મહાપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાયા બાદ ભાજપના ઉમેદવારો એવું માની રહ્યાં છે કે, અમારી જીત નિશ્ર્ચિત છે

વર્ષ ૨૦૧૫માં યોજાયેલી રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર વ્યાપક જોવા મળી હતી. જનસંઘના કાશી ગણાતા અને ભાજપના અડીખમ ગઢ મનાતા એવા રાજકોટમાં મહાપાલિકામાં વિજય મેળવવામાં ભાજપના મોઢે ફીણ આવી ગયા હતા. ૧૮ પૈકી ૧૭ વોર્ડની મત ગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધી કોંગ્રેસ અને ભાજપ બન્ને ૩૪-૩૪ બેઠક જીતી એક સાથે ચાલી રહ્યાં હતા. વોર્ડ નં.૬માંથી ભાજપને સ્પષ્ટ જનાદેશ મળ્યો હતો અને ચારેય બેઠકો જીતતા માંડ-માંડ પાતળી બહુમતિ સાથે મહાપાલિકા જાળવી રાખવામાં સફળ રહ્યું હતું. આ વખતે ભાજપા આગેવાનો મહાપાલિકાની ચૂંટણી જીતી જશું તેવા વધુ પડતા આત્મવિશ્ર્વાસમાં છે પરંતુ માહોલ કંઈક અલગ જ છે. ફોર્મ ભર્યા બાદ ભાજપના મોટાભાગના ઉમેદવારોએ એવું માની લીધું છે કે અમારી જીત નિશ્ર્ચિત છે પરંતુ પ્રજાના મનમાં કંઈક અલગ ચાલી રહ્યું છે. કોઈપણ રાજકીય પક્ષ માટે વધુ પડતો આત્મવિશ્ર્વાસ હંમેશા ખતરનાક સાબીત થતો હોય છે. આ વખતે ભાજપે માત્ર કોંગ્રેસ સામે નહીં પરંતુ આપ સામે પણ લડવાનું છે. ભલે મહાપાલિકાનો ઈતિહાસ ભાજપની સાથે હોય અને અહીં એકપણ વખત રાજકોટવાસીઓએ અન્ય રાજકીય પક્ષ કે અપક્ષ ઉમેદવારને નગરસેવક બનાવીને મહાપાલિકામાં મોકલ્યો ન હોય પરંતુ ઈતિહાસ હંમેશા બદલાવા માટે જ રચાતો હોય છે. આપ ભાજપના ગઢમાં ગાબડુ પાડે તેવી શકયતા નકારી શકાતી નથી. કારણ કે આપના શહેર પ્રમુખ રાજભા ઝાલા એક વખત શહેર ભાજપના મહામંત્રી રહી ચૂક્યા છે. તેઓ ભાજપની એક ચૂંટણી લક્ષી વ્યૂહરચનાથી સારી પેઠે વાકેફ છે જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર પણ

ભાજપમાં અમુક વર્ષો રહી પક્ષની નીતિ-રીતિ અને વ્યૂહરચનાથી સંપૂર્ણ વાકેફ થઈ ચૂક્યા છે. આવામાં વધુ પડતો આત્મવિશ્ર્વાસ ભાજપની નૈયા ડુબાડે તેવી શકયતા નકારી શકાતી નથી. કારણ કે ટિકિટ આપવા માટે પક્ષ દ્વારા જે નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તેનાથી ૧૦ સીનીયરોની ટિકિટ પર કાતર ફરી વળી છે જ્યારે અનેક દાવેદારો સાઈડ લાઈન થયા છે. અંદર ખાને પક્ષમાં અસંતોષનો ચરૂ સડવડાટ લઈ રહ્યો છે પરંતુ બહાર આવતો નથી. કાર્યકરો ખંતથી કામ કરતા નથી આવામાં વધુ પડતો આત્મવિશ્ર્વાસ ભાજપની નૈયા ડુબાડે તેવું રાજકીય પંડીતો માની રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.