ગુરૂવારથી ત્રણ દિવસ માટે આયોજીત સોમનાથ યાત્રા રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને જૂનાગઢના પાટીદારોની વધુ વસ્તી ધરાવતા વિસ્તારોને આવરી લેશે
ગુરૂવારથી પાટીદાર અનામત આંદોલન સમીતી ત્રણ દિવસીય સોમનાથ યાત્રાનો પ્રારંભ કરાવવા જઈ રહી છે. પાસની સોમનાથ યાત્રા રાજકીય પાસાઓ પલટાવવા માટે ‘આયોજીત’ હોવાનું માનવામાં આવે છે. યાત્રામાં ૨૦૦થી વધુ વાહનોનો કાફલો હશે. આ યાત્રા અમદાવાદથી સોમનાથ મંદિર સુધી યોજાશે. યાત્રા સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર-સોમનાથ સહિતના શહેરોમાં પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને ધમરોળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સીન્ઝો અબે ગુજરાતમાં છે. ત્યારે જ આ યાત્રાના આયોજન ઉપર શંકા સેવાઈ રહી છે. એક તરફ પાટીદાર અનામત આંદોલન સમીતીના ક્ધવીનર હાર્દિક પટેલ સરકારના વિરુધ્ધમાં અને કોંગ્રેસના પડખામાં જઈ રહ્યો હોવાની ચર્ચા વચ્ચે સોમનાથ યાત્રાથી ભવિષ્યમાં શું રણનીતિ ઘડાશે જેની ચર્ચા થઈ રહી છે.
પાસ નેતાઓને આ યાત્રાની હજુ મંજૂરી મળી નથી છતાં પણ જો જરૂર પડશે તો તેઓ ધરપકડ વ્હોરવા પણ તૈયાર છે. આ મામલે પાસના સભ્ય વરૂણ પટેલે જણાવ્યું હતું કે, અમે અમદાવાદથી સોમનાથ વચ્ચે ત્રણ દિવસની યાત્રા કાઢીશું જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં પાટીદારોની વસ્તી વધારે હોય તેવા એરીયાને સાકળી લેવાશે. જયાં અમે પાટીદાર સમાજને અનામત અંગે સમજાવીશુ. આ યાત્રામાં હાર્દિકની સાથે સાથે દિનેશ બાંભણીયા અને દિલીપ સોબવા પણ ઉપસ્થિત રહે તેવી શકયતા છે.
આ યાત્રામાં ૧૮૨ વિધાનસભા મત ક્ષેત્રોના પાસના આગેવાનો પણ હાજર રહેશે. યાત્રામાં કુલ ૨૦૦થી વધુ વાહનો જોડાશે. પાસની આ યાત્રા ચૂંટણીમાં ભાજપને સમર્થન ન આપવા લોકોને સમજાવવા માટેની હોવાનું કહેવાય છે.