કોંગ્રેસમાં વિવાદ હજુ યથાવત : અશોક ગહેલોતને મુખ્યમંત્રી પદનો મોહ છોડી અધ્યક્ષ પદની ચૂંટણી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા હાઈ કમાન્ડની સૂચના
રાજસ્થાનની આંધીએ દેશભરના રાજકારણમાં ચર્ચા જગાવી છે. હવે આ આંધી કોંગ્રેસની શિસ્તના લીરા ઉડાડે તેવી દહેશત ફેલાઈ રહી છે. બીજી તરફ આ વિવાદ જ્યાંથી શરૂ થયો છે એ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં લડવા માટે હાઇકમાન્ડે અશોક ગહેલોતને આદેશ આપ્યો છે અને આ માટે સીએમની ખુરશીનો મોહ છોડવા પણ કહ્યું છે.
રાજસ્થાનનું રાજકીય સંકટ હવે દિલ્હી સુધી પહોંચી ગયું છે. જયપુરથી પરત ફરેલા નિરીક્ષકો અજય માકન અને મલ્લિકાર્જુન ખડગે રાજસ્થાનની વર્તમાન સ્થિતિનો લેખિત અહેવાલ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને સુપરત કર્યો છે. આ પહેલા સોમવારે બંને નેતાઓએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને તેમને વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી હતી. એટલું જ નહીં રાજસ્થાનમાં રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ અશોક ગેહલોતથી નારાજ હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં હાઇકમાન્ડ અશોક ગેહલોત પાર્ટી અધ્યક્ષ પદની રેસમા બરકરાર રાખવા માંગે છે. હાઇકમાન્ડનું કહેવું છે કે અશોક ગહેલોત રાજસ્થાનના મુખ્યમંત્રી પદનો મોહ છોડી અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઝંપલાવે. બીજી તરફ સચિન પાયલટ દિલ્હી પહોંચી ગયા છે.
હાઈકમાન્ડ સાથે તેમની કોઈ બેઠક હજુ નક્કી નથી. હાલમાં એવું કંઈ સામે આવ્યું નથી કે પાયલટ ગેહલોત જૂથના ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી કરવા ઈચ્છે છે.રાજકીય સંકટ વચ્ચે રાજસ્થાનના મંત્રી રાજેન્દ્ર સિંહ ગુહાએ કહ્યું કે મારા અંગત મતે રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી અન્ય કોઈ નહીં પરંતુ સચિન પાયલટ છે. તેમણે કહ્યું કે સંજોગોમાં આવનારી ચૂંટણીને જોતા સચિન પાયલટ અશોક ગેહલોત કરતા વધુ સારા મુખ્યમંત્રી સાબિત થશે. રાજસ્થાનમાં ઉથલપાથલ અંગે કોંગ્રેસના નિરીક્ષકોનો લેખિત અહેવાલ સાંજ સુધીમાં સોનિયા ગાંધીને આપવામાં આવશે. હાલ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વર્તમાન ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર મધુસૂદન મિસ્ત્રી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને પહોંચી ગયા છે.
કોંગ્રેસ હાઈકમાન્ડને હું પડકારીશ નહીં : ગેહલોત
રાજસ્થાનના રાજકીય સંકટ વચ્ચે સીએમ અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વાત કરી. ગેહલોતે કહ્યું કે હું કોંગ્રેસ હાઈકમાન્ડને ક્યારેય પડકારીશ નહીં. તે જ સમયે, તેમના સમર્થકો મંત્રીઓનું વલણ પણ ઢીલું પડી રહ્યું છે. રાજસ્થાનના મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું છે કે સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી સામે રાજસ્થાનનો એક પણ ધારાસભ્ય નથી.