મુશર્રફ કયારેય ગદાર હોય શકે નહીં: પાક.આર્મી
પાક.નાં બાહુબલી નેતાઓનો અંત હંમેશા દયનીય રહ્યો હોય પરવેઝ મુશર્રફ મુદ્દે પાકિસ્તાનમાં હોબાળો થશે?
પાકિસ્તાનમાં એક સમયે સર્વેસર્વા ગણાતા જનરલ પરવેઝ મુશર્રફને પાકિસ્તાનની અદાલતે ફાંસીનાં માચડે લટકાવી દેવાનો ચુકાદો આપ્યો છે જોકે પાકિસ્તાનનાં બાહુબલી નેતાઓનો અંત હંમેશા દયનીય રહ્યો હોવાનું ઈતિહાસ કહી રહ્યા છે ત્યારે મુશર્રફની સજા સામે પાક. આર્મીએ દર્શાવેલી નારાજગીનાં પરિણામો કેવા આવશે તેનાં પર સૌની નજર છે.
પાકિસ્તાનની અદાલતે સૌપ્રથમ વખત સૈન્યનાં અધિકારીને સજા સંભળાવી છે. ઈતિહાસમાં એવું કયારેય નથી બન્યું કે જયારે પાકિસ્તાનમાં સૈન્યનાં અધિકારીને સજા કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી હોય. પાકિસ્તાનનાં સર્વેસર્વા બનવા માટે મથામણ કરનાર દરેક નેતાનો અંત ખરાબ રહ્યો છે પછી ભલેને તે બેનર્જી ભુટ્ટો હોય કે જીયા ઉલ હક. મોટાભાગનાં પાકિસ્તાની નેતાઓનું મોત ખરાબ રીતે થયું છે. આવી જ રીતે પાકિસ્તાનનાં પૂર્વ જનરલ પરવેઝ મુશર્રફને ફાંસીએ લટકાવવામાં આવે તેવા ચુકાદા બાદ અટકળો શરૂ થઈ છે જોકે પાકિસ્તાનમાં હંમેશા સૈન્યનું વર્ચસ્વ જોવા મળ્યું છે. આવા સંજોગોમાં એકસ આર્મી ચીફને પણ મોતની સજા સંભળાવવામાં આવી હોય તેવો કિસ્સો સામે આવતા પાક સૈન્ય છંછેડાઈ ગયું છે.
મુશર્રફ ૨૦૧૬થી મેડિકલ ટ્રીટમેન્ટનાં નામે દેશમાંથી ફરાર થવાની પેરવી કરી રહ્યા હતા. ૭૬ વર્ષનાં મુશર્રફે પોતાનાં જીવનનાં અંતનો મોટાભાગનો કાર્યકાળ દુબઈ અને લંડનમાં વિતાવ્યો હતો. તાજેતરમાં વરિષ્ઠ વકિલની ખંડપીઠ દ્વારા અપાયેલા ચુકાદા બાદ પાક. સૈન્યએ આ ચુકાદાને દુ:ખદ ગણાવ્યો હતો. પાકિસ્તાનનાં સૈન્યએ સતાવાર નિવેદનમાં કહ્યું હતું કે, પૂર્વ આર્મી ચીફ અને પાકિસ્તાનનાં પૂર્વ પ્રમુખે ૪૦ વર્ષ સુધી દેશની સેવા કરી છે. દેશનાં રક્ષણ માટે અનેક યુદ્ધો લડયા છે જે કયારેય ગદાર હોય શકે નહીં.
અહીં નોંધનીય છે કે પરવેઝ મુશર્રફ સામે કાયદાકિય જંગ ૨૦૧૩માં શરૂ થયો હતો. ૨૦૦૭માં ઈમરજન્સી આપવા બાબતે મુશર્રફ સામે અવાજ ઉઠયો હતો. હાલ મુશર્રફની તબિયત ખરાબ છે અને દુબઈમાં સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળે છે. અહીં નોંધનીય છે કે, મુશર્રફનો જન્મ વર્ષ ૧૯૪૩માં ભારતની રાજધાની દિલ્હીમાં થયો હતો ત્યારબાદ ભાગલા સમયે તેનો પરીવાર પાકિસ્તાન પહોંચ્યો હતો. અમેરિકાએ આતંકવાદ સામે લડાઈનાં નામે પરવેઝ મુશર્રફ માટે માર્ગ મોકળો બનાવ્યો હતો તે સમયે અમેરિકાનાં નજીકનાં ગણાતા હતા ત્યારે ૨૦૦૭માં પરવેઝ મુશર્રફે મુખ્ય ન્યાયમૂર્તિને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષ ૨૦૦૭માં વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યા બાદ તેના કપરા ચઢાણ શરૂ થયા હતા જોકે ૨૦૧૩માં તેમણે પાકિસ્તાનની ચુંટણીમાં ભાગ લઈ રાજકારણમાં પરત આવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનાં પર રહેલા કેસનાં કારણે તેમને ભાગ લેવા દેવાયા ન હતા. વર્ષ ૨૦૧૩માં તેમની સામે ગદારીનો કેસ નોંધાયો હતો.