ખરીદદારને છેતરપિંડીથી બચાવવા મોડલ કરારનામું બનાવવા સુપ્રિમનો આદેશ
દેશભરમાં ઘર ખરીદનારા અને બિલ્ડરો માટે મોડેલ બિલ્ડર-ખરીદનાર કરાર બનાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી છે. કોર્ટે કહ્યું છે કે, બિલ્ડર દ્વારા કરાતા કરારમાં ઘણી અસ્પષ્ટ શરતો હોય છે. જેના કારણે ખરીદદારને પાછળથી નુકસાની સહન કરવી પડે છે. આ મુદ્દે ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય સિવાય કર્ણાટકના જિમ થોમસન, નાગાર્જુન રેડ્ડી, તરુણ ગેરા સહિત કુલ ૧૨૫ લોકોએ કોર્ટમાં અરજી કરી હતી. કર્ણાટકના અરજદારો વિવિધ બિલ્ડરોથી પરેશાન છે. જ્યારે અશ્વિની ઉપાધ્યાયે અરજીમાં સમગ્ર દેશમાં આ સમસ્યા હોવાનું જણાવ્યું છે. તમામ અરજીઓમાં માંગણી કરવામાં આવી છે કે, કોર્ટે કેન્દ્રને મોડેલ કરારનામું બનાવવા કહ્યું છે.
અરજદારોનું કહેવું છે કે, મકાન માટે એડવાન્સ આપતી વખતે બિલ્ડરો ખરીદનારની સામે લાંબો કરાર કરે છે. ખરીદનાર માટે આ બહુ-પાનાના કરારને વાંચવું અને સમજવું શક્ય નથી. મજબૂર થઈ ખરીદદાર તેના પર સહી કરે છે. કરારની શરતો સંપૂર્ણપણે બિલ્ડર તરફી હોય છે. બાદમાં મકાન ખરીદવામાં વિલંબ અથવા અન્ય સમસ્યાઓ પર પણ ખરીદનાર કાનૂની કાર્યવાહી કરી શકતો નથી.
અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે, આ સમયે અમલમાં મુકવામાં આવેલા મોટાભાગના કરારોમાં હપ્તા ન ભરવા બદલ ખરીદદારને ૧૮ ટકાના દરે વ્યાજ ચૂકવવું પડે છે. પરંતુ જો બિલ્ડર ફ્લેટ આપવામાં વિલંબ કરે તો તે પ્રતિ ચોરસ યાર્ડ માત્ર ૫ રૂપિયાના દરે વળતર આપે છે. ઘરના ખરીદદારો પાસેથી બીજી ઘણી રીતે બિનજરૂરી નાણાં લેવામાં આવે છે. ૨૦૧૬માં કેન્દ્રએ ઘરના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે રેરા કાયદો ઘડ્યો. તે કાયદામાં આપેલા અધિકારોનું રક્ષણ કરવા માટે તેણે એક મોડેલ રેડીમેડ કરારનામું તૈયાર કરવા કહ્યું છે.
આ મામલો જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠમાં લેવામાં આવ્યો હતો. બેન્ચે શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, તે ચોક્કસ બિલ્ડર સામે રાહત માંગતી અરજીઓ સાંભળશે નહીં પરંતુ તે સમગ્ર દેશ માટે સમાન નિયમો બનાવવાની માંગ પર વિચાર કરવા માંગે છે. ન્યાયાધીશો એ જાણવા માંગતા હતા કે શું માત્ર કેન્દ્ર પાસે બિલ્ડર-બાયર અથવા એજન્ટ-બાયર મોડેલ એગ્રીમેન્ટ બનાવવાની સત્તા છે કે રાજ્યો પણ આવું કરી શકે છે.