ગુજરાતના 4 મળી દેશના કુલ 68 રાજ્યસભાના સાંસદ આ વર્ષે થશે નિવૃત થવાના છે. જેમાં રાજ્યસભામાંથી નિવૃત થતા ભાજપના પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાને લોકસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવે તેવી શકયતા હાલ સેવાઈ રહી છે. અંદરખાને આ બન્ને કદાવર નેતાઓ માટે ભાજપે રાજકોટ અને ભાવનગરમાં પિચ પણ તૈયાર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી બાદ દેશમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ મોટા પક્ષો પોતપોતાની જીત માટે સતત કમર કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા આ વર્ષે રાજ્યસભામાંથી 68 સભ્યો નિવૃત્ત થશે, તેથી ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાના નેતાઓને ગૃહમાં ફીટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપના બન્ને કદાવર નેતાઓ માટે રાજકોટ-ભાવનગરની પીચ તૈયાર કરવામાં આવી રહી હોવાના એંધાણ
ગુજરાતના 4 મળી દેશના કુલ 68 રાજ્યસભાના સાંસદ આ વર્ષે થશે નિવૃત્ત, નવ કેન્દ્રીય મંત્રીઓનો પણ તેમાં સમાવેશ
આ વર્ષે નવ કેન્દ્રીય મંત્રીઓ સહિત રાજ્યસભાના 68 સભ્યો નિવૃત્ત થશે. રાજ્યસભાના સભ્યોની નિવૃત્તિ સાથે રાજકીય પક્ષોના નેતાઓમાં ખાલી જગ્યાઓ અંગે લોબિંગ શરૂ થઈ ગયું છે. 68 ખાલી જગ્યાઓમાંથી,દિલ્હીમાં આપ નેતાઓ સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સુશીલ કુમાર ગુપ્તા 27 જાન્યુઆરીએ તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે. સિક્કિમમાં એકમાત્ર રાજ્યસભા બેઠક માટે પણ ચૂંટણી યોજાશે. એસડીએફ સભ્ય હિશે લાચુંગપા 23 ફેબ્રુઆરીએ નિવૃત્ત થશે.
ગુજરાતમાંથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા, કોંગ્રેસના સભ્ય નારણભાઈ રાઠવા અને અમી યાજ્ઞિકનો સમાવેશ થાય છે. સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર મનસુખ માંડવીયાને ભાવનગરથી તથા પરસોત્તમ રૂપાલાને રાજકોટથી લોકસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે. આમ રાજકોટ બેઠક ઉપર કડવા પાટીદાર અને ભાવનગર બેઠક ઉપર લેઉઆ પાટીદાર ઉમેદવાર રાખવાના હાલ પ્રયાસો થઈ રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભા માટે પુન: નોમિનેશન માટે બીજેપી પ્રમુખ જેપી નડ્ડાએ તેમના ગૃહ રાજ્યની બહાર બેઠક શોધવી પડશે કારણ કે ત્યાં કોંગ્રેસ સત્તામાં છે. કોંગ્રેસ કર્ણાટક અને તેલંગાણામાંથી પણ પોતાના ઉમેદવારોને સંસદના ઉપલા ગૃહમાં મોકલવાની તૈયારી કરી રહી છે. કર્ણાટકમાં ચાર અને તેલંગાણામાં ત્રણ રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે.
વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન, એમએસએમઇ મંત્રી નારાયણ રાણે, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, કોંગ્રેસના સભ્ય કુમાર કેતકર, એનસીપી સભ્ય વંદના ચવ્હાણ અને શિવસેના (યુબિટી) સભ્ય અનિલ દેસાઈ મહારાષ્ટ્રમાંથી નિવૃત્ત થઈ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેના વચ્ચેના વિભાજનને કારણે રાજ્યમાં રાજકીય પુનર્ગઠનને પગલે રાજ્યસભાની ચૂંટણી પર આતુરતાથી નજર રહેશે. મધ્યપ્રદેશના ધર્મેન્દ્ર પ્રધાન, માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગન, ભાજપના સભ્યો અજય પ્રતાપ સિંહ અને કૈલાશ સોની અને કોંગ્રેસના સભ્ય રાજમણિ પટેલ સંસદના ઉપલા ગૃહમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. કર્ણાટકમાં નિવૃત્ત થયેલા સભ્યોમાં ભાજપના રાજીવ ચંદ્રશેખર અને કોંગ્રેસના એલ હનુમંતૈયા, જીસી ચંદ્રશેખર અને સૈયદ નાસિર હુસૈન છે.
પશ્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસના સભ્યો અબીર રંજન બિસ્વાસ, સુભાષીષ ચક્રવર્તી, મોહમ્મદ નદીમુલ હક અને શાંતનુ સેન અને કોંગ્રેસના સભ્ય અભિષેક મનુ સિંઘવી સંસદના ઉપલા ગૃહમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. બિહારમાં આરજેડીના સભ્યો મનોજ કુમાર ઝા અને અહમદ અશફાક કરીમ, જેડીયુના સભ્યો અનિલ પ્રસાદ હેગડે અને બશિષ્ઠ નારાયણ સિંહ, ભાજપના સભ્ય સુશીલ કુમાર મોદી અને કોંગ્રેસના સભ્ય અખિલેશ પ્રસાદ સિંહ રાજ્યસભામાં પોતાનો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે.
જયા બચ્ચન સહિતના આ નેતાઓ પણ નિવૃત્તિ લઈ રહ્યા છે
ભાજપના સભ્યો અનિલ અગ્રવાલ, અશોક બાજપાઈ, અનિલ જૈન, કાંતા કર્દમ, સકલદીપ રાજભર, જીવીએલ નરસિમ્હા રાવ, વિજય પાલ સિંહ તોમર, સુધાંશુ ત્રિવેદી અને હરનાથ સિંહ યાદવ અને ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સભ્ય જયા બચ્ચન નિવૃત્ત થઈ રહ્યા છે. આંધ્ર પ્રદેશમાંથી ટીડીપીના સભ્ય કનકમેદલા રવીન્દ્ર કુમાર, ભાજપના સભ્ય સીએમ રમેશ અને વાયએસઆરસીપીના સભ્ય પ્રભાકર રેડ્ડી વેમીરેડ્ડી રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. છત્તીસગઢથી ભાજપના સરોજ પાંડે અને હરિયાણાના ડીપી વત્સ નિવૃત્ત થઈ રહ્યા છે. ઝારખંડમાં ભાજપના સભ્ય સમીર ઉરાં અને કોંગ્રેસના સભ્ય ધીરજ પ્રસાદ સાહુ મે મહિનામાં સંસદના ઉપલા ગૃહમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે.
57 સાંસદોનો એપ્રિલમાં કાર્યકાળ પૂર્ણ થશે
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સહિત દેશના 57 રાજ્યસભાના સાંસદો એપ્રિલમાં તેમનો કાર્યકાળ પૂરો કરશે.
ક્યાં રાજ્યના કેટલા સાંસદો થશે નિવૃત્ત?
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 10 બેઠકો ખાલી રહેશે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને બિહારમાં 6-6, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 5-5, કર્ણાટક અને ગુજરાતમાં 4-4, ઓડિશા, તેલંગાણા, કેરળ અને આંધ્રપ્રદેશમાં 3-3, ઝારખંડ અને રાજસ્થાનમાં 2-2, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢ 1-1 અને ચાર નામાંકિત સભ્યો જુલાઈમાં નિવૃત્ત થશે.