સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ૨૭ ટકા ઘટથી જગતાત ચિંતીત
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયમાં વરસાદની ઘટથી લોકો ચિંતીત બન્યા છે. આંકડા અનુસાર ગુજરાતમાં વરસાદની ૨૨ ટકા ઘટ છે. જયારે સૌરાષ્ટ્ર-કચ્છમાં આ ઘટનું પ્રમાણ ૨૭ ટકાનું છે. પરિણામે ભાદરવો મહિનો પુરો થતાં સુધીમાં વરસાદની ખાદ્ય પુરાશે કે વધુ થશે તે અંગે ખેડૂતો ચિંતામાં ગરક થઈ ગયા છે.
ચાલુ વર્ષે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ ચોમાસુ મોડુ બેસ્યુ હતું. વર્ષ ૨૦૧૫માં ૮૨ ટકા, ૨૦૧૬માં ૭૭ ટકા જયારે ૨૦૧૪માં ૯૪ ટકા વરસાદ થયો હોવાનું ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્થોરિટી (જીએસડીએમએ)ના આંકડા કહે છે. ચાલુ વર્ષે જૂન સુધીમાં ૧૧ ટકા વરસાદ થયો હતો. જયારે જુલાઈમાં ૬૨ ટકા અને ઓગષ્ટમાં ૨૪ ટકા વરસાદ નોંધાયો હતો. આવી સ્થિતિમાં ગુજરાત સરકારે ખરીફ પાક માટે નર્મદા નીરનું પાણી આપવાનો આવકાર્ય નિર્ણય લીધો છે. પરિણામે અનેક ખેડૂતોને રાહત થઈ છે.
ગુજરાતમાં મોટાભાગનો વરસાદ નૈઋત્યના ચોમાસાના કારણે થાય છે. મોટાભાગનો વરસાદ જુલાઈથી ઓગષ્ટ વચ્ચે પડે છે. હાલની સ્થિતિએ મધ્ય ભારતમાં સારો વરસાદ છે પરંતુ ગુજરાતમાં ૪૬૩ એમ.એમ.જેટલો નબળો વરસાદ છે. ગુજરાત ઉપરાંત હરિયાણામાં ૨૦ ટકા, મણીપુરમાં ૫૩ ટકા, મેઘાલયમાં ૪૧ ટકા અને અણાચલ પ્રદેશમાં ૩૬ ટકા તથા આસામમાં ૨૩ ટકા વરસાદની ઘટ છે. ભારતમાં કુલ વરસાદની ઘટ સરેરાશ ૭ ટકા જેટલી છે.
આંકડાનુસાર ચાલુ વર્ષનો સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પડયો છે. ત્યારબાદ ડાંગ, નવસારી, વલસાડ અને આણંદનો ક્રમ આવે છે. જયારે સૌથી ઓછો વરસાદ પાટણમાં નોંધાયો છે. ત્યારબાદ કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર અને મહેસાણાનો ક્રમ આવે છે. ગુજરાતમાં જો વરસાદની ઘટ નહીં ઓછી થાય તો આગામી સમયમાં પાણી માટે મુશ્કેલી સર્જાશે.
ગુજરાતમાં ૭૩.૬૯ ટકા જ વરસાદ રહેતા આગામી ઉનાળો આકરો અનુભવાશે તેવું માનવામાં આવી રહ્યું છે. નોર્થ ગુજરાતમાં ૩૦.૪૩ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જયારે બનાસકાંઠામાં ૩૨.૭૧ ટકા જેટલો વરસાદ ઓછો છે. બીજી તરફ ૧૫ સપ્ટેમ્બરથી વરસાદ વિદાય થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં વરસાદની સ્થિતિ અતિ ગંભીર જણાય રહી છે. ધોરાજીમાં સરેરાશ કરતા ૫૧ ટકા ઓછો વરસાદ છે. જયારે ગોંડલમાં ૪૮, જામકંડોરણામાં ૨૭, જસદણમાં ૫૦, કોટડા સાંગાણીમાં ૪૫, લોધીકામાં ૨૬, પડધરીમાં ૫૬ તેમજ ઉપલેટા, વિંછીયા અને જેતપુરમાં વરસાદની ઘટ ખૂબજ જણાય રહી છે. મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાઓના ઘણા સ્થળોએ વરસાદની ઘટ જોવા મળી રહી છે. જે ભાદરવા દરમિયાન ઓછી થશે કે કેમ તે અંગે લોકો ચિંતીત છે.