- ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલ અધિકારીએ જ ગોટાળા કર્યાની આપી કબૂલાત: મામલો સુપ્રીમમાં પહોંચ્યો, ત્રણ
- ન્યાયાધીશો બેચ દ્વારા સુનાવણી શરૂ : પટીઆઈ સમર્થકો દ્વારા ચૂંટણી રદ કરી ફરીથી 30 દિવસમાં યોજવાની કરી માંગ
International News : પાકિસ્તાનમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીની ભવિષ્ય શું હશે તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. હવે એવી અટકળો ચાલી રહી છે કે સામાન્ય ચૂંટણીઓ પણ રદ્દ થઈ શકે છે. આનું કારણ એ છે કે પાકિસ્તાનના ચૂંટણી પંચે એક ઉચ્ચ વહીવટી અધિકારી દ્વારા કરવામાં આવેલા હેરાફેરીના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. જો આ કમિટી પણ ધાંધલધમાલની પુષ્ટિ કરે તો ચૂંટણીના પરિણામો રદ્દ થવાની પૂરેપૂરી શક્યતા છે.બીજી તરફ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો છે. ત્રણ ન્યાયાધીશો બેચ દ્વારા સુનાવણી શરૂ છે.પીટીઆઈ સમર્થકો દ્વારા ચૂંટણી રદ કરી ફરીથી 30 દિવસમાં યોજવાની માંગ ઉઠાવવામાં આવી છે.
અધિકારીએ કહ્યું હતું કે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી સાથે રાવલપિંડીની ચૂંટણીમાં અન્યાય થયો હતો. . રાવલપિંડીના પૂર્વ કમિશનર લિયાકત અલી ચટ્ટાએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે શહેરમાં ચૂંટણી હારેલા ઉમેદવારોને વિજયી બનાવવામાં આવ્યા હતા.લિયાકત અલી ચટ્ટાએ દાવો કર્યો હતો કે રાવલપિંડીમાં 13 ઉમેદવારોને બળપૂર્વક વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે તેઓ હારી રહ્યા હતા. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ધાંધલધમાલ અને પાર્ટીને આપવામાં આવેલ જનાદેશ છીનવી લેવાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ શરૂ કર્યો છે.
અહેવાલ અનુસાર, રાવલપિંડીના પૂર્વ કમિશનર ચટ્ટાએ કહ્યું, હું આ ખલેલની સંપૂર્ણ જવાબદારી લઉં છું અને કહી રહ્યો છું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને મુખ્ય ન્યાયાધીશ આમાં સંપૂર્ણ રીતે સામેલ છે.ચટ્ટાએ ચૂંટણી પરિણામો સાથે ચેડાં કરવાની ’જવાબદારી’ લઈને પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પાકિસ્તાનના ચૂંટણી પંચએ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ચટ્ટા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સખત રીતે ફગાવી દીધા છે. ઇસીપીએ આરોપો પર ચર્ચા કરવા માટે એક તાકીદની બેઠક યોજી હતી અને આરોપોની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રાજાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. બીજી તરફ, રાવલપિંડીના નવનિયુક્ત કમિશનર સૈફ અનવર જપ્પાએ સામાન્ય ચૂંટણીમાં ધાંધલધમાલ અંગે ભૂતપૂર્વ કમિશનર દ્વારા કરવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણીમાં કમિશનરની ભૂમિકા માત્ર સંકલનની જ હોય છે. હેરાફેરીના દાવાઓ પાયાવિહોણા છે.