રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે
કોરોનાની બીજી લહેરમાં અતિસંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે આ વર્ષે સીબીએસઈની ધો.10ની પરીક્ષા રદ કર્યા બાદ અંતે ગુજરાત સરકારે પણ ધો.10ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.નિયમિત રીતે માર્ચમા લેવાતી બોર્ડ પરીક્ષા કોરોનાને લીધે મોકુફ કરી 10મીમેથી લેવાનુ જાહેર કરાયુ હતુ અને કોરોનાના કેસ મોટી સંખ્યામાં વધતા સરકારે 10મી મેથી લેવનારી પરીક્ષા પણ મોકુફ કરી દીધી હતી. ત્યારે રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. ત્યારે હવે આજે અથવા તો કાલે બપોર સુધીમાં ધોરણ.12ની પરીક્ષા અંગે પણ રાજ્ય સરકાર પોતાનો નિર્ણય જાહેર કરી દેશે. જો કે ધો.10માં માસ પ્રમોશન આપ્યા બાદ હવે ધોરણ 12નો આખરી નિર્ણય વિદ્યાર્થીઓના ભાવિની દિશા-દશા બદલી નાખશે કે કેમ? સૌ કોઈ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળાના સંચાલકો પણ નિર્ણયની રાહ જોઈ બેઠા છે. જોકે બીજી બાજુ ધો.12ની પરીક્ષા લેવાશે તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
ધો.10માં માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે એવું સૂત્રોનું કહેવું છે.ધો.10માં માસ પ્રમોશનથી અનેક સમસ્યા સર્જાશે. જો તેનો ઉકેલ નહીં લવાય તો શિક્ષણની ગુણવત્તાના સ્તરમાં ઘટાડો થશે અને લાંબા ગાળે નકારાત્મક અસરો પડશેહાલ ધો.9 સુધી માસ પ્રમોશન પછી વિદ્યાર્થીઓને ધો.10માં પણ માસ પ્રમોશન અપાતા ધોરણ 11માં 20 ટકા વધારવા પડશે.તે જ પ્રમાણે શિક્ષકોની પણ ત્વરિત ભરતી કરવી પડશે. આ સાથે જ આ વિદ્યાર્થીઓને ધો. 11મા તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ કેવી રીતે અપાશે? આ બાબતને લઈને પણ પ્રશ્નાર્થ છે. ધો.10માં મહેનત કરનારા અને મહેનત ન કરનારા તમામ વિદ્યાર્થીઓને એક સમાન માસ પ્રમોશન આપવાથી આ વિદ્યાર્થીઓનું ધો.11 અને 12ના પરિણામ ઓવરઑલ નબળું આવશે. સરકારે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારે પરીક્ષા યોજીને વર્ગ બઢતી આપી હોત તો આદર્શ સ્થિતિ હોત. આવી જ રીતે ધો.12માં પણ જો માસ પ્રમોશન અપાય તો વિવિધ પ્રશ્નો સર્જાશે.હવે, મુખ્યમંત્રી રૂપાણીએ કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને વિચાર-વિમર્શ બાદ ધોરણ-10 એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે તેમ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ-10 (એસ.એસ.સી.)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાપાત્ર થશે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, કોર કમિટિમાં મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ-10 (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા રિપિટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર (નિયમિત) વિદ્યાર્થી તરીકે ધોરણ-10માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે પરંતુ તેઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી.
ગુજરાત બોર્ડ વાળી CBSE કરશે?
કેન્દ્ર સરકારે સીબીએસઇ બોર્ડ ધોરણ 10ની પરીક્ષા રદ કર્યા બાદ હવે ગુજરાત સરકારે પણ ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. ત્યારે આજે અથવા તો કાલે ગુજરાત શિક્ષણ બોર્ડ દેરા ધો.12 અંગેનો પણ નિર્ણય લેવાઈ જશે. જો કે ધોરણ 12ની પરીક્ષા લેવી જરૂરી પણ છે. જો તેમાં પણ માસ પ્રમોશન આપવામાં આવે તો , ચાલુ વર્ષે કોલેજોમાં ભારે ઘસારો જોવા મળશે. આ ઉપરાંત શિક્ષણનું સ્ટાર ઘટશે, વર્ગોમાં વધારો થશે, પ્રવેશ કાર્યવાહી સહિતના પ્રશ્નો ઉદભવશે. જો કે હવે આજ સાંજ અથવા તો કાલ બપોર સુધીમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ અંગે પણ નિર્ણય થઈ જશે. ત્યારે શું ગુજરાત બોર્ડ જે નિર્ણય લેશે તે સીબીએસઇ પણ કરશે? તેના પણ સૌ કોઈની મીટ છે.