૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બેસાડી દેવાના એકમાત્ર ધ્યેય સાથે…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ ઉમેદવારોના ફોર્મ ભરાઈ જાય પછી વિધિવત જાહેરાત થશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો સમય નજીક આવી રહ્યો છે, થોડા દિવસોના અંતે તમામ પાર્ટીના ઉમેદવારો પોતાના ફોર્મ ભરીને પ્રચારકાર્યમાં લાગી જશે ત્યારે ગુજરાતના રાજકારણમાં ફરી નવો વળાંક આવતો દેખાઈ રહ્યો છે. અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી ગયેલા તત્કાલીન સીએલપી લીડર અને ગુજરાતના રાજકારણના કદ્દાવર તેમજ વિવાદાસ્પદ નેતા શંકરસિંહ વાઘેલા ફરીથી કોંગ્રેસમાં વિધિવત જોડાઈ જશે. કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા બાદ શંકરસિંહની કોંગ્રેસ વાપસી થશે. જોકે મૂળ સવાલ તો એ છે કે શું શંકરસિંહની વાપસી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકી શકશે?
સૂત્રોના જણાવ્યા મુજબ, અહેમદ પટેલના દેહાવસાન બાદ શંકરસિંહ અને કોંગ્રેસના પ્રદેશના કેટલાક આગેવાનો વચ્ચે વાતચીતનો દોર શરું થયો હતો. ત્યાર બાદ છેલ્લા એક મહિનાથી શંકરસિંહ કોંગ્રેસના દિલ્હી હાઇકમાન્ડના સત્તત સંપર્કમાં હતા. સૂત્રોનું માનીયે તો શંકરસિંહે કોંગ્રેસ હાઈ કમાન્ડ પાસે બિનશરતી વાપસીનો પ્રસ્તાવ
મુક્યો હતો મતલબકે કોઈ પ્રકારના પદ કે સત્તાની લાલસા વિના વાઘેલા કોંગ્રેસમાં પરત થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વાઘેલાએ કોંગ્રેસ હાઈ કમાન્ડને એમ જણાવ્યું હોવાનું જાણવા મળે છે કે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બેસાડી દેવો એજ એમનો એક માત્ર ધ્યેય છે અને એ ધ્યેયને સિદ્ધ કરવા સિવાય એમની કોઈ આકાંક્ષા નથી. સૂત્રોના જણાવ્યા મુજબ કેટલીક મુલાકાતો, વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓની મધ્યસ્થી અને શંકરસિંહની બિનશરતી હોવાની રજૂઆતના અંતે કોંગ્રેસ હાઈ કમાન્ડે વાઘેલાને કોંગ્રેસમાં પૂન: પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે.
દેશના પૂર્વ નાણાં મંત્રીએ વાઘેલાની વાપસીમાં મહત્વનો ભાગ ભજવ્યો
સૂત્રોના જણાવ્યા મુજબ યુપીએ સરકારના પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન પી. ચિદમ્બરમેં શંકરસિંહની કોંગ્રેસ વાપસીમાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમ છેલ્લા લાંબા સમયથી કાયદાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમજ શંકરસિંહના હિતેચ્છુ તરીકે તેમની ગણના થાય છે. વાઘેલા પર વિશ્વાસ મુકવા માટે ચિદમ્બરમે કોંગ્રેસ હાઈ કમાન્ડને રાજી કર્યા હોવાનું જાણવા મળ્યું છે.