અલ્પેશ ઠાકોર ‘ઓબીસી’, હાર્દિક પટેલ ‘પાટીદાર’ અને જીગ્નેશ મેવાણીની ‘દલિત’ મતો ખિસ્સામાં હોવાની શેખી સમાજના ભાગલા પાડે તેવી દહેશત
છેલ્લી કેટલીક ચૂંટણીઓ વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખી લડવામાં આવી રહી હતી. જેના કારણે વર્ષોથી જાતિવાદ-જ્ઞાતિવાદ અને કોમવાદ ઉપર લડાતી ચૂંટણી પ્રથા નાબૂદ થશે તેવી આશા લોકોના મનમાં જાગી હતી. જો કે, હવેની વિધાનસભા ચૂંટણી વર્ષોથી ચાલી આવતા જાતિવાદ-જ્ઞાતિવાદના રાજકારણનો ભોગ બનવા જઈ રહી છે. રાજયમાં ચૂંટણી નજીક છે ત્યારે ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય તેમણે ૨૦ લાખ લોકોના જનાદેશ બાદ લીધો હોવાની શેખી મારી છે.
અલ્પેશ ઠાકોર ઓબીસી મત પોતાના ખિસ્સામાં હોવાની બડાઈ કરે છે જયારે પાટીદાર નેતા હાર્દિક પટેલ પાટીદાર મત બેંકની દુહાઈ આપી રાજકીય પક્ષો પાસે કામ કઢાવી રહ્યો છે. જયારે જીગ્નેશ મેવાણી દલીત મતોના આધારે સોગઠી મારવા તૈયાર છે. આ તમામ કહેવાતા સામાજિક-રાજકીય નેતાઓના કારણે ગુજરાતનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જાય તેવી દહેશત છે.
કોંગ્રેસ અને ભાજપ જેવા પક્ષો પણ આવા નેતાઓને પંપાળી સામાજિક ઝેર ફેલાવી રહ્યાં છે. સત્તા અને સંપતિ માટે કોઈપણ પક્ષના ખોળે બેસી જતા સામાજિક નેતાઓ કેવી રીતે ગુજરાતનું ભવિષ્ય નકકી કરી શકે ? ગઈકાલે કોંગ્રેસમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને ૧૨૫ બેઠકો આપવાની ખાતરી આપી હતી. વિધાનસભાની ચૂંટણીના પડધમ વચ્ચે લાંબા સમયથી સામાજિક આંદોલન ચલાવતા ત્રણેય યુવા નેતાઓએ પોતાની કોંગ્રેસ તરફી રુખ અપનાવતા ભાજપ સહિતના પક્ષો ચિંતાતુર બન્યા છે. રાજયની ૬૫ ટકા વસ્તી પાટીદાર અને ઓબીસી સમાજની છે. એક રીતે હવે કોંગ્રેસ પાસે આ બંને સમાજની મસમોટી મત બેંક છે. પરિણામે ભાજપને તેની ચૂંટણી રણનીતિમાં કેટલાક ફેરફાર કરવા પડયા છે. આ મંથન માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાનું ગુજરાત રોકાણ સપ્તાહના અંત સુધી લંબાવી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી વિધાનસભાની ૫૦ બેઠકો છે. ઓબીસી સમાજના પ્રભુત્વવાળી એટલી જ બેઠકો છે જેમાં ઠાકોર, કોળી સહિતના સમાજ આવી જાય છે. રાજયમાં લગભગ ૧૨ હજાર ગામોમાં દલિત વસ્તી છે. આમ ત્રણેય સમાજ હાલ દેખીતી રીતે કોંગ્રેસ અને ભાજપ માટે અતિ મહત્વની મત બેંક બની જાય છે. હાલ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીના કોંગ્રેસ તરફી વલણના કારણે ગુજરાત વિધાનસભા ચૂંટણીનો મુદ્દો હવે વિકાસ નહીં પરંતુ જાતિવાદ અને જ્ઞાતિવાદ બની ગયો છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા હજુ સુધી દેશને ગંભીર નુકશાન પહોંચાડી રહી છે. થોડા સમય પહેલા વિકાસના મુદ્દે ચૂંટણી લડાશે તો દેશની પરિસ્થિતિ બદલાશે તેવી આશા લોકોમાં જાગી હતી. પરંતુ ગુજરાત જેવા રાજયમાં પણ જો આવી સ્થિતિ હોય તો દેશના અન્ય અલ્પ વિકસીત રાજયોની સ્થિતિ તો કેટલી ખરાબ હશે તે વિચારવી રહી.