મુંબઈથી માંડીને નવીદિલ્હી સુધી તાજેતરના સમયમાં જોવા મળેલા રાજકીય નેતાઓ વચ્ચેના અને ખાસ કરીને બિનભાજપી નેતાઓ વચ્ચેના રાજકીય સંવાદ, સઘન ચર્ચા વિચારણા અને બેઠકોના દૌર પરથી એવું અભિપ્રેત થઈ રહ્યું છે કે, આગામી દિવસોમાં હિન્દુત્વ સામે નક્કર મોરચો માડવા માટે વિપક્ષની આગેવાની મરાઠા સ્ટ્રોંગમેન અને એનસીપીના સર્વેસર્વા શરદ પવાર આગેવાની લઈ શકે છે. આ શકયતા દિવસે-દિવસે વધુ સ્પષ્ટ થતી દેખાય છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં એટલે કે પવારના ગઢમાં ભીષમાં મુકાયેલી શિવસેના ફરી એક વખત ભાજપના શરણે જાય તેવો રાજકીય માહોલ ઉભો થઈ રહેલો દેખાય છે.
શું શિવસેના ભાજપના શરણે જશે ખરી ? અવનવા રાજકીય સમીકરણોની ચર્ચા
પવાર સાથે સઘન ચર્ચા બાદ પ્રશાંત કિશોરના સુચક વિધાનો: કોઈ ત્રીજો કે ચોથો મોરચો નહીં બલકે એન્ટી-ભાજપ થઈને મેદાનમાં પડવાનું અતિ આવશ્યક રહેશે
એરટેલ-TCSનું ભેગુ થવું 5Gમાં સર્વોપરીતા લઈ આવી દેશે??
ગઈકાલે અને આ પહેલા પણ મુંબઈથી એનસીપીના વડા શરદ પવારે જે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે તેના પરથી રાજકીય નિરીક્ષકો એવું માનવા પ્રેરાયા છે કે, શરદ પવાર રાજકીય વ્યૂહમાં જ પ્રશાંત કિશોરના સુચન મુજબ બિનભાજપી તમામ વિરોધ પક્ષોને એક મંચ પર લાવવાના ભરચક્ક પ્રયાસ કરી રહ્યાં છે. આ અંગે તેમણે સોમવારે રાજકીય ખેલંદા પ્રશાંત કિશોર સાથે બેઠક યોજી હતી અને ઉંડી ચર્ચા-વિચારણા કરી હતી. બેઠકોનો દૌર પવારે આગળ ચલાવ્યો છે. અન્ય સંખ્યાબંધ રાજકીય પક્ષો અને ટોચના નેતાઓ સાથે તેઓ મુલાકાત કરી રહ્યાં છે. પવારના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં 2 કલાકથી વધુ સમય સુધી ચર્ચા-વિચારણા ચાલી હતી તે જોતા રાજકીય નિરીક્ષકો ભારતના રાજકીય આકાશમાં નવા સમીકરણો રચાવાની શકયતા નિહાળી રહ્યાં છે. સુત્રોનું માનીએ તો એવું લાગે છે કે, ભાજપના હિન્દુત્વને ટક્કર આપવા માટે અને તેની સામે મોરચો ખોલવા માટે પવાર લીડરશીપની ધુરા સંભાળશે.
ત્રીજા મોરચાની રચનાની કોઈ શકયતા દેખાતી નથી. કેમ કે, પવાર સાથેની બેઠકમાં પ્રશાંત કિશોરે સ્પષ્ટપણે એવું સુચન કર્યું હતું કે, ત્રીજો કે ચોથો મોરચો નહીં પણ મોદી સામે લડવું હોય તો એન્ટી-ભાજપ પક્ષોએ સાથે મળીને લડવું પડશે અને સંયુક્ત લડાઈ આપવી પડશે. આ સુચનના આધારે પવારની આગેવાની નીચે હિન્દુત્વ સામે નવો મોરચો ઉભો થવાની શકયતાઓ જોર પકડી રહી છે.
ગઈકાલે પ્રશાંત કિશોર અને અન્ય નેતાઓને મળ્યા બાદ આજે પણ પવારે બેઠકોનો ધમધમાટ શરૂ રાખ્યો છે. આજે તેઓ દિલ્હી ખાતે જાણીતા નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. અન્ય બિનરાજકીય મહાનુભાવો સાથે પણ પવાર મુલાકાત કરનાર છે જે ઘણું સુચક માનવામાં આવે છે. આજે શરદ પવાર જમ્મુ-કાશ્મીરના નેતા ડો.ફારૂક અબ્દુલા, ટીએમસીના નેતા યશવંત સિન્હા, આમ આદમી પાર્ટીના સંજય સિંઘ અને ભારતીય સામ્યવાદી પક્ષના ડી.રાજા સાથે મુલાકાત કરનાર છે. આ બેઠકમાં સંજય ઝા, પવન વર્મા અને સુધીન્દ્ર કુલકર્ણી પણ હાજરી આપનાર છે તેમ એનસીપીના પ્રવકતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલીકે જણાવ્યું હતું. મલીકે કહ્યું હતું કે, આ તમામ ચર્ચાઓ અને બેઠકો પાછળ પવારનો આશય તમામ વિરોધ પક્ષોને એક કરવાનો છે.
યશવંત સિન્હાએ પણ ટ્વીટ કરી જાણ કરી છે કે, 2018માં રચાયેલા રાજકીય એકશન ગ્રુપ રાષ્ટ્ર મંચની બેઠક પણ પવારે બોલાવી છે જેમાં રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે અને નક્કર વ્યુહ ઘડવાની દિશામાં તમામ પક્ષોના અભિપ્રાય લેવામાં આવશે. આ બેઠક પણ મંગળવારે મળી રહી છે.
મહત્વનો સંકેત એ છે કે, પવારે શરૂ કરેલી કવાયત રાજકીય પક્ષો કે નેતાઓ પુરતી સીમીત નથી તેઓ દેશના અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો સાથે પણ મુલાકાત કરી રહ્યાં છે. વરિષ્ઠ એડવોકેટ કે.ટી.એસ.તુલસી, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય.કુરેશી, પૂર્વ રાજદૂત કે.સી.સીંગ, જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તર, ફિલ્મ સર્જક પ્રિતીશ નંદી અને મીડિયા જગતના કરણ થાપર તથા આસુતોષ સાથે પણ આજે મીટીંગ થનાર છે.
દરમિયાન મહારાષ્ટ્રની વાત પર આવીએ તો શિવસેના માટે ભાજપ સાથે ફરી બેસવા સીવાય બીજો કોઈ રાજકીય આરો-વારો દેખાતો નથી. ખુદ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના પક્ષ શિવસેનામાંથી તેમના પર દબાણ વધી રહ્યું છે. શિવસેનાના સાંસદો અને ધારાસભ્યો તથા રાજ્યકક્ષાના નેતાઓ ભાજપ સાથે સમાધાન કરી ફરીથી તેની સાથે બેસી જવા માટે ઉધ્ધવ ઠાકરેને સમજાવી રહ્યાં છે. આ દિશામાં પહેલા ચરણરૂપે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉધ્ધવ ઠાકરેએ મીટીંગ કરી હતી. આ બેઠકમાં શું ચર્ચાયું તેની વિગતો બહાર આવી નથી. પરંતુ આ બેઠકને એવી રીતે મુલવવામાં આવે છે કે, શિવસેનાએ સરેન્ડર થવાનો સફેદ ઝંડો ફરકાવી દીધો છે. વડાપ્રધાન સાથેની વાતચીતમાં પણ સમાધાનનો મુદ્દો અગ્ર સ્થાને રહ્યો હોવાનું માનવામાં આવે છે. વડાપ્રધાને આપેલા મહારાષ્ટ્રના ડેલીગેશન સાથે મુલાકાત કરી હતી અને મરાઠાના ઉચ્ચ વર્ગ માટે નોકરી અને કોલેજોમાં અનામતના મુદ્દા પર રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી ઠાકરે સાથે અલગ મુલાકાત કરી હતી જે સુચક માનવામાં આવે છે. ભાજપ સાથે શિવસેનાએ 30 વર્ષ જૂનું જોડાણ ક્યાં સંજોગોમાં તોડ્યું તે વિશે ઠાકરેએ મોદી સમક્ષ ખુલાસો કર્યો હોવાનું માનવામાં આવે છે.
છેલ્લા કેટલાંક સમયથી શિવસેનામાંથી પણ એવા અવાજો ઉઠી રહ્યાં છે કે, ભાજપ સાથે સમાધાન કરી લેવું જોઈએ. સેનાના એક સાંસદ સંજય રાઉતે તો ત્યાં સુધી કહી નાખ્યું હતું કે, વડાપ્રધાન મોદી દેશના ટોચના અને સર્વોત્તમ નેતા છે. આ બેઠકો અંગે રાજકીય વ્યૂહબાજોનું મંતવ્ય એવું રહ્યું છે કે, શિવસેના, કોંગ્રેસ, એનસીપી વચ્ચે રચાયેલું મહાગઠબંધન ગમે ત્યારે તૂટી પડે તેવી શકયતા છે. શિવસેનાને કોંગ્રેસ સાથે કદી કોઈ વૈચારિક સામ્યતા રહી નથી. બે વર્ષ સત્તામાં સાથે રહ્યાં બાદ પણ કોઈ મનમિલાપ થયો નથી એ કારણે જ તાજેતરમાં શિવસેનાના સ્થાપના દિને ઉધ્ધવ ઠાકરેએ મોદી સરકાર કે ભાજપની કોઈ ટીકા કરી નહોતી. સેના અને ભાજપના કાર્યકરો વચ્ચે મુંબઈમાં અથડામણ થવા છતાં ઠાકરેએ ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. એમનું મૌન સુચક માનવામાં આવે છે. અલબત અહીં ભાજપ-સેનાનું પુન: મિલન આડે એક મોટુ વિઘ્ન મુખ્યમંત્રી પદ છે. ઠાકરેએ કોઈપણ ભોગે હોદ્દો જતો કરવા માગતા નથી. એ મુદાને લઈને હજુ ખટરાગ ચાલુ જ છે. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ ફરી મુખ્યમંત્રી બનવાની રાજકીય મહત્વકાંક્ષા ધરાવે છે તે જોતા શિવસેના અને ભાજપનું મિલન ક્યારે અને કેટલી હદે શક્ય બને છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. જો ઉધ્ધવ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહે તો ભાજપ 2 નાયબ મુખ્યમંત્રી પદ માંગી શકે છે. આ રીતે મહારાષ્ટ્રનું રાજકારણ ખુબજ રસપ્રદ તબક્કામાં પહોંચી રહ્યું છે.