને ૧૩૧ રન પર સીમીત રાખ્યું હતું. હાલ હૈદરાબાદ માટે તેનું મુખ્ય પાસુ બોલીંગ બન્યું છે ત્યારે કવોલીફાયર-૨માં શકયતા એ પણ સેવાઈ રહી છે કે, હૈદરાબાદના બોલરો દિલ્હીનો અસ્ત કરશે કે કેમ? જો હૈદરાબાદ દિલ્હી સામે બીજા કવોલીફાયર મેચમાં જીતશે તો તે સીધુ મુંબઈ સામે ફાઈનલ મેચમાં જોવા મળશે.
હૈદરાબાદ અંગે જો વાત કરવામાં આવે તો હૈદરાબાદ માટે જો ચિંતાનો વિષય બન્યું હોય તો તેની બેટીંગ લાઈનઅપ છે. વિશ્ર્વના વિસ્ફોટક ખેલાડીઓ હોવા છતાં પણ હૈદરાબાદ પોતાનું ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરવામાં ઘણીખરી વખત નિષ્ફળ નિવડયું છે સામે બોલરોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી ટીમને અનેકવિધ વખત વિજય પણ પ્રાપ્ત થયો છે ત્યારે બીજો કવોલીફાયર મેચ જે દિલ્હી સામે રમાવવા જઈ રહ્યો છે તે અત્યંત રોમાંચકભર્યો બની રહેશે.