- રાજકોટ લોકસભા બેઠક પર કોઇ જ વિખવાદ નથી કોઇ કાર્યકર કે આગેવાનીની જવાબદારી ઓછી કરાય નથી કે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા ખુલાશા પૂછાયા નથી
- પરષોતમભાઇ રૂપાલા પાંચ લાખથી વધુની લીડ સાથે જીતશે જ: ભાજપના હિત શત્રુઓ ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે: પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો. ભરત બોઘરા
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોતમભાઇ રૂપાલાએ રાજા મહારાજાઓ અંગે કરેલી ટીપ્પણી બાદ રાજયભરમાં ક્ષત્રીય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આંદોલન સતત ઉગ્ર બની રહ્યું છે. આંદોલનને ભાજપના જ કેટલાક નેતાઓ હવા આપી રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે. પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો. ભરત બોધરા સામે શંકાની સોય છે ત્યારે ગઇકાલે મીડીયા સાથેની વાતચીત દરમિયાન ડો. બોધરાએ એવો ખુલાશો કર્યો છે કે, ક્ષત્રીય સમાજના આંદોલનમાં મારી રતિભાર પણ સંડોવણી ખુલશે કે આંદોલનકારીઓ સાથે મારા સંપર્ક છે તેવું સાબિત થશે તો હું જાહેર જીવન છોડી દઇશ.
તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, રાજા-રજવાડા અંગેના નિવેદન બાદ ભાજપના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલા બે વાર ક્ષત્રીય સમાજની માફી માંગી લીધી છે. પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ પણ માફી માંગી ચૂકયા છે. ક્ષત્રીય સમાજ ભાજપ પરિવારનું અભિન્ન અંગ છે. મને પુરો વિશ્ર્વાસ છે કે આગામી દિવસોમાં આ વિવાદનો સુખદ અંત આવી જશે.
હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપની લહેર ચાલી રહી છે. ભાજપ તરફી માહોલ છે ત્યારે અમારા રાજકીય હરિફો અને હિત શત્રુઓ દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. હું ર0 વર્ષથી ભાજપના કાર્યકર તરીકે ખંતથી સેવા કરી રહ્યો છું. ક્ષત્રીય સમાજ દ્વારા ચલાવવામાં આવતા આંદોલનમાં મારી સંડોવણી હોવાની જે વાતો ચાલી રહી છે તે ખોટી અને પાયા વિહોણી છે. જો આ આંદોલનમાં મારી રતિભાર પણ સંડોવણી ખુલશે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું.
ક્ષત્રિય સમાજના આંદોલન બાદ પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા રાજકોટ શહેર ભાજપના કેટલાક આગેવાનો અને કાર્યકરોની જવાબદારી ઓછી કરવામાં આવી છે. કેટલાક નેતાઓને ખુલાશા પૂછવામાં આવ્યા છે. તેવા સવાલનો જવાબ આપતા ડો. ભરત બોધરાએ જવાબ આપતા ડો. ભરત બોધરાએ જણાવ્યું હતું કે, પ્રદેશ દ્વારા ભાજપના એક પણ આગેવાનની જવાબદારી ઓછી કરવામાં આવી નથી કે કોઇને ખુલાશા પૂછવામાં આવ્યા નથી. પરષોતમભાઇ રૂપાલાને ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભાની 7 બેઠકો જે લોકસભા મત વિસ્તારમાં આવે છે ત્યાં બે વખત પક્ષના કાર્યકરો દ્વારા લોક સંપર્ક પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. સાતેય ધારાસભ્યો, શહેર અને જીલ્લા ભાજપની ટીમ ખભે ખભા મિલાવી કામ કરી રહ્યા છે.
આગામી 16મી એપ્રીલના રોજ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી પરષોતમભાઇ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે મને એવો વિશ્ર્વાસ છે કે, રાજકોટ લોકસભા બેઠક ભાજપ પાંચ લાખ થી વધુ મતોની લીડ સાથે જીતશે, હાલ અમારા રાજકીય હિત શત્રુઓ દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે લોકોમાં પણ ભાજપ પ્રત્યે વિશેષ લાગણી જોવા મળી રહી છે.