ટ્રાયલ કોર્ટ એપ્રીલ મહિના સુધીમાં કઈ રીતે સુનાવણી પૂર્ણ કરશે ? વિગતવાર રિપોર્ટ આપવા વડી અદાલતનો હુકમ
વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર કેસનો ઉકેલ નહીં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે. વડી અદાલતે ટ્રાયલ કોર્ટને પ્રશ્ર્ન કર્યો છે કે, ૨૦૧૯ના એપ્રીલ મહિના સુધીમાં બાબરી ધ્વંશ કેસની સુનાવણી કઈ રીતે પૂર્ણ કરશો. સુપ્રીમ કોર્ટે બાબરી ધ્વંશ કેસની સુનાવણી પૂર્ણ કરવા માટે એપ્રીલ મહિનાની સમયમર્યાદા નકકી કરી છે. ત્યારે આ કેસનો ઉકેલ કઈ રીતે થશે તેવો પ્રશ્ર્ન ખુદ અદાલતે જ ટ્રાયલ કોર્ટને પુછયો છે.
ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તથા મુરલી મનોહર જોશી સહિતના અન્ય નેતાઓ બાબરી ધ્વંશ કેસના આરોપી છે. વડી અદાલતે ટ્રાયલ કોર્ટને આદેશ કર્યો છે કે, વર્ષ ૨૦૧૯ના એપ્રીલ માસ સુધીમાં કેસની સુનાવણી કઈ રીતે કરવામાં આવશે તેનો રિપોર્ટ આપી સંપૂર્ણ પ્લાન દર્શાવે. ન્યાયાધીશ આર.એફ.નરીમાન, ઈન્દુ મલ્હોત્રાની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી રહેલા સ્પેશ્યલ સીબીઆઈ જજ એસ.કે.યાદવની અરજીના અનુસંધાને આ આદેશ આપ્યો છે.
સ્પેશ્યલ બીસીઆઈ જજ એસ.કે.યાદવે પોતાની અરજીમાં આક્ષેપ કર્યો હતો કે, અયોધ્યા મામલે સંબંધીત કેસની સુનાવણીના કારણે તેમનું પ્રમોશન અટકી ગયું છે. જજ એસ.કે.યાદવના પ્રમોશન અને બદલી નહીં થવા પાછળ સુપ્રીમ કોર્ટનો આદેશ જ કારણભૂત છે. અદાલતે આદેશ આપ્યો હતો કે, જયાં સુધી ટ્રાયલ ચાલુ છે ત્યાં સુધી જજ એસ.કે.યાદવની બદલી થઈ શકે નહીં.
જજ એસ.કે.યાદવની અરજી મામલે સુનાવણી કરતી ખંડપીઠે કહ્યું કે, તેઓ સીલબંધ કવરમાં રિપોર્ટ આપે અને તેમાં દર્શાવે કે, આવતા વર્ષે એપ્રીલ સુધીમાં ટ્રાયલ કોર્ટ સુનાવણી કેવી રીતે પૂર્ણ કરશે. વડી અદાલતે આ કેસમાં નોંધ્યું છે કે, વર્ષ ૨૦૧૬માં ૧૦૧ વખત સુનાવણી સ્થગીત કરવામાં આવી હતી. જયારે એપ્રીલ ૨૦૧૭ થી અત્યાર સુધીમાં ૧૩ વખત કાર્યવાહી સ્થગીત થઈ ચૂકી છે. પરિણામે એપ્રીલ ૨૦૧૮ સુધીમાં કઈ રીતે સુનાવણી પૂર્ણ થશે તેવા પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે.
અહીં ઉલ્લેખનીય છે કે, બાબરી મસ્જીદ ધ્વંશ બાદ દેશમાં ધર્મ નિર્પેક્ષતા મામલે અનેક આક્ષેપો થયા હતા. વડી અદાલતે ભારતીય જનતા પક્ષના નેતાઓ પર ષડયંત્ર રચ્યાનો આરોપ બરકરાર રાખ્યો હતો. અદાલતે આ કેસમાં ભાજપના ટોચના નેતાઓ સહિતના આરોપીઓ સામે એક સાથે મામલો ચલાવવાનો હુકમ કર્યો હતો. હાલ આ મામલે લખનૌ અને રાયબરેલીમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા બાબરી ધ્વંશ કે અયોધ્યા રામ મંદિર મામલાનો ઉકેલ નહીં આવે ? તેવા પ્રશ્ર્ન ઉઠી રહ્યાં છે.