જો યુનિવર્સિટી એ-પ્લસ ગ્રેડ મેળવશે તો ૧૦૦ કરોડ જેટલી ગ્રાન્ટ પ્રાપ્ત થશે: ઉપકુલપતિ દેસાણી
આગામી દિવસોમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને સ્પોર્ટસ પ્રત્યે વિદ્યાર્થી વધુ જાગૃત થાય તેવા પ્રયાસો કરાશે: કુલપતિ પેથાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુજીસી દ્વારા નેકનું એ ગ્રેડની એક્રેડીએશન તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ના પાંચ વર્ષ માટે પ્રાપ્ત થયા બાદ જેની મુદત સપ્ટેમ્બર-૨૦૧૯માં પુરી થઈ ગઈ હતી ત્યારબાદ રીએક્રીડીએશન માટેની કવાયતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવી હતી જોકે કોરોનાના કારણે ગત વર્ષે નેકની ટીમ આવી શકી ન હતી અને હવે આજથી ત્રણ દિવસ માટે નેક કમિટીના ૬ સભ્યોની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત માટે આવી પહોંચી હતી જોકે હવે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ-પ્લસ ગ્રેડ મળી જશે ? તેવી ચર્ચા શિક્ષણ વર્તુળમાં જાગી છે.
એસઆરટીએમ યુનિવર્સિટીના કુલપતિ અને નેક કમિટીના ચેરમેન પ્રો.વિદ્યાશંકર પંડિતના નેજા હેઠળ કમિટીના ૬ સભ્યોની વિવિધ કામગીરીની ત્રણ દિવસ સુધી ચકાસણી: આજે કુલપતિના પ્રેઝન્ટેશન બાદ આઈકયુએસીના ગુણવત્તા, મુલ્યાંકન મુદ્દે નેક કમિટીએ ચર્ચા કરી: સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં નેકની ટીમ હાજરી આપશે
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેકના રિક્રીડીએશન માટે નેક પિઅર ટીમના ચેરમેન અને સ્વામી રામાનંદ મરાઠાવાળા યુનિવર્સિટીના કુલપતિ ડો.વિદ્યાસાગર પંડિત, કો-ઓર્ડિનેટર બનારસ વિશ્ર્વ વિદ્યાલય-વારાણસીના ડો.ધર્મેન્દ્રકુમાર મિશ્રા, ડો.પી.સુબ્રમણ્યમ, પ્રો.સંદિપ જૈન, ડો.જોકાતુલંગી સહિત ૬ સભ્યો આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સવારે ૮:૩૦ વાગ્યે જ આવી પહોંચ્યા હતા જયાં તેઓનું યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, રજીસ્ટર ડો.જતિન સોની, ડેપ્યુટી રજીસ્ટર જી.કે.જોશી અને આઈકયુએસી ભવનના વડા ડો.ગીરીશ ભીમાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ યુનિવર્સિટીના ભવનમાં આવેલ સ્વામી વિવેકાનંદજીની મૂર્તિની નેકની ટીમ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ તેઓને એનસીસીના કેડેટ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. અહીંથી કમિટીના સભ્યોને મુખ્ય બિલ્ડીંગમાં કુલપતિની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં ૧૦ મિનિટ ફોરર્મલ મુલાકાત બાદ કમિટીના સભ્યો સિન્ડીકેટ હોલમાં ગયા હતા જયાં કુલપતિ દ્વારા યુનિવર્સિટીની કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું ત્યાં અડધી કલાક પ્રેઝન્ટેશન જોયા બાદ આઈકયુએસીની કચેરી ખાતે આવેલા ઓડિટોરીયમમાં આઈકયુએસીની કામગીરીનું નેક કમિટીના સભ્યોએ નિદર્શન નિહાળી ભવનોના વડા સાથે બેઠક યોજી હતી. આ બેઠક પુરી થયા બાદ સીધી જ નેક કમિટી લાઈબ્રેરીની મુલાકાતે પહોંચી હતી. આ લાઈબ્રેરીમાં ૨.૨૫ લાખ પુસ્તકોના ભંડાર ધરાવતી લાઈબ્રેરીની મુલાકાત લીધા હતી અને ત્યારબાદ ભોજન આરોગીને બપોર પછીના સમયે નેક કમિટીએ બે ટીમો બનાવીને જુદા-જુદા ભવનોની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ, વાલીઓ, કર્મચારીઓ સાથે બેઠક પણ યોજી હતી. સાંજે ૭ વાગ્યે નેકની ટીમ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજર રહેશે અને ૯ વાગ્યે કુલપતિ બંગલે આયોજીત ડિનરમાં ભાગ લેશે જેમાં રાજકોટના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો પણ ભાગ લેનાર છે. આવતીકાલે પણ નેકની ટીમ વિવિધ બાકી રહી ગયેલા ભવનોની મુલાકાત લઈ તેનું મુલ્યાંકન કરશે અને વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંપર્ક સાધશે અને શનિવારે નેકની ટીમ મુલ્યાંકન પુરુ કરી રવાના થઈ જશે.
ઈતિહાસ અને એમએસડબલ્યુમાં ઘટતી સંખ્યાને લઈ ‘નેક’ ચિંતિત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે નેકની છ સભ્યોની ટીમ મુલ્યાંકન માટે પહોંચી હતી ત્યારે શઆતના તબકકામાં સિન્ડીકેટ હોલમાં વીસી-પીવીસીના પ્રેઝન્ટેશન દરમિયાન નેકની ટીમ દ્વારા સત્તાધીશોને ઘણાખરા સવાલો પુછવામાં આવ્યા હતા જેમાં વીસી દ્વારા યુનિવર્સિટીની કામગીરીની સમીક્ષા કરતું પ્રેઝન્ટેશન નેકની ટીમને બતાવવામાં આવ્યું હતું ત્યારબાદ નેક દ્વારા પ્રશ્ર્ન પુછાયા હતા કે યુનિવર્સિટીમાં કયા ભવનમાં સૌથી વધુ સંખ્યા છે અને કયા ભવનમાં સૌથી ઓછી સંખ્યા છે ? જેમાં પ્રતિઉત્તરમાં જવાબ મળ્યો હતો કે સાયન્સ મેનેજમેન્ટ સહિતના ભવનોમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે જયારે ઈતિહાસ અને એમએસડબલ્યુ જેવા ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ નહિવત છે કેમ કે, ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓને ફરજીયાત હાજર રહેવાની ના હોય જેથી વિદ્યાર્થીઓ કોલેજોમાં પ્રવેશ વધુ લે છે જયારે યુનિવર્સિટીમાં અમુક ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ ઓછી છે જે યુનિવર્સિટી માટે તો ખતરાની ઘંટી છે અને નેક માટે પણ લાલબતી સમાન છે.
બ્રિટીશકાળના સિક્કા જોઈ નેકની ટીમ ભાવવિભોર
આજે નેકની ટીમે ભવનના અધ્યક્ષો અને આઈકયુએસીનું પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ સીધી લાઈબ્રેરીના મુલ્યાંકન માટે પહોંચી હતી જેમાં નેકની ટીમે લાઈબ્રેરીના અઢી લાખ પુસ્તકો તેમજ લાઈબ્રેરીની વ્યવસ્થા જાણી હતી જેમાં લાઈબ્રેરીની મુલાકાત દરમિયાન યુનિવર્સિટીમાં રહેલા અને વર્ષો જુના બ્રિટીશ કાળના સિકકાઓ જોઈને નેકની ટીમ ભાવવિભોર બની ગઈ હતી. નેક પિઅરના ચેરમેન ડો.વિદ્યાસાગર આ સિકકાને વારંવાર જોવા આતુર બન્યા હતા. લગભગ તેઓએ ૧૦ મિનિટ સુધી આ સિકકાઓને નિહાળ્યા હતા અને લાઈબ્રેરીયન ડો.નિલેશ સોની પાસેથી વિગતો મેળવી હતી ત્યારબાદ લાઈબ્રેરીયન ડો.સોની દ્વારા યુનિવર્સિટીની લાઈબ્રેરીની કામગીરીનું પ્રેઝન્ટેશન નેકની ટીમ સમક્ષ મુકયું હતું.