કોંગ્રેસમાં સંસ્થાકીય ચૂંટણીની પ્રક્રિયા બાદ રાહુલ ગાંધીને સર્વેસર્વા બનાવાશે: સચિન પાયલોટ
રાહુલ ગાંધી નવા વર્ષથી કોંગ્રેસ પ્રમુખનો તાજ ધારણ કરે તેવી શકયતા રાજસ્થાનના કોંગી નેતા સચિન પાયલોટે વ્યકત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાહુલ ગાંધી કોંગ્રેસના નેતૃત્વની જવાબદારી સંભાળે તે સમય પાકી છે.
સચિન પાયલોટે રાહુલ ગાંધી ઉપર ચૂંટણીની નિષ્ફળતાનો દોષનો ટોપલો ઢોળાતો હોવાની વાત મામલે જણાવ્યું છે કે, નેતાની અટક તેની રાજકીય સફળતા કે નિષ્ફળતા સાથે ન સાંકળવી જોઈએ. સફળતા કે નિષ્ફળતા નેતાના નિર્ણયો ઉપર આધાર રાખે છે, તેની અટક ઉપર નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસમાં ચૂંટણી પ્રક્રિયા માટેની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં કોંગ્રેસને નવા અધ્યક્ષ મળશે. કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીનું નામ ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે. દિવાળી બાદ રાહુલ કોંગ્રેસના સર્વેસર્વા બની જાય તેવી શકયતા છે. રાહુલ ગાંધી કોંગ્રેસનું સુકાન સંભાળશે અને મોટાપાયે ફેરફાર કરશે. કોંગ્રેસમાં રાહુલના નેતૃત્વથી સમતોલન જળવાશે તેવો મત પણ તેમણે વ્યકત કર્યો હતો.
પ્રિયંકા વાડ્રાને રાજકારણમાં સક્રિય ભાગ ભજવવો જોઈએ કે નહીં તે પ્રશ્ર્નના જવાબમાં સચિન પાયલોટે કહ્યું હતું કે, રાજકારણમાં સક્રિયતા દાખવવી કે નહીં તે પ્રિયંકા વાડ્રાનો અંગત નિર્ણય છે. પરિવારના કારણે નેતાને ટેકો મળે છે પરંતુ તેની સફળતા તેના પ્રદર્શન પર આધાર રાખે છે. સફળતા પાછળ પરિવારનો ટેકો કારણભૂત રહે તેવી કોઈ ગેરંટી નથી.
કોંગ્રેસના યુવા નેતા સચિન પાયલોટે રાહુલ ગાંધી ટૂંક સમયમાં કોંગ્રેસની કમાન સંભાળે તેવી શકયતા વ્યકત કરતા કોંગી બેડાના યુવા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ ઉભો થશે. ઘણા સમયથી કોંગ્રેસમાં યુવા નેતાને આગેવાની સોંપાય તેવી ચર્ચા થઈ રહી હતી. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસમાં યુવાઓને નેતાગીરી સોંપવાની ઈચ્છા ધરાવતા હોય કોંગ્રેસમાં યુવા સંગઠનો આગળ આવે તેવી આશા સેવવામાં આવી રહી છે.