જામનગર એસપીની ડીજીએ પીઠ થાબડી!!
રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં ગુનેગારોનો સફાયો કરવાના રાજયના પોલીસ વડાના આદેશ તો શું અત્યાર સુધી ગુનાખોરી ફાલી ફુલી’તી?
જામનગર પંથકમાં મોટી કંપનીમાં કોન્ટ્રાકટ મેળવવા ચાલતા વિવાદ અને હરિફાઇના કારણે પોલીસ અધિકારીઓ અને રાજકીય નેતાઓ આમને સામને આવી જતાં હાલારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને પોલીસના મોરલનો સવાલ ઉભો થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના દિપેન ભદ્રનને જામનગર જિલ્લા પોલીસ વડા તરીકે નિમણુંક આપવામાં આવી છે. એસપી ભદ્રને ચાર્જ સંભાળી પોલીસ ડીપાર્ટમેન્ટમાં શરૂ કરેલી બદલીના દોર અને કરેલી કામગીરીથી પોલીસનું મોરલ ઉંચુ આવશે તેવી ચર્ચા પોલીસબેડામાં ચર્ચા શરૂ થઇ છે.
જામનગર જિલ્લામાં પોલીસ વડા શ્ર્વેતા શ્રીમાળીની અચાનક બદલી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દિપેન ભદ્રનની જામનગરના એસપી તરીકે થયેલી નિમણુંક અને રાજય સભાના સાંસદ પરિમણ નથવાણીએ કાયદો અને વ્યવસ્થા અંગે કરેલી ટવીટથી જામનગર પંથકમાં રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારી વચ્ચે વિવાદના વમણ સર્જાતા હાલારના રાજકારણમાં ગરમાયું છે. ત્યારે ગેંગસ્ટર જયેશ પટેલ દ્વારા આચરવામાં આવેલી ગુનાખોરીને આગળ ધરીને રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓ પોતાના ધાર્યા નિશાન પાર પાડી રહ્યા છે.
બીજી તરફ નવનિયુકત એસપી દિપેન ભદ્રને જામનગર જિલ્લાના પોલીસબેડામાં ધરખમ ફેરફાર કરી પોલીસનું મોરલ ઉંચુ આવશે તેવો સવાલ થઇ રહ્યો છે. જામનગર જિલ્લાના પોલીસ ડીપાર્ટમેન્ટમાં બદલીથી જ કામ પુરૂ થાય તેમ નથી જયેશ પટેલ કંઇ રીતે ગેંગસ્ટર બન્યો અને તેને કોના ઇશારે ગુનાખોરી આચરી રહ્યો છે તે અંગે નક્કર કાર્યવાહી કરવી જરૂરી બની છે.
જામનગર જિલ્લામાં દિપેન ભદ્રને ચાર્જ સંભાળતાની સાથે જ ૪૧ જેટલા પેરોલ જંપ અને વોન્ટેડ શખ્સોની ધરપકડ કરવામાં આવતા રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા નવનિયુકત એસપી દિપેન ભદ્રનની પીઠ થાબડી શાબાસી આપી છે. એક જ સપ્તાહમાં ૪૧ વોન્ટેડ શખ્સોને દિપેન ભદ્રનની ટીમે પકડયા કે પછી અગાઉના પોલીસ સ્ટાફ દ્વારા કરાયેલી કામગીરીને દિપેન ભદ્રનના ખાતે ચડાવી ઉંધા ચશ્મા પહેરાવવામાં આવી રહ્યા છે. ૪૧ વોન્ટેડને પકડવાની કામગીરી જામનગર પોલીસે ઓગસ્ટ માસમાં કરી હતી ત્યારે એસપી દિપેન ભદ્રન જામનગર જિલ્લામાં નિમણુંક પણ થઇ ન હતુ.
રાજકોટ રેન્જ આઇજીની હદમાં આવતા પાંચ જિલ્લામાં જ ગુનાખોરી પર સફાયો કરવાનો પોલીસ વડા આશિષ ભાટીયાએ નિર્દેશ આપ્યો છે. તો શુ અત્યાર સુધી આ પાંચેય જિલ્લામાં ગુનાખોરી કેમ ચાલવા દેવામાં આવી તે અંગે પણ પોલીસ ડીપાર્ટમેન્ટમાં સવાલ થઇ રહ્યો છે. દિપેન ભદ્રને જામનગર જિલ્લાનો ચાર્જ સંભાળી ટૂંકા ગાળામાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં કરેલી સાફસુફીથી ગુનાખોરી અંકુશમાં આવશે કે કેમ તે તો આવનાર સમય જ કહેશે પરંતુ તેઓએ ગેંગસ્ટર જયેશ પટેલને પકડવા માટે નકકર કાર્યવાહી થાય તો જ પોલીસતંત્રનું મોરલ ઉચુ આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.
એસપી દિપેન ભદ્રને પોલીસબેડામાં કર્યો ધરખમ ફેરફાર
નવનિયુકત પી.આઇ. ચૌધરીને એલસીબી અને નિનામાને એસઓજીમાં નિમણુંક સહિત છ પીઆઇ અને ત્રણ પીએસઆઇની આંતરીક બદલી
જામનગર જિલ્લામાં પોલીસની કામગીરી અંગે કેટલાક રાજકીય નેતાઓ દ્વારા આંગળી ચિધવામાં આવ્યા બાદ રાજય સભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા કાયદો અને વ્યવસ્થા અંગે કરેલા ટવીટના પગલે શરૂ થયેલા બદલીના ઘાણવા બાદ નવનિયુકત એસપી દિપેન ભદ્રને પણ જામનગર જિલ્લાના પોલીસબેડામાં ધરખમ ફેરફાર શરૂ કર્યા છે.
આણંદના પી.આઇ. કે.જી.ચૌધરીની જામનગર ખાતે બદલી થતા તેમને જામનગર એલસીબીમાં નિમણુંક આપવામાં આવી છે. જામનગર એલસીબી પી.આઇ. જલુને એ ડિવિઝનમાં, જૂનાગઢ ચોકી ખાતે ફરજ બજાવતા એસ.એસ.નિનામાને જામનગર એસઓજી પી.આઇ. તરીકે નિમણુંક આપવામાં આવી છે. જામનગર એસઓજી પી.આઇ. કે.એન.ગાધેને જામનગર બી ડિવિઝનમાં, એ ડિવિઝનના એમ.આર.ગોંડલીયાને સી ડિવિઝન, કાલાવડ ટાઉનના પી.આઇ.કે.જે. ભોયેની જામનગર સીપીઆઇ તરીકે બદલી, જામનગર ગ્રામ્યના સીપીઆઇ આર.બી.ગઢવીને એસપોર્ટ સિકયુરિટીમાં નિમણુંક આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદથી બદલી સાથે જામનગર હાજર થયેલા પી.એસ.આઇ. બી.એમ.દેવમુરારીને એલસીબીમાં, જામનગર રીડરના આર.વી.વીછીને એસઓજી, કાલાવડ ટાઉનના હિરલ પટેલને કાલાવડ ગ્રામ્યમાં નિમણુક આપવામાં આવી છે.