કોરોના કેસ ફરી ઝડપથી વધતા સરકાર તો ચિંતામાં મૂકાઈ છે. પણ આ સાથે એક બાજુ પરીક્ષા નજીક અને બીજી બાજુ કોરોના વદુ વકરતા વિદ્યાર્થીઓ પર વાયરસનું જોખમ વધતા વાલીઓ પર ઘેરી ચિંતામાં મૂકાયા છે. કોરોના કેસ સતત વધી જઈ રહ્યા છે. એમાં પણ સુરત, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવતા વાલીઓના જીવ ઉચ્ચાટ થઈ ગયા છે. શાળા, કોલેજ સહિતની શૈક્ષણીક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય ફરી ઓનલાઈન શરૂ થાય તેવી માંગ ઉઠી છે. તાજેતરમાં ઓલ ગુજરાત વાલી મંડળની બેઠક મળી હતી. જેમાં કોરોના સ્થિતિને લઈ ચર્ચા થઈ હતી. વાલી મંડળે માંગ કરી છે કે, ત્રણ અઠવાડિયા માટે શાળાઓ ફરી બંધ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં સુરતમાં 192 વિદ્યાર્થીઓ, અમદાવાદમાં 150 વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્રમાં 100 વિદ્યાર્થીઓ કોરોનાના ભરડામાં સપડાયા છે. વાયરસનાં કારણે શાળાઓને ફરી તાળા લાગે તેવી ભીતિ ઉભી થઈ છે. જોકે, આ અંગે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં બોર્ડની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવા મુદે ચર્ચા થઈ હતી
નવસારી જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે વાંસદાના રાયબોરમાં આશ્રમશાળાના 6 વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવતા સ્કૂલને 14 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય વિદ્યાર્થીઓ અને શાળામાં કામ કરતા અન્ય શિક્ષકોના પણ સંપલ લેવામાં આવ્યા છે. હાલ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.