મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વધતી જતી સત્તા લાલશા શિવસેના માટે મુશ્કેલીનું કારણ બની રહી છે અને આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અવનવા રાજકીય ઘટનાક્રમનું સાક્ષી બની શકે છે તેવું રાજકીય નિરીક્ષકોનું માનવું છે. કોંગ્રેસ સાથે સત્તા વહેંચવાની અગાઉ થયેલી સમજૂતિમાંથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફરી ગયા છે. પરિણામે કોંગ્રેસ અને એનસીપી સાથે શિવસેનાનું મહાવિકાસ અઘાડી જોડાણ સંકટમાં મુકાઈ જવા પામ્યું છે.
‘ધોબી કા કુત્તા’ જેવો શિવસેનાનો ઘાટ સર્જાયો
મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં અવનવા રાજકીય સમીકરણો સર્જાવાની શકયતા
કોંગ્રેસ નારાજ થઈ ગઈ છે અને એનસીપી સાથે દોસ્તીનું કોઈ ઈતિહાસ રહ્યો નથી. અગાઉ પણ બન્ને પક્ષો વચ્ચે કટ્ટર રાજકીય સ્પર્ધા રહી છે. માત્ર સત્તાના કારણે જ એક થયેલા આ ત્રણેય પક્ષો વચ્ચે ઉદ્ધવની સત્તા લાલશાના કારણે ગંભીર મતભેદો ઉભા થઈ ગયા છે જેના કારણે શિવસેનામાં પણ ગંભીર પડઘા પડી રહ્યાં છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બહુ મોડુ થાય તે પહેલા જ ભાજપ સાથે સમાધાન કરી લેવું જોઈએ તેવા અવાજો ખુદ શિવસેનામાંથી ઉઠી રહ્યાં છે. સેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાયકે ગઈકાલે એવો આક્ષેપ કર્યો હતો કે, અઘાડી સરકારના ભાગીદાર કોંગ્રેસ અને એનસીપી બન્ને સાથે મળીને શિવસેનામાં મતભેદો ઉભા કરી રહ્યાં છે. બહુ મોડુ થાય એ પહેલા સમાધાન કરી લેવું જરૂરી છે.
તેમણે એવું સુચન કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવી લેવો વધુ બહેતર બનશે. કેમ કે કેન્દ્રીય એજન્સીઓની તપાસના કારણે અનેક નેતાઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખુદ પ્રતાપ સરનાયક, અનિલ પરબ અને રવિન્દ્ર વાયકર સામે કેન્દ્રીય એજન્સીઓની તપાસ ચાલી રહી છે તે કારણે શિવસેનામાં પણ બેચેની વધતી જાય છે. ઈડી દ્વારા તાજેતરમાં નાણાકીય ગોટાળાના કેસમાં સરનાયકના નિવાસ સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સરનાયક થાણેમાંથી ચૂંટાયેલા છે.
તેમણે ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં ભાજપ સાથે સમાધાન કરી લેવા રીતસર હાથ જોડીને વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અભિમન્યુ કે કર્ણની જેમ કુરબાની આપી દેવાના બદલે અર્જૂનની જેમ લડી લેવામાં માનુ છું, એટલે જ હું છેલ્લા 7 મહિનાથી મારા પક્ષ કે મારી સરકારની મદદ લીધા વિના કાનૂની લડાઈ લડી રહ્યો છું.
એનસીપી સાથે શિવસેનાને રાજકીય રીતે અગાઉ કદી બહુ હેતપ્રીત રહ્યાં નથી તેવો મહારાષ્ટ્રનો રાજકીય ઈતિહાસ બતાવે છે. ઉદ્ધવ ઠાકરેના મનસ્વી વલણના કારણે એનસીપીની નારાજગી પણ હવે પરાકાષ્ટાએ પહોંચી છે તે જોતા આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં મોટા રાજકીય ફેરફારો થવાની સંભાવના છે.