રાજ્યના વિકાસ માટે રીડેવલપમેન્ટ સ્કિમમાં છુટછાટોની તાતી જરૂરીયાત
મહારાષ્ટ્ર સરકારે લાગુ કરેલી નવી રીડેવપલમેન્ટ સ્કીમથી ત્યાંના બિલ્ડરોને બખ્ખા થઈ ગયા છે. હવે પ્રશ્ન એ છે કે ગુજરાતમાં આવી રી ડેવલપમેન્ટ સ્કીમને ક્યારે તક મળશે ? રાજ્યના વિકાસ માટે હાલ રીડેવલપમેન્ટની સ્કીમમાં છૂટછાટની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. જેને ધ્યાને લઈને સરકારે રાહતલક્ષી પગલાં લેવા જરૂરી બન્યા છે.
મહારાષ્ટ્રમાં મોટા શહેરમાં જૂની અને જર્જરિત ઇમારતોના પુનર્વિકાસ માટે સ્ટેટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા પીપીપી ધોરણે રી-ડેવલોપમેન્ટ માટેની સતા સોંપવામાં આવે છે. જેના કારણે જર્જરિત આવાસ ધરાવતા લાભાર્થીઓને સુંદર અને મજબૂત આવાસ પ્રાપ્ત થાય છે, બીજી બાજુ સરકારે પુન:વિકાસ માટે સરકારે કોઈ વધારાનું ભંડોળ પણ ફાળવવું પડતું નથી. કોઈ ખાનગી બિલ્ડર જ આ પ્રોજેકટ આગળ ધપાવતો હોય છે. સામે બિલ્ડરને પ્રોપર્ટી હાલના માર્કેટમાં 50% થી 70% ની તુલનામાં ખુલ્લા બજારમાં વેચવા માટે 75% થી 100% વધુ પ્રોત્સાહક ક્ષેત્ર પ્રાપ્ત થાય છે.
આવા મકાનોમાં રહેતા ભાડુતોને નવા પુનર્વિકાસ થયેલ ટાવરમાં હાલમાં 5%ને બદલે 8% વધારાની જગ્યા મળશે. એક ઉદ્યોગ સ્રોતે દાવો કર્યો હતો કે, નવા નિયમો ઘણા અટવાયેલા પ્રોજેક્ટ્સને વ્યવહારુ બનાવશે અને તેમની પૂર્ણતા તરફ દોરી જશે.
આ યોજના થકી બિલ્ડરો હવે 75% થી માંડીને 100% જેટલી જગ્યા વેચવા હકદાર થઈ જાય છે જેથી બિલ્ડરોના નફામાં વધારો થયો છે. જ્યારે બીજી બાજુ લાભાર્થીઓને એક્સ્ટ્રા જગ્યા અને નવું બાંધકામયુક્ત આવાસ મળે છે. સામે સરકારે સમગ્ર પ્રોજેકટ માટે કોઇ પણ જાતનું ભંડોળ આપવું પડતું નથી. તેથી આ નિયમો થકી સૌ કોઈ વિન-વિન પરિસ્થિતિમાં રહે છે.
હાલ રાજકોટ-સૌરાષ્ટ્રમાં પણ અનેક પ્રોજેકટ આ પ્રકારના ચાલુ અવસ્થામાં છે. પરંતુ લાભાર્થીઓના નનૈયા, બિલ્ડરોની નારાજગી અથવા અન્ય કોઈ કારણોસર પ્રોજેકટ ઔરંભે મુકાઈ ગયા છે. જેના કારણે બિલ્ડર, લાભાર્થી અને સરકાર ત્રણેય અસમંજસની પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. ત્યારે આ સ્કીમ હેઠળ મહારાષ્ટ્રવાળી કરીને રાજ્ય સરકાર તમામ લાભાર્થીઓને આ સ્કીમથી અવગત કરાવી ફરીવાર પ્રોજેકટ આગળ ધપાવી શકે છે.
આ અંગે દક્ષિણ મુંબઈના સંપત્તિના પુનર્વિકાસ કરનાર બિલ્ડર હરેશ મહેતાએ નવી પ્રોત્સાહનોને વાજબી ઠેરવતા કહ્યું કે, દક્ષિણ મુંબઈમાં બીએમસી દ્વારા લેવામાં આવતા ઉંચા પ્રીમિયમને કારણે બિલ્ડરો માટે પુનવિકાસ પ્રોજેક્ટ્સ અનિવાર્ય બની ગયા છે. શહેરમાં બિલ્ડરોને પ્રોત્સાહન માત્ર 50% હતું. પરિણામે આવી યોજનાઓ સધ્ધર નહોતી. પ્રોત્સાહક માળખામાં પરિવર્તન સાથે, તેઓ હવે વધુ વ્યવહારુ બનશે.
આર્કિટેકટ વિલાસ નાગલકરે કહ્યું હતું કે, અગાઉ વધારે કાયદાકીય ચાર્જ હોવાને કારણે, આવી મોટાભાગની યોજનાઓ આર્થિક રીતે શક્ય નહોતી. આ સુધારેલા નિયમોથી તે અટકેલા કામોને વેગ મળશે.
હાઉસિંગ કાર્યકર ચંદ્રશેખર પ્રભુએ જણાવ્યું હતું કે, વિકાસ નિયંત્રણ નિયમોમાં સુધારાથી બિલ્ડરોને એફએસઆઈમાં વધારાની છૂટ બિલ્ડરોને મળશે જ્યારે ભાડૂતો માટે વધારાના ક્ષેત્રની મંજૂરી આપવામાં આવશે.