સ્વીમીંગ પુલના ઈલેકટ્રીક રૂમમાં અવાર નવાર શોર્ટ-સર્કીટ થયું છતાં તંત્ર અજાણ

ફાયર સેફટીના સાધનો અને સીસીટીવીની નજર પણ ન હોવાથી સાત-સાત ફૂટ મોટા સ્વીમીંગ પુલ તરવૈયાઓ માટે મોતની છલાંગ બની જાય તેવી ભીતિ

રાજકોટ સહિત રાજ્યભરની અનેક હોસ્પિટલમાં તાજેતરમાં જ આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વીમીંગ પુલમાં ‘અબતક’ દ્વારા રિયાલીટી ચેક કરાતા જાણવા મળ્યું હતું કે, સ્વીમીંગ પુલના ઈલેકટ્રીક રૂમમાં અવાર-નવાર શોર્ટ સર્કિટની ઘટનાઓ બને છે છતાં આ વાતથી તંત્ર અજાણ છે. સાત-સાત ફૂટ મોટા બે સ્વીમીંગ પુલમાં ફાયર સેફટીના સાધનો અને સીસીટીવીની નજર પણ ન હોવાથી તરવૈયાઓ માટે આ પુલ મોતની છલાંગ બની જાય તેવી ભીતિ હાલ તો સર્જાઈ છે. ત્યારે રૂા.૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્વીમીંગ પુલ મોતનો કુવો બની જશે?

IMG 0784

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સ્વીમીંગ પુલ નેશનલ લેવલનો બનાવાયો છે. આ સ્વીમીંગ પુલ માટે રૂા.૧૦ કરોડ વાપરવામાં આવ્યા છે. છતાં પણ તરવૈયાઓ માટે કોઈ જ સેફટી ન હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. ત્યારે વાત કરીએ તો સ્વીમીંગ પુલની પાછળ ઈલેકટ્રીકરૂમ છે. આ ઈલેકટ્રીક રૂમમાં છેલ્લા ત્રણ માસમાં ચાર વખત શોર્ટ સર્કિટની ઘટના બની હતી. શોર્ટ સક્રિટ થવાથી ઈલેકટ્રીક એલઈનું બોક્સ બળીને ખાખ થયું હતું. જો કે આ વાત તંત્રના ધ્યાને આવી ન હતી. અવાર-નવાર આવી ઘટના બને છે. ઘટના સમયે સ્વીમીંગ પુલના સિક્યુરીટી દ્વારા પીજીવીસીએલને જાણ પણ કરાઈ હતી. પીજીવીસીએલની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વોલ્ટેજ વધ-ઘટ થવાના કારણે શોર્ટ સર્કિટ સર્જાય છે. પરંતુ જો અહીં સ્ટેબીલાઈઝર નાખવામાં આવે તો આ સમસ્યાનું સમાધાન થઈ શકે તેમ છે. પીજીવીસીએલ દ્વારા ખુટતું તમામ વસ્તુ કરવામાં આવી હતી છતાં શોર્ટ સર્કિટની ઘટના અવાર-નવાર બનતી હોય સ્વીમીંગ પુલ મોતનો કુવો બને તેવી ભીતિ હાલ સર્જાઈ છે.

એકબાજુ સરકાર આગ ન લાગે તે માટે તમામ શાળા-કોલેજો અને મોટી મોટી કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો ફરજીયાત રાખવાનું સુચન કર્યું છે. ત્યારે યુનિવર્સિટીના મસમોટા સ્વીમીંગ પુલમાં ફાયર સેફટીના સાધનો પણ નથી અને સીસીટીવી પણ નથી. આ ઉપરાંત સ્વીમીંગ પુલની અંદર ગંભીર ઘટના ન બને તે માટેના શોકપ્રુફ વાયરો પણ નાખવામાં નથી આવ્યા. યુનિવર્સિટીના સ્ટેટ અને નેશનલ લેવલના ૧૦ થી ૧૨ જેટલા તરવૈયાઓ દરરોજ સવારે ૨ કલાક અને સાંજે ૨ કલાક પ્રેક્ટિસ માટે આવતા હોય છે ત્યારે આવા બાળકોના જીવનું જોખમ કોના શીરે તે મોટો પ્રશ્ર્ન ઉભો થાય છે.

આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીની ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી મારી સામે આવી કોઈ વાત આવી નથી. પરંતુ આપે ધ્યાન દોર્યું એટલે હું ચોક્કસથી આ વાતની પુષ્ટી કરી જે પણ કાઈ શોર્ટ સર્કિટ થઈ છે તેની વિગત મંગાવી અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે સમાધાન આપીશ.

યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધ્યાપકોને ફાયર સેફટીની તાલીમ આપવાની માત્ર વાતો!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૯૦ ટકા ભવનોમાં અને સ્પોર્ટસ કોમ્પલેક્ષોમાં ફાયર સેફટીના સાધનો છે પરંતુ કોઈ વાર ગંભીર આગ લાગે ત્યારે આ ફાયર સેફટીના સાધનો કઈ રીતે ચલાવવા તેનું જ્ઞાન કોઈને નથી. ત્યારે તાજેતરમાં રાજકોટની એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું તંત્ર સફાળુ જાગ્યું અને તમામ ભવનોના હેડ પાસે ફાયર સેફટીના સાધનોની વિગત મંગાવી હતી. જો કે આ વિગત આવી ગયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે, તમામ ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફને ફાયર સેફટી માટેની ખાસ ટ્રેનીંગ આપવામાં આવશે. જો કે આ વાતને ૨૦ દિવસનો સમયગાળો વીત્યા છતાં પણ હજુ કોઈ ટ્રેનિંગ કાર્યક્રમ ગોઠવાયો નથી, માત્રને માત્ર સત્તાધીશો મસમોટી વાતો કરે છે. હાલ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ કર્મચારી, અધિકારી પદવીદાન સમારોહમાં લાગ્યા હોય કોઈને અન્ય વાતમાં રસ જ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.