ઉત્તરપ્રદેશનું રાજકારણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મહત્વકાંક્ષી રાજકીય સફરને લઈને ભાજપની દિશા અને દશા અને કોંગ્રેસ માટે પ્રિયંકાનું નેતૃત્વ કેવું ફળશે તે બંને મુદ્દાને લઈને ભારે ચર્ચામાં આવ્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના રાજકારણની ગંગામાં કોંગ્રેસની ત્રણ દાયકાથી હાલક-ડોલક થઈ ચૂકેલી નૈયાને પાર લગાવવા માટે સમર્થ થશે કે કેમ ? તેના માટે તમામની મીટ મંડાયેલી છે. ઉત્તરપ્રદેશના રાજકારણમાં પ્રિયંકાએ કોંગ્રેસની નાવને મજધારમાં ઉતારી દીધી છે પરંતુ હવે પ્રિયંકા માટે આગામી 10 થી 11 મહિના કોંગ્રેસને સધ્ધર અને અધ્ધર લાવવા મહત્વના બની રહેશે.
પ્રિયંકા ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ માટે ઈન્દિરા બની શકશે કે કેમ ? દેશના રાષ્ટ્રીય રાજકારણમાં ઉત્તરપ્રદેશનું સિંહાસન ખુબજ મહત્વનું છે. અહીંથી દેશના સત્તાના સુકાનનું ભવિષ્ય નક્કી થાય છે. પ્રિયંકા માટે પણ આ એક તક અને પડકારની પરિસ્થિતિ ઉભી થઈ છે. કેમ કે પ્રિયંકા માટે આ અગ્નિ પરીક્ષામાં પાસ થઈને જ દાદી ઈન્દિરાની જેમ રાજકીય રીતે પોતાનું અસ્તિત્વ ઉજાગર કરવા માટેના દરવાજા ખોલશે. પ્રિયંકાની આ આવડત જ તેમને દાદીના પેગડામાં પગ મુકાવવા સમર્થ બનશે. એક જમાનામાં જેવી રીતે કોંગ્રેસના આંતરિક અને બાહ્ય સંઘર્ષની જવાબદારી ઈન્દિરા પર હતી તેવી જ રીતે પ્રિયંકાનો રોલ અત્યારે ઉત્તરપ્રદેશમાં આવી રહ્યો છે.
કોંગ્રેસના આંતરિક સુત્રોનું કહેવું છે કે, પક્ષને પ્રિયંકાને લઈ ખુબજ આશા છે. ઉત્તરપ્રદેશના ભાજપના ગઢ અને સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ધરાવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપ સામે કોંગ્રેસનો વિકલ્પ ઉભો કરવા માટે પ્રિયંકા અત્યારે ખુબજ જવાબદાર ભૂમિકા ભજવી રહી છે. ભાજપના રથ ઉપર સવાર યોગી આદિત્યનાથ 325થી વધુ ધારાસભ્યોની પ્રચંડ સેના અને રાજ્ય ઉપરાંત કેન્દ્રમાં પણ ભાજપની સત્તા આરએસએસ અને સંઘ ભગીની સંસ્થાઓના સહકાર અને અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સાથે હિન્દુત્વના રાજકીય મુસદાની સંપૂર્ણપણે હુંફ ધરાવતા મુખ્યમંત્રી હિન્દુત્વના મુદ્દે અત્યારે ઉત્તરપ્રદેશમાં નરેન્દ્ર મોદી જેવી જ લોકપ્રિયતા અને અમીત શાહ જેવી રણનીતિ ધરાવે છે.
જે.પી.નડ્ડા પક્ષના અધ્યક્ષ છે ત્યારે અખિલેશ યાદવ અને મુલાયમસિંહની જૂની રાજનીતિ, જ્ઞાતિના ફેકટર વચ્ચે યોગી આદિત્યનાથ સામે પ્રિયંકાએ ઘણા લાંબા સમયથી ગ્રાઉન્ડ ટુ અર્થ રણનીતિ અને પક્ષને મજબૂત કરવાની દિશામાં કરેલું કામ આગામી 2022ની ચૂંટણીમાં કેવું અસરકારક બનશે તેના પર તમામની મીટ મંડાયેલી છે.
બીજી તરફ ઉત્તરપ્રદેશમાં અત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણમાં એક સંઘર્ષશીલ અને પાયાના કાર્યકરથી ટોચ પર પહોંચેલા નેતા તરીકે એક આગવી ઓળખ ધરાવતા થયા છે.યોગી આદિત્યનાથની રાજકીય કારકિર્દી અને હિન્દુત્વ, રાષ્ટ્રીય વિચારધારા અને પાયાના લોકનાયક તરીકેની તેમની સંઘર્ષમય સ્થિતિને લઈને યોગી આદિત્યનાથનું કદ દિવસે દિવસે વધતું જાય છે.
યોગી આદિત્યનાથ જ્યારે પ્રથમ વખત સંસદમાં પહોંચ્યા ત્યારે તેમણે ભાવુક રીતે પોતાની રાજકીય સંઘર્ષની ગાથા વર્ણવી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, પોતે રાષ્ટ્ર સેવામાં પરિવાર, સમાજના સુખ ન્યોછાવર કરીને દેશ સેવામાં લાગ્યા છે તેવા સંજોગોમાં તેમના માટે અનેક પડકારો ઉભા થયા છે. ભ્રષ્ટાચાર, રાજકીય દગાખોરી અને રાષ્ટ્ર વિરોધી તત્ત્વો તેમના માટે પડકારરૂપ બની ગયા હતા અને અનેક અવરોધો પાર કરીને સંસદ સુધીની તેમની સફર માત્ર રાષ્ટ્ર સેવાને સમર્પિત હોવાનું તેમણે જણાવ્યું હતું.
અત્યારે ઉત્તરપ્રદેશના રાજકારણમાં આગામી ચૂંટણીઓને લઈ તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યાં છે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપની સ્થિતિ મજબૂત માનવામાં આવી રહી છે પરંતુ યોગીનો આ પ્રભાવ ભાજપ માટે ફાયદાકારક બનશે કે કેમ ? યોગી આદિત્યનાથને કેટલાંક લોકો વડાપ્રધાન મોદીના વિકલ્પ તરીકે જોઈ રહ્યાં છે.
આદિત્યનાથનું આ વધતું કદ ભાજપ માટે ફાયદારૂપ છે કે, નુકશાનરૂપ તે આગામી સમય બતાવશે. અત્યારે તો ઉત્તરપ્રદેશના રાજકારણમાં યોગી આદિત્યનાથની ખીલેલી પ્રતિભાના સૂર્યના કિરણો છેક દિલ્હી સુધી ચમકી રહ્યાં છે. બીજી તરફ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનો હવાલો સંભાળ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશમાં તે ઈન્દિરાની જેમ સફળ થશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે, અત્યારના સમયમાં યોગી આદિત્યનાથ ભાજપ માટે તારણહાર બનશે ? યોગી ભોગી બની જાય તો કોને ફાયદો અને કોને નુકશાન તે આવનારો સમય જ બતાવશે.
ગોરખપુરનું 1920થી શું રહ્યું છે રાજકીય મહત્વ
ભારતના રાષ્ટ્રીય રાજકારણના મંચમાં ઉત્તરપ્રદેશનું સવિશેષ મહત્વ રહ્યું છે. દિલ્હીની ગાદી સર કરવી હોય તો ઉત્તરપ્રદેશ જીતવું જોઈએ. અત્યારે ઉત્તરપ્રદેશની આગામી વિધાનસભાને લઈને સમગ્ર દેશના રાજકીય પંડિતોની મીટ ઉત્તરપ્રદેશ પર મંડાઈ છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હોમટાઉન ગોરખપુર રાજકીય રીતે ખુબજ મહત્વનું રહ્યું છે. ગોરખપુર 1920થી રાજકારણના કેન્દ્રબિંદુમાં એક યા બીજી રીતે રહ્યું છે. પ્રાચીન જમાનામાં કૌશલ રાજ્યની રાજધાની અને ગોરખનાથ મઠના મુખ્ય કેન્દ્રબિંદુ અને હિન્દુ ધર્મ સંસ્કૃતિના ધરોહર તરીકે જાણીતુ છે. યોગી આદિત્યનાથનું ઘડતર પણ ગોરખપુરમાં થયું છે અને ધર્મગ્રથ ગીતાનું પ્રકાશન સ્થળથી લઈ હિન્દુ ધર્મ સંસ્કૃતિનું ધરોહર ગણાતું ગોરખપુર અત્યારે ભાજપ માટે સલામત બેઠક બની રહી છે. 1998 થી 2017 લગાતાર યોગી આદિત્યનાથ ત્યાંથી 5 ચૂંટણીઓ જીતતા આવ્યા છે. ગોરખપુર રાજકીય અને સામાજીક ઉપરાંત અન્ય રીતે પણ કાયમી ધોરણે ચર્ચામાં રહ્યું છે. મોટાભાગે હિન્દુ ધર્મ સંસ્કૃતિના ઉપાસક તરીકે અને ગુરૂ ગોરખનાથ મઠને લઈ ગોરખપુરનું રાજકીય મહત્વ રહ્યું છે.