અયોધ્યા મુલાકાત દરમિયાન શ્રી શ્રી બન્ને પક્ષે સમાધાનકારી વલણ લાવવા પ્રયાસ કરશે
આર્ટ ઓફ લીવીંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર આગામી તા.૧૬મીએ અયોધ્યાની મુલાકાત લેશે. જયાં તેઓ રામ જન્મભૂમિ વિવાદમાં સામેલ તમામ પક્ષોના વડાઓ સાથે સમાધાનકારી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે. અગાઉ પણ કેટલાક સંગઠનોએ આ વિવાદમાં શ્રી શ્રી રવિશંકરના માધ્યમથી શાંતિપૂર્ણ ઉકેલ લાવવામાં આવે તેવો મત વ્યકત કર્યો હતો. શ્રી શ્રી રવિશંકર સીયા સમાજના વડાને પણ મળ્યા હતા. ત્યારબાદ આ મામલે શાંતિપૂર્ણ ઉકેલ આવે તેવી આશા જોવા મળી હતી.
શ્રી શ્રી રવિશંકરની મધ્યસ્થિથી રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદનો વિવાદનો ઉકેલ લવાય તેવી શકયતા છે. તેમણે આ મામલે કહ્યું હતું કે, મારો કોઈ પર્સનલ એજન્ડા નથી. માટે હું તમામ પક્ષોને સાથે લાવવાનો પ્રયાસ કરીશ. હું ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત કરીશ.
વર્ષોથી ચાલી રહેલો રામ જન્મભૂમિ વિવાદ કોઈ સામાજિક-ધાર્મિક આગેવાનની મધ્યસ્થિથી ઉકેલાઈ શકે તેમ છે. હાલ આ કેસ અદાલતમાં છે, બન્ને પક્ષે સમાધાનકારી વલણ લોકોને ધાર્મિક રાહત આપી શકે છે. શ્રી શ્રી રવિશંકર ઘણા સમયથી આ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ત્યારે ૧૬મી નવેમ્બરે તેમની અયોધ્યા મુલાકાત આ મુદ્દે નિર્ણાયક સાબીત થઈ શકે છે.